<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th October 2024

વકફ બિલ મુદ્દે સંયુક્ત સંસદીય સમિતિની બેઠકમાં ખડગે પર આરોપ લગાવતા હોબાળો :વિપક્ષી સભ્યોએ કર્યો બહિષ્કાર

વિરોધ પક્ષના સાંસદોએ સ્પીકરને તાત્કાલિક હસ્તક્ષેપની માંગણી કરતાં કહ્યું - સમિતિના અધ્યક્ષ જગદંબિકા પાલને કાયદા મુજબ સમિતિની કાર્યવાહી હાથ ધરવા માટે સૂચના આપવી જોઈએ.

નવી દિલ્હી :વકફ બિલ મુદ્દે સંયુક્ત સંસદીય સમિતિના વિરોધ પક્ષોના સભ્યોએ સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને જગદંબિકા પાલ વિરુદ્ધ ફરિયાદ કરી છે. વિરોધ પક્ષના સાંસદોએ સ્પીકરને તાત્કાલિક હસ્તક્ષેપની માંગણી કરતાં કહ્યું હતું કે, સમિતિના અધ્યક્ષ જગદંબિકા પાલને કાયદા મુજબ સમિતિની કાર્યવાહી હાથ ધરવા માટે સૂચના આપવી જોઈએ.

પત્રમાં વિપક્ષી દળના સાંસદોએ કહ્યું કે, બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું નામ લઈને તેમના પર વકફ સંપત્તિ હડપ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, જે ખોટું છે. કર્ણાટક અલ્પ સંખ્યક આયોગના પૂર્વ અધ્યક્ષ અનવર મણિપ્પડીએ JPC સમક્ષ આ આરોપ લગાવ્યો હતો

  વકફ બિલ મુદ્દે વિપક્ષી દળોના નેતાઓએ પત્રમાં કહ્યું હતું, કે અમે તમને તાત્કાલિક હસ્તક્ષેપની વિનંતી કરીએ છીએ અને આશા છે કે તમે અમારી વાત સાંભળશો. સમિતિના અધ્યક્ષનું કર્તવ્ય દ્વિપક્ષીય હોવું અને સંસદીય ધોરણો જાળવવાનું છે. સંસદના સભ્યો માટે પાર્ટી લાઇનમાં કામ કરવાનું ચાલુ રાખવું ખૂબ મુશ્કેલ હશે. સંયુક્ત સંસદીય સમિતિ પક્ષપાતી અને રાજકીય રીતે પ્રેરિત છે. અમે આશા રાખીએ છીએ કે તમારુ સમર્થન મળી રહેશે

વિરોધ પક્ષોના સાંસદોએ વકફ સુધારા બિલ પર સોમવારે સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની બેઠકનો બહિષ્કાર કર્યો હતો. આ બેઠક સવારથી તો બરોબર ચાલી રહી હતી, પરંતુ કર્ણાટક લઘુમતી આયોગના ભૂતપૂર્વ અધ્યક્ષ અનવર મણિપદીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પર કરેલી ટિપ્પણી બાદ હંગામો મચી ગયો હતો. 

આ સાથે કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓના સાંસદોએ હોબાળો મચાવ્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે, મલ્લિકાર્જુન ખડગે પર જમીન અંગેના બિનજરૂરી આરોપો લગાવવામાં આવી રહ્યા છે. અનવરે સમિતિ સમક્ષ જે વાત કરી તે સમિતિની કામગીરીને અનુરૂપ નથી. એટલે આવા આરોપો સ્વીકાર્ય નથી. 

સૂત્રોના જણાવ્યા અનુસાર AIMIMના વડા અસસુદ્દીન ઓવૈસીએ સંયુક્ત સંસદીય સમિતિના અધ્યક્ષ જગદંબિકા પાલને એક પત્ર લખીને ફરિયાદ નોંધાવી છે. ઓવૈસીએ પોતાના પત્રમાં ગોવાની સનાતન સંસ્થા અને હિંદુ જનજાગૃતિ સમિતિનો કમિટિ સમક્ષ તેમના વિચારો રજૂ કરવાનો વિરોધ કર્યો છે.

(11:38 PM IST)