સલમાન ખાનને હવે Y+ સિકયૉરિટી
સલમાનના નિવાસસ્થાન ગૅલૅક્સી અપાર્ટમેન્ટની આજુબાજુ રાઉન્ડ ધ ક્લૉક ૬૦ જેટલા પોલીસ-કર્મચારીઓમાં મહિલા પોલીસ-કર્મચારીઓ પણ છે અને તેઓ સિવિલ ડ્રેસમાં ચોકી કરી રહી છે : તેની કાર સાથે હંમેશાં પોલીસની એસ્કૉર્ટ વૅન રહેશે : બિલ્ડિંગમાં, બિલ્ડિંગની આસપાસ જબરદસ્ત પહેરો

મુંબઇ, તા.૧૬: છેલ્લે લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગ દ્વારા ધમકી આપ્યા બાદ ૨૦૨૨માં સલમાન ખાનની સિકયૉરિટીમા મુંબઈ પોલીસે વધારો કર્યો હતો એ પછી હવે બાબા સિદ્દીકીની હત્યા બાદ મુંબઈ પોલીસે તેની સિકયૉરિટીમાં વધારો કર્યો છે. હવે સલમાન ખાનને Y+ સિકયૉરિટી આપવામાં આવશે જે હેઠળ ૪ હથિયારધારી પોલીસ-કર્મચારીઓ તેની સુરક્ષા કરશે. એ ઉપરાંત તેની કાર સાથે હંમેશાં પોલીસની એસ્કૉર્ટ વૅન રહેશે. એ સિવાય એક કૉન્સ્ટેબલ હંમેશાં તેની સાથે રહેશે જે દરેક જાતનાં હથિયાર ચલાવવામાં પારંગત હશે.
એ પહેલાં સલમાનને મુંબઈ પોલીસનું નૉર્મલ પોલીસ-પ્રોટેક્શન પૂરું પાડવામાં આવતું હતું. બિશ્નોઈ ગૅન્ગ તરફથી તેને અને તેના પિતા સલીમ ખાનને ધમકીઓ મળતતાં તેણે હવે ગન લાઇસન્સ પણ કઢાવ્યું છે.
દર થોડા અંતરે ચેક પૉઇન્ટ પોલીસે દર થોડા અંતરે સ્ટ્રૅટેજિક લોકેશન્સ પર બૅરિકેડ્સ ગોઠવીને ચેક પૉઇન્ટ ઊભા કર્યા છે. આવતાં-જતાં વાહનોનું અને શંકાસ્પદ લોકોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જેને કારણે એ વિસ્તાર યુદ્ધની છાવણીમાં ફેરવાઈ ગયો હોવાનું લાગી રહ્યું છે.
સલમાનના નિવાસસ્થાન ગૅલૅક્સી અપાર્ટમેન્ટની આજુબાજ રાઉન્ડ ધ ક્લૉક ૬૦ જેટલા પોલીસ-કર્મચારીઓમાં મહિલા પોલીસ-કર્મચારીઓ પણ છે અને તેઓ સિવિલ ડ્રેસમાં ચોકી કરી રહી છે. તેઓ સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર હેઠળ ત્યાં બનતી દરેક ગતિવિધિઓ પર સતત નજર રાખી રહ્યાં છે. એક પોલીસ-વૅન અને એક પોલીસ-જીપ હંમેશાં તેના ઘર પાસે તહેનાત કરવામાં આવી છે જે બાંદરા પોલીસ-સ્ટેશન અને પોલીસની પ્રોટેક્શન બ્રાન્ચ સાથે સંકળાયેલી રહેશે.
ગૅલૅક્સી અપાર્ટમેન્ટમાં આવનાર દરેક વિઝિટર્સની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે અને તેમના આઇડેન્ટિટી પ્રૂફ ચેક કર્યા બાદ અને પૂરતી ખાતરી કર્યા બાદ તેમને એન્ટ્રી આપવામાં આવે છે. ગૅલૅક્સી અપાર્ટમેન્ટની બહાર પણ હવે પ્રશંસકોને ભેગા થવા પર પ્રતિબંધ મુકાઈ ગયો છે.
સલમાનની સિકયૉરિટીને લઈને પોલીસે એ વિસ્તારમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) ધરાવતા હાઈ રેઝોલ્યુશન ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા બેસાડ્યા છે જે ફેસ રિકગ્નિશન કરી શકે છે. એક જ વ્યક્તિ જો ત્યાંથી ૩ વાર પસાર થશે તો તરત જ એની અલર્ટ પોલીસને મળશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
