<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th October 2024

બાબા સિદ્દીકીની હત્‍યાનો કોન્‍ટ્રાકટ કયાંથી અપાયેલ? સાબરમતી કે હરિયાણા જેલઃ સઘન તપાસ

પુનામાં ૩ મહિના પહેલા ષડયંત્ર ઘડાયુ હતુ : શુટરોને બે લાખ રૂપિયા મળેલઃ ૧ મહિનામાં પાંચ વખત સિદ્દિકીના ઘરની રેકી કરેલ

મુંબઇ,તા. ૧૬: મહારાષ્‍ટ્રના મુંબઈમાં બાબા સિદ્દીકી હત્‍યા કેસને લઈને અત્‍યાર સુધીનો સૌથી મોટો ખુલાસો થયો છે. હાલની સ્‍થિતિએ તપાસમાં સામે આવ્‍યું છે કે, બાબા સિદ્દીકીની હત્‍યાનું કાવતરું ત્રણ મહિના પહેલા પુણેમાં ઘડવામાં આવ્‍યું હતું. પરંતુ હત્‍યાનો કોન્‍ટ્રાક્‍ટ સાબરમતી કે હરિયાણા જેલમાંથી અપાયેલ. તે અંગે સઘન તપાસ ચાલી રહી છે. પોલીસના જણાવ્‍યા અનુસાર શૂટરોએ યુટયુબ પરથી શૂટઆઉટની પદ્ધતિ શીખી હતી. આ પછી હત્‍યાને અંજામ આપવામાં આવ્‍યો હતો. બાબા સિદ્દીકી શૂટઆઉટ કેસમાં ધરપકડ કરાયેલા ચોથા આરોપી હરીશે આ તમામ ખુલાસા કર્યા છે.

પોલીસ તપાસમાં જાણવા મળ્‍યું છે કે, શૂટર ૨ લાખ રૂપિયાના બદલામાં આ ભયાનક ઘટનાને અંજામ આપવા માટે તૈયાર થયો હતો. આ હત્‍યા માટે ચારેય શૂટરોને ૫૦,૦૦૦ રૂપિયા મળ્‍યા હતા. શૂટર્સ સોશિયલ મીડિયા મેસેજિંગ એપ દ્વારા એકબીજા સાથે વાત કરતા હતા.

ઝડપાયેલ આરોપી હરીશે જણાવ્‍યું કે, બાબા સિદ્દીકીને તેના ઘરની બહાર ગોળી મારવી હતી તેથી તેના ઘરની અનેકવાર રેકી કરવામાં આવી પરંતુ તે શકય બન્‍યું નહીં. છેલ્લા ૨૮ દિવસમાં જ આ લોકોએ ૫ વખત રેકી કરી હતી. ત્રણ મહિનાથી બાબા સિદ્દીકી પર બધાની નજર હતી. આરોપીએ કહ્યું કે, ઘણી વખત શૂટર્સ હથિયાર વગર બાબાના ઘરે પણ ગયા જેથી કોઈને શંકા ન થાય.

પોલીસે કહ્યું- અત્‍યાર સુધી હત્‍યાને અંજામ આપનાર શૂટર અને હેન્‍ડલરની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ તેના સંચાલક કોણ છે તેની તપાસ કરવામાં આવી રહી છે. હેન્‍ડલર અને શૂટરના નિવેદનોથી સ્‍પષ્ટ થાય છે કે, ઓર્ડર મળ્‍યા બાદ ૩ મહિના પહેલા પુણેમાં કાવતરું ઘડવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ આના પર કામ શરૂ થયું. તમામ બાબતો ફાઇનલ થયા બાદ શૂટર એક મહિના પહેલા મુંબઈના કુર્લા સ્‍થિત તેના ઘરે શિફ્‌ટ થયો હતો પરંતુ તે સ્‍પષ્ટ નથી થયું કે ગોળીબારના આ ષડયંત્રનો આદેશ પંજાબ જેલમાંથી આવ્‍યો હતો કે સાબરમતી જેલમાંથી ?

(2:56 PM IST)