<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th October 2024

યુવતીએ 25 વર્ષે બદલો લઈ પોતાના પિતાના હત્યારાને જેલમાં ધકેલીને રાહતનો શ્વાસ લીધો

ગિસ્લેને ડે ડેઉસ માત્ર 9 વર્ષની હતી, ત્યારે તેના પિતા ગિરાલ્ડોની 20 પાઉન્ડની લેતી-દેતીમાં તેમના જ મિત્ર રેમુન્ડો ગોમ્સે ગોળી મારીને ઘાતકી હત્યા કરી નાંખી હતી

નવી દિલ્હી :હિન્દીમાં એક પ્રસિદ્ધ ઉક્તિ છે- 'નામ નહીં લૂંગી, મગર સંભાલ કર રહેના બદલા જરૂર લૂંગી'. આ ઉક્તિને સાર્થક કરતો એક કિસ્સો દક્ષિણ અમેરિકન દેશ બ્રાઝીલમાંથી સામે આવ્યો છે. જેમાં એક યુવતીએ 25 વર્ષે બદલો લઈને પોતાના પિતાના હત્યારાને જેલમાં ધકેલીને રાહતનો શ્વાસ લીધો છે. બ્રાઝીલના બાઓ વિસ્ટામાં રહેતી ગિસ્લેને ડે ડેઉસની કહાની તમને સાઉથ ઈન્ડિયન ફિલ્મની સ્ટોરી જેવી લાગી શકે છે, પરંતુ તે એક હકીકત છે.

1999ના વર્ષમાં ગિસ્લેને ડે ડેઉસ માત્ર 9 વર્ષની હતી, ત્યારે તેના પિતા ગિરાલ્ડોની 20 પાઉન્ડની લેતી-દેતીમાં તેમના જ મિત્ર રેમુન્ડો ગોમ્સે ગોળી મારીને ઘાતકી હત્યા કરી નાંખી હતી. આ સમયે ગિસ્લેને ડે ડેઉસ 5 બહેનોમાં સૌથી મોટી હોવાથી, પિતાના મોત બાદ ઘરની સંપૂર્ણ જવાબદારી તેના પર આવી ગઈ હતી.

આ સમયે જ ગિસ્લેને નક્કી કરી દીધુ હતું કે, તે પોતાના પિતાને હત્યારાને સજા અપાવીને જ રહેશે. આ માટે તેણે પોલીસ અધિકારી બનવાનું સપનું જોયું અને તેને સાકાર કરવા મહેનત શરૂ કરી દીધી.

આઝાદ ફરી રહેલા પિતાના હત્યારાની શોધખોળ માટે પુત્રી ગિસ્લેને 18 વર્ષની વયે કાયદાનો અભ્યાસ શરૂ કર્યો અને પછી પોલીસ વિભાગમાં જોડાઈ ગઈ. પોલીસ વિભાગમાં જોડાયા બાદ ગિસ્લેને પિતાના હત્યારા ગેમ્સની ભાળ મેળવી લીધી. આખરે 25 સપ્ટેમ્બરના રોજ પિતાના હત્યારાને ઝડપીને જ બીજા દિવસે કોર્ટમાં હાજર કર્યો. જ્યાંથી ગોમ્સને 12 વર્ષ માટે જેલમાં ધકેલી દેવામાં આવ્યો.

મીડિયા રિપોર્ટ મુજબ, ગિરાલ્ડોની હત્યા બાદ ગોમ્સ પોલીસના હાથ ઝડપાઈ ચૂક્યો હતો અને 2013માં તેને 12 વર્ષની સજા પણ સંભળાવી હતી. જો કે કોર્ટના ચુકાદા વિરુદ્ધ અપીલ કરી હતી. 2016માં તેના વચગાળાના જામીન માટેની અપીલ ફગાવ્યા બાદ તેની સામે એરેસ્ટ વોરન્ટ ઈસ્યૂ કરવામાં આવ્યું હતુ, પરંતુ ગોમ્સ ફરાર થઈ ગયો હતો. જે બાદ તેની ફાઈલ અભરાઈ પર ચડાવી દેવામાં આવી હતી. આ સાથે જ ગિસ્લેનનો બદલો પણ પૂરો થઈ ગયો છે. હત્યારાની ધરપકડ બાદ ગિસ્લેને જણાવ્યું હતું કે, ગોમ્સ પાતાળમાં પણ છૂપાયો હશે, તો પણ હું તેને પકડી પાડીશ.

થોડા દિવસ અગાઉ અમદાવાદમાં પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં શહેરના બોડકદેવ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટનામાં સાયકલ પર જઈ રહેલા એક વ્યક્તિને કાર ચાલકે ઉડાવી દોધો હતો. આ કેસની તપાસના અંતે પોલીસે પકડેલા આરોપીએ કબૂલાત કરી હતી કે, 22 વર્ષ અગાઉ રાજસ્થાનના જેસલમેરમાં તેના પિતાને આ રીતે કારથી ઉડાવીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. જેનો બદલો લેવા માટે તેણે જાણી જોઈને પુરઝડપે કાર દોડાવીને ટક્કર મારી હતી

(8:00 PM IST)