<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th October 2024

સલમાન ખાનની નેટવર્થ ૬૦૦૦ કરોડ રૂપિયાથી પણ વધારે !

એક ફિલ્‍મની ૧૦૦ કરોડ ફી...નફામાં ૫૦થી ૭૦ ટકા ભાગ

મુંબઈ,તા. ૧૭: બોલિવૂડના ‘દબંગ' એટલે કે સલમાન ખાન છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. છેલ્લા ઘણા સમયથી લોરેન્‍સ બિશ્નોઈ ગેંગ દ્વારા તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. તો તાજેતરમાં જ સલમાન ખાનની સૌથી નજીકના ગણાતા મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની જાહેરમાં ગોળી મારીને હત્‍યા કરી દેવામાં આવી હતી. જે બાદ સલમાન ખાનની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. તમે જાણતા જ હશો કે સલમાન ખાન બોલિવૂડના સૌથી મોંઘા કલાકારોમાંથી એક છે, ફિલ્‍મો ઉપરાંત તેમની આવકના બીજા પણ ઘણા સ્ત્રોત છે જેના વિશે તમે કદાચ નહીં જાણતા હોવ.

ઓગસ્‍ટ ૨૦૨૪માં જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્‍યું હતું કે વર્ષ ૨૦૧૯ પહેલા સલમાન ખાન બોલિવૂડમાં સૌથી વધુ કમાણી કરનારા અભિનેતા હતા, જે બાદ તેમની નેટ વર્થમાં ઘટાડો નોંધાયો હતો અને આજે સૌથી વધારે નેટ વર્થ અભિનેતા શાહરૂખ ખાનની છે. આપને જણાવી દઈએ કે, શાહરૂખ ખાનની નેટ વર્થ લગભગ ૬ હજાર કરોડ રૂપિયાથી પણ વધારે હોવાનું કહેવાય છે, જયારે સલમાન ખાન અત્‍યારે ત્રીજા નંબરે ચાલ્‍યા ગયા છે.

Brittannia.com’s4ના આ રિપોર્ટનું માનીએ તો સલમાન ખાનની પાસે આશરે ૩૪.૭ કરોડ ડોલર (૨૯૦૦ કરોડ રૂપિયા)ની સંપત્તિ છે. ફિલ્‍મો ઉપરાંત સલમાન ખાન રિયલ એસ્‍ટેટ, બિઝનેસ અને અન્‍ય સ્ત્રોતોથી દર વર્ષે કરોડોની કમાણી કરે છે. તો જાહેરાત કરવા માટે પણ સલમાન ખાન મોટી ફી લે છે. આ ઉપરાંત ટીવી શો દ્વારા પણ તેમને બમ્‍પર કમાણી થાય છે.

રિપોર્ટ અનુસાર, સલમાન ખાનની બોલિવૂડના સૌથી મોંઘા અભિનેતામાં ગણતરી થાય છે, કારણ કે તેઓ એક ફિલ્‍મ માટે ૧૦૦ કરોડ રૂપિયા સુધીની ફી લે છે. આ ઉપરાંત તેમના પ્રોડક્‍શન હાઉસ હેઠળ બનેલી ફિલ્‍મોના નફા (પ્રોફિટ)માંથી પણ સલમાન ખાન ૫૦ થી ૭૦ ટકા ભાગ લે છે. એવું માનવામાં આવે છે કે સલમાન ખાન ફક્‍ત બ્રાન્‍ડ્‍સ અને જાહેરાતોથી દર વર્ષે લગભગ ૩૦૦ કરોડ રૂપિયા કમાય છે. તેમની પાસે હીરો, પેપ્‍સી જેવી ઘણી મોટી કંપનીઓની જાહેરાતો છે.

આપને જણાવી દઈએ કે, સલમાન ખાને વર્ષ ૨૦૧૧માં પોતાનું પ્રોડક્‍શન હાઉસ સલમાન ખાન ફિલ્‍મ્‍સ ની સ્‍થાપના કરી હતી. તેના બેનર હેઠળ બનતી ફિલ્‍મોના નફામાંથી સલમાન ખાન મોટો ભાગ લે છે. આ સિવાય સલમાન ખાન સૌથી મોંઘા ટીવી શો હોસ્‍ટ પણ છે. સલમાન ખાન ‘બિગ બોસ' માટે દર અઠવાડિયે ૨૫ કરોડ રૂપિયાની તગડી ફી લે છે.

સલમાન ખાનની પાસે ઘણી લક્‍ઝરી પ્રોપર્ટી છે. તમે પનવેલમાં આવેલા તેમના ફાર્મ હાઉસ વિશે તો જાણતા જ હશો, જેની કિંમત આશરે ૯૫ કરોડ રૂપિયા છે. આ સિવાય ‘ગેલેક્‍સી એપાર્ટમેન્‍ટ'કે જેમાં સલમાન ખાન પરિવાર સાથે રહે છે તેની કિંમત પણ લગભગ ૧૧૪ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. સલમાન ખાને ચિમ્‍બાઈ રોડ પર ૧૭ કરોડ રૂપિયાની પ્રોપર્ટી પણ ખરીદી છે. તેમણે રજાઓ માણવા માટે ગોરાઈ બીચ પર ૩૫ કરોડ રૂપિયાનો બંગલો બનાવ્‍યો છે, જયારે મુંબઈ અને દુબઈમાં તેમની ૩ અન્‍ય પ્રોપર્ટી પણ છે.

સલમાન ખાને વર્ષ ૨૦૧૨માં બીઇંગ હ્યુમન નામની સંસ્‍થા બનાવી અને તે જ નામથી કપડાંની બ્રાન્‍ડ પણ શરૂ કરી. આજે આ કંપની યુરોપ અને મિડલ ઈસ્‍ટ (મધ્‍ય પૂર્વ)માં મોટી બ્રાન્‍ડ બની ગઈ છે. આ સિવાય વર્ષ ૨૦૧૯માં સલમાન ખાને જીમ અને ફિટનેસ સેન્‍ટર બ્રાન્‍ડ SK-27 જીમની ચેઈન પણ શરૂ કરી હતી. આજે આ બ્રાન્‍ડના બેનર હેઠળ ફિટનેસ ઇક્‍વિપમેન્‍ટ પણ વેચવામાં આવે છે. આ સિવાય સલમાન ખાને બ્‍યુટી કેર એન્‍ડ વેલનેસ પ્રાઈવેટ લિમિટેડના નામથી પોતાની કંપની પણ બનાવી છે.

આપને જણાવી દઈએ કે, સલમાન ખાને ઘણા સ્‍ટાર્ટઅપમાં પણ રોકાણ કરેલું છે. વર્ષ ૨૦૧૨માં તેમણે ટ્રાવેલ કંપની Yatra.comમાં ૫ ટકા ભાગીદારી કરી હતી. આ ઉપરાંત સલમાન ખાને શોર્ટ વીડીયો પ્‍લેટફોર્મ ચિંગારીમાં પણ રોકાણ કર્યું છે.

(9:46 AM IST)