<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th October 2024

સોશ્યલ મીડિયા પર અફવા ફેલાવનારાઓની ખેર નહીં : કડક કાર્યવાહી કરવાની કેન્દ્રની તૈયારી શરૂ

ઓનલાઈન ધમકીઓ ફેલાવતી તમામ સંભવિત લિંક્સ અથવા થ્રેડને તપાસવા માટે સોશિયલ મીડિયા અને ડાર્ક વેબ પર દેખરેખ વધારી દીધી

નવી દિલ્હી :  દેશના અનેક એરપોર્ટ પર ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની ધમકીઓ મળી રહી છે. ચાર દિવસમાં 20થી વધુ ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની ધમકીએ પોલીસની ટીમ સહિત સાઈબર સુરક્ષા એજન્સીઓને પણ દોડતી કરી દીધી હતી. જોકે છેવટે તપાસ કર્યા બાદ ધમકીઓ અફવા હોવાનું સ્પષ્ટ થયું છે. આવી ઘટનાઓના કારણે અનેક ફ્લાઈટોમાં વિલંબ થયો છે, તો અનેક મુસાફરો પણ પરેશાન થયા છે, 

  હવે કેન્દ્ર સરકારે ફ્લાઈટમાં બોંબની અફવા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. મીડિયા અહેવાલો મુજબ સાઈબર સુરક્ષા એજન્સીઓએ ખોટી અફવા ફેલાવનારા અધડો ડઝન સોશિયલ મીડિયા એકાઉન્ટોને બ્લોક કરી દીધા છે.

   અહેવાલો મુજબ સાઈબર, ઉડ્ડયન સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓની સંયુક્ત ટીમે અફવા ફેલાવતા સોશિયલ મીડિયાના એકાઉન્ટો પર વિશેષ નજર રાખવાનું શરૂ કરી દીધું છે અને અત્યાર સુધીમાં ધ્યાને આવેલા આવા એકાઉન્ટોને સસ્પેન્ડ કરવાનો આદેશ જાહેર કર્યો છે. આવા એકાઉન્ટ પરથી સતત ધમકીઓ મળી રહી હતી

  

સૂત્રોના જણાવ્યા મુજબ સોમવારથી અત્યાર સુધીમાં લગભગ સોશિયલ મીડિયા પરના સાતથી આઠ એકાઉન્ટો સસ્પેન્ડ અથવા બ્લોક કરી દેવામાં આવ્યા છે. આ એકાઉન્ટે મોટાભાગના એક્સ પરના છે. આ એકાઉન્ટો પરથી તમામ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટોને બોંબ અને આતંકવાદી હુમલો કરવાની ફેક ધમકી આપવામાં આવતી હતી.

 

એજન્સીઓએ આવી ધમકી આપનારાઓને પકડી પાડવા માટે પ્લાન પણ તૈયાર કરી દીધો છે. એજન્સીઓએ આ ફેક ધમકીઓની તપાસ દરમિયાન કેટલાક સામાન્ય શબ્દોની ઓળખ કરી છે, જેમ કે - દરેક જગ્યાએ લોહી વહેશે, આ કોઈ મજાક નથી, તમે બધા મરી જશો અને બોમ્બ મૂકવામાં આવ્યો છે. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, એજન્સીઓએ ફેક બોમ્બ વિસ્ફોટના તમામ મેસેજો મામલે પોલીસમાં FIR નોંધાવી છે અને ઓનલાઈન ધમકીઓ ફેલાવતી તમામ સંભવિત લિંક્સ અથવા થ્રેડને તપાસવા માટે સોશિયલ મીડિયા અને ડાર્ક વેબ પર દેખરેખ વધારી દીધી છે. ધમકી આપનારા એકાઉન્ટ્સના ઈમેલ એડ્રેસ અને લોકેશનની ઓળખ કરવામાં આવી રહી છે. કેટલાક ખાતા વિદેશથી ઓપરેટ થતા હોવાની પણ શક્યતા છે. આ માહિતી સંબંધિત પોલીસ વિભાગો સાથે શેર કરવામાં આવી રહી છે.

 

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ચાર દિવસમાં 20થી વધુ ફ્લાઈટોને બોમ્બથી ધમકી મળી હતી. આ ધમકીઓ બાદ સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ છે, તો દિલ્હી પોલીસે પણ સાત ધમકીઓની ધપાસ શરૂ કરી દીધી છે. આવી ધમકીઓના કારણે ફ્લાઈટોમાં પણ વિલંબ થયો છે, જેના કારણે અનેક મુસાફરોએ પણ સમસ્યાનો સામનો કરવો પડ્યો છે.

 

બોમ્બની ધમકી આપવી અને ફેક કોલ કરવો એ કાયદાકીય ગુનો બને છે. આ પ્રકારના કેસમાં ખોટી ધમકી આપનાર અથવા અફવા ફેલાવનાર વ્યક્તિને 10 વર્ષ સુધીની જેલ થઈ શકે છે. આ સાથે આવા કેસમાં ભારે દંડ પણ ભરવો પડે છે. આ ઉપરાંત જો ગુનો વધુ ગંભીર હોય અને ગુનેગાર દોષિત સાબિત થાય તો UAPA હેઠળ કેસ નોંધી શકાય છે.

(11:27 PM IST)