<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th October 2024

છૂટાછેડા માટે હવે વકીલો નોટરી કરી શકશે નહીં

કાયદા વિભાગના પત્રથી વકીલો અસમંજસભરી સ્‍થિતિમાં મુકાયા

નવી દિલ્‍હી,તા. ૧૮: લગ્ન બાદ છૂટાછેડા લેવા માટે વકીલો દ્વારા કરવામાં આવતી નોટરી ઉપર કાયદા વિભાગે પ્રતિબંધ મૂકી દીધો છે. કાયદા વિભાગે પરિપત્ર બહાર પાડીને છૂટાછેડાના કરારો હવે નોટરી વકીલો કરી શકશે નહીં તેવી જાહેરાત કરતા વકીલોમાં અસમંજસ જોવા મળી રહી છે.

સમાજમાં સેટ થયેલી સિસ્‍ટમ કહો કે પછી રૂઢિ પરંતુ લગ્ન થયા બાદ જો દંપતી વચ્‍ચે તકરારો રહે અને ઝઘડાઓ જ થયા કરતા હોય તો તેઓ છૂટાછેડા લે છે. બીજી વાર અન્‍ય કોઈ પાત્ર સાથે લગ્ન કરી શકે તે માટે આવા દંપતીઓ મોટાભાગે વકીલો પાસે છૂટાછેડાનો કરાર કરાવડાવે છે અને તેને નોટરી રૂબરૂ સહીઓ કરીને એકબીજાથી અલગ પડે છે. દરરોજ અનેક કેસોમાં આવા છૂટાછેડાના કરારો થતા હશે પરંતુ ગત તા. ૧૦ ઓક્‍ટોબર-૨૦૨૪ના રોજ કેન્‍દ્રના કાયદા વિભાગ દ્વારા એક

પરિપત્ર બહાર પાડવામાં આવ્‍યો હતો જેમાં જણાવ્‍યું હતું કે, નોટરીના કાર્યો અને ફરજો નોટરી એક્‍ટ-૧૯૫૨ અને ત્‍યારબાદ ૧૯૫૬માં સુધારો કરાયેલા કાયદામાં લગ્ન અથવા છૂટાછેડાની એફિડેવિટ કરવી નોટરીનું કાર્ય નથી. આ અંગે કાનૂની સ્‍થિતિ હોવા છતાં કેટલાક નોટરીઓ લગ્ન, છૂટાછેડાના દસ્‍તાવેજો ચલાવી રહ્યા છે અને પ્રમાણપત્રો પણ આપી રહ્યા છે તેમ ટાંકીને છૂટાછેડા માટે વકીલો નોટરી કરી શકશે નહીં તેમ બહાર પાડયું હતું. આ પત્રને લઈને સુરતના એડવોકેટ નોટરીમાં ગણગણાટ શરૂ થયો છે. વકીલોના સોશિયલ ગ્રૂપમાં એવા પણ મેસેજો ફરી રહ્યા છે કે, સરકાર દ્વારા સમજયા વિચાર્યા વિના આવો પરિપત્ર કેમ બહાર પાડી શકાય. સરકારનું કામ લોકોને પડતી અગવડતા દૂર કરવાનું છે અગવડ વધારવાનું નહીં. ગુજરાતમાં મુસ્‍લિમ, આદિવાસી અને અનુસૂચિત જાતિ તેમજ ૧૯૬૦ના પરિપત્ર મુજબ જો બંને પક્ષકારો એક જ સમાજના હોય તો નોટરી કરી છૂટાછેડા લઇ શકે છે અને ફક્‍ત એક કલાકમાં જ તમામ પ્રક્રિયાઓ પૂરી થઈ જાય છે જેમાં વકીલોને પણ રોજી મળે છે. જો કે, કાયદા વિભાગના આ પરિપત્રને કારણે હવે પક્ષકારોએ છૂટાછેડા કરવા માટે ફરજિયાત રીતે રજિસ્‍ટ્રાર કચેરી અથવા તો કોર્ટના ધક્કા ખાવા પડશે. (૨૨.૨)

સરકારનો નિર્ણય વિવેકબુદ્ધિનો પરંતુ છૂટાછેડાનો કરાર કરી આપવો કોઇ ગુનો નથી

આ અંગે એડવોકેટ જાવેદ મુલ્‍તાનીએ માહિતી આપતાં કહ્યું હતું કે, છૂટાછેડા ત્રણ પ્રકારે લઇ શકાય છે જેમાં સમાજમાં રૂઢિ પ્રમાણે પક્ષકારો નોટરી રૂબરૂ કરાર કરીને છુટા પડે છે. બીજી કે રજિસ્‍ટ્રાર પાસે વિવિધ ડોક્‍યુમેન્‍ટ સબમિટ કરાવીએ છીએ તેવી રીતે રજિસ્‍ટર્ડ કરીને છુટા થાય છે તેમજ ત્રીજી રીતે ફેમિલી કોર્ટના કેસો ચાલતા હોય તો પક્ષકારો કોર્ટમાં છુટાછેડાનો દાવો કરીને હુકમનામું મેળવે છે. સરકારે લીધેલો આ નિર્ણય વિવેકબુદ્ધિપૂર્વકનો છે. પરંતુ છૂટાછેડાનો કરાર કરવો કોઇ અપરાધ નથી. પક્ષકારો પોતાની ઇચ્‍છાએ કરાર કરાવે છે, જો કોઇ વકીલ પાસે આવીને આવા કરાર કરાવે તો તે કરવા જોઇએ.

જો નોટરી કરાર હોય તો મનપા પણ બીજા લગ્નની સત્તાવાર નોંધણી કરી છે

આ મુદ્દે એડવોકેટ અશ્વિન જે. જોગડિયાએ જણાવ્‍યું હતું કે, આપણા દેશમાં રૂઢિ, રીત રિવાજ અને પરંપરાને અનુસરાઇ છે, જેને મહદઅંશે આપણો કાયદો પણ સ્‍વીકારે છે. વર્ષોથી આપણા દેશમાં લગ્ન અને છૂટાછેડા પણ જે-તે સમાજમાં ચાલી આવતી રૂઢિ અને રીત રિવાજ મુજબ જ થાય છે. આજે પણ અનેક સમાજમાં નોટરી રૂબરૂ થયેલા છૂટાછેડા સ્‍વીકાર્ય છે. એટલું જ નહીં સુરત જેવા શહેરોમાં પણ કોઈ વ્‍યક્‍તિ બીજા લગ્ન કરે અને તેની પાસે પહેલા લગ્નનો નોટરી રૂબરૂ છુટાછેડાનો કરાર હોય તો સુરત મનપાના લગ્ન નોંધણી અધિકારી જ બીજા લગ્નની સત્તાવાર નોંધણી કરી મેરેજ સર્ટિફિકેટ બનાવી આપે છે. જેનાથી પક્ષકારોને પણ ઘણી સરળતા રહે છે અને કાયદાની જટિલ પ્રક્રિયામાંથી મુક્‍તિ મળે છે.

(9:51 AM IST)