<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th October 2024

બાળ વિવાહ નિષેધ કાનુનને પર્સનલ લો રોકી ન શકે : સુપ્રિમ કોર્ટની મહત્‍વની ટિપ્‍પણી

બાળ વિવાહની પ્રથાથી કોર્ટ નારાજ : આમ થવાથી જીવનસાથી પસંદગીનો અધિકાર છીનવાય જાય છે

નવી દિલ્‍હી તા. ૧૮ : બાળ લગ્ન નિવારણ કાયદા અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કાયદો જરૂરી છે. આ સિવાય કોઈપણ ધર્મનો પર્સનલ લો આ કાયદાના આડે આવી શકે નહીં. કોર્ટે કહ્યું કે બાળ લગ્ન ખોટા છે અને તે જીવનસાથી પસંદ કરવાના કોઈપણના અધિકારને અસર કરે છે. કોર્ટે કહ્યું કે બાળપણમાં થયેલા લગ્નો પોતાની પસંદગીના જીવનસાથીની પસંદગીનો વિકલ્‍પ છીનવી લે છે. CJI DY ચંદ્રચુડ, જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બનેલી બેન્‍ચે દેશમાં બાળ લગ્ન પ્રતિબંધ કાયદાના અસરકારક અમલીકરણ માટે ઘણી માર્ગદર્શિકા પણ જારી કરી હતી.

ચુકાદો વાંચતી વખતે ચીફ જસ્‍ટિસે કહ્યું હતું કે પર્સનલ લો દ્વારા બાળ લગ્ન રોકવાના કાયદાને અસર કરી શકાય નહીં. તેમણે કહ્યું કે આવા લગ્નો સગીરોની જીવનસાથી પસંદ કરવાની સ્‍વતંત્ર ઇચ્‍છાનું ઉલ્લંઘન છે. બેન્‍ચે કહ્યું કે સત્તાવાળાઓએ બાળ લગ્ન અટકાવવા અને સગીરોના રક્ષણ પર ધ્‍યાન કેન્‍દ્રિત કરવું જોઈએ અને અંતિમ ઉપાય તરીકે ઉલ્લંઘન કરનારાઓને સજા કરવી જોઈએ. બેન્‍ચે એમ પણ કહ્યું કે બાળ લગ્ન પ્રતિબંધ કાયદામાં કેટલીક ખામીઓ છે. આ દૂર કરવાની જરૂર છે.

બાળ લગ્ન નિષેધ અધિનિયમ, ૨૦૦૬ બાળ લગ્ન અટકાવવા અને તેની નાબૂદી સુનિヘતિ કરવા માટે ઘડવામાં આવ્‍યો હતો. આ અધિનિયમ ૧૯૨૯ ના બાળ લગ્ન નિષેધ કાયદાનું સ્‍થાન લે છે. ખંડપીઠે કહ્યું, ‘બાળ લગ્ન રોકવા માટેની વ્‍યૂહરચના વિવિધ સમુદાયો અનુસાર બનાવવી જોઈએ. આ કાયદો ત્‍યારે જ સફળ થશે જયારે બહુ-ક્ષેત્ર સંકલન હશે. કાયદા અમલીકરણ અધિકારીઓની તાલીમ અને ક્ષમતા નિર્માણની જરૂર છે. અમે ભારપૂર્વક જણાવીએ છીએ કે આ બાબતે સમુદાય આધારિત અભિગમ જરૂરી છે. કોર્ટે કહ્યું કે આ કેસોને રોકવા માટે કાયદાનું પાલન કરવાની સાથે જાગૃતિ અને શિક્ષણની પણ જરૂર છે.'

(3:06 PM IST)