<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th October 2024

બાબા સિદ્દીકી હત્યાકાંડમાં વધુ પાંચ લોકોની ધરપકડ: અત્યાર સુધીમાં 9 લોકો ઝડપાયા

ક્રાઈમ બ્રાન્ચે રાયગઢ જિલ્લામાં પનવેલ અને કર્જતમાં દરોડા પાડ્યા:પાંચ લોકોની ગુના સંબંધિત ષડયંત્રના આરોપમાં ધરપકડ

મુંબઈ :હાઈપ્રોફાઈલ બાબા સિદ્દીકી હત્યા કેસમાં મુંબઈ પોલીસે એક મોટી સફળતા મેળવી છે, જ્યાં તેણે આ કેસમાં વધુ પાંચ લોકોની ધરપકડ કરી છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, શુક્રવારે વધુ પાંચ લોકોની ધરપકડ સાથે, આ સનસનાટીભર્યા કેસમાં પકડાયેલા લોકોની કુલ સંખ્યા 9 થઈ ગઈ છે.

મુંબઈ પોલીસના એક અધિકારીએ એજન્સીને જણાવ્યું કે ચોક્કસ માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચે પડોશી રાયગઢ જિલ્લામાં પનવેલ અને કર્જતમાં દરોડા પાડ્યા હતા. આ પછી, આ પાંચ લોકોની ગુના સંબંધિત ષડયંત્રના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.

અધિકારીએ કહ્યું કે ધરપકડ કરાયેલા લોકો લોરેન્સ બિશ્નોઈ ગેંગના સંપર્કમાં પણ હતા, જેના પર સિદ્દીકીને ઠાર મારવાનો આરોપ છે. તેમણે કહ્યું, 'આ કેસમાં ધરપકડની કુલ સંખ્યા હવે નવ પર પહોંચી ગઈ છે. વધુ તપાસ ચાલુ છે.

 

નોંધનીય છે કે બાબા સિદ્દીકીને 12 ઓક્ટોબરે મુંબઈના બાંદ્રા વિસ્તારના નિર્મલ નગરમાં તેમના ધારાસભ્ય પુત્ર જીશાન સિદ્દીકીની ઓફિસ પાસે ગોળી મારી દેવામાં આવી હતી અને તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. કોંગ્રેસમાંથી NCPમાં જોડાયેલા આ નેતાનું નજીકની લીલાવતી હોસ્પિટલમાં થોડા સમય બાદ અવસાન થયું હતું. અગાઉ ધરપકડ કરાયેલા ચાર લોકોમાં બે કથિત શૂટર્સનો સમાવેશ થાય છે, જેમને પોલીસ અને રાહદારીઓ દ્વારા સ્થળ પર કાબૂ કરવામાં આવ્યા હતા.

બાબા સિદ્દીકીની હત્યા પાછળ લોરેન્સ ગેંગનો હાથ હોવાનું કહેવાય છે. તેની હત્યા પછી, એક ફેસબુક પોસ્ટ પણ વાયરલ થઈ, જેમાં એક ગેંગના સભ્યએ હત્યાની જવાબદારી લીધી અને તેને સલમાન ખાનને આપવામાં આવી રહેલી જાનથી મારી નાખવાની ધમકીઓ સાથે જોડવામાં આવી રહી છે. જોકે, પોલીસ આ હત્યા કેસની તપાસ વિવિધ એંગલથી કરી રહી છે. જેમાં કોન્ટ્રાક્ટ કિલિંગ, બિઝનેસ હરીફાઈ વગેરેનો સમાવેશ થાય છે.


 

(8:03 PM IST)