<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 20th October 2024

જમ્મુ - કાશ્મીર : ગાંદરબલમાં આતંકવાદી હુમલો : ગોળીબારમાં બે બિન-કાશ્મીરી મજૂરોના મોત : ઘણા લોકો થયા ઘાયલ

આતંકી હુમલો ત્યારે થયો જ્યારે કામદારો ઝેડ મોડ ટનલ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા : સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાંથી એક દુ:ખદ ઘટના સામે આવી છે. રવિવારે ગાંદરબલમાં આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો, જેમાં બે પરપ્રાંતિય મજૂરોના મોત થયા હતા જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા. આ આતંકી હુમલો ત્યારે થયો જ્યારે કામદારો ઝેડ મોડ ટનલ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા. આ પછી સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો અને આતંકીઓની શોધખોળ તેજ કરી દીધી.

સેન્ટ્રલ કાશ્મીરના ગાંદરબલમાં સોનમર્ગ પાસે આતંકી હુમલો થયો છે. આતંકવાદીઓએ બિન-કાશ્મીરી મજૂરોને નિશાન બનાવ્યા, જેમાં બે લોકો માર્યા ગયા અને બેથી ત્રણ મજૂરો ઘાયલ થયા. માહિતી મળતાની સાથે જ સુરક્ષા દળોની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. પોલીસે મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.

ભારતીય સેના, અર્ધલશ્કરી દળ અને પોલીસની ટીમે આતંકવાદીઓને શોધવા માટે સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું છે. પોલીસ મહાનિર્દેશક નલિન પ્રભાત સહિત જમ્મુ અને કાશ્મીર પોલીસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આ અંગે સીએમ ઓમર અબ્દુલ્લાએ X પર પોસ્ટ કર્યું કે સોનમર્ગ વિસ્તારમાં પરપ્રાંતિય મજૂરો પર કાયરતાપૂર્ણ હુમલાના ખૂબ જ દુઃખદ સમાચાર છે. તેમણે નિઃશસ્ત્ર નિર્દોષ લોકો પરના આ હુમલાની સખત નિંદા કરી અને તેમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.

(9:56 PM IST)