<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st October 2024

પતિ સાથે કરવા ચોથની ખરીદી કરવા બજારમાં ગઈ પત્‍નીઃ રસ્‍તામાં બોયફ્રેન્‍ડ મળી જતાં તેની સાથે ભાગી ગઈ

પતિ પોતાની પત્‍નીને શોધી રહ્યો છેઃ પોલીસને લેખિતમાં ફરિયાદ પણ આપી છે

ભિંડ,તા. ૨૧: મધ્‍યપ્રદેશના ભિંડ જિલ્લામાં ગજબ થઈ ગયો. અહીં કરવા ચોથના દિવસે એક પતિને પત્‍નીએ દગો આપ્‍યો. યુવક પોતાની પત્‍નીને કરવા ચોથની શોપિંગ કરાવવા માટે બજારમાં લઈ ગયો હતો. તે પોતાની પત્‍નીને પ્રેમથી બજારમાં લઈ ગયો, કેમ કે રાતના સમયે પૂજા કરવાની હતી. પણ આ અગાઉ પત્‍ની યુવકને હાથતાળી આપીને પોતાના આશિક સાથે ભાગી ગઈ. હવે તે પોતાની પત્‍નીને શોધી રહ્યો છે. તેણે પોલીસને લેખિતમાં ફરિયાદ પણ આપી છે.

પત્‍નીની છેતરપિંડીનો આ કિસ્‍સો ભિંડ જિલ્લાના સુરપુરા વિસ્‍તારના સૂરજ પુરા ગામનો છે. અહીં નીરજ (૩૬ વર્ષ) નામના એક યુવકે પોતાની પત્‍ની કલ્‍પના સાથે માર્કેટમાં ખરીદી કરવા માટે ગયો હતો. પણ પાછા આવતી વખતે પત્‍ની રસ્‍તામાં જ છેતરીને પ્રેમી સાથે ભાગી ગઈ. આ ઘટનાને લઈને યુવકે પોલીસને લેખિતમાં ફરિયાદ આપી છે. પોલીસ આ કેસમાં તપાસ કરી રહી છે.

લેખિત ફરિયાદમાં જણાવ્‍યા અનુસાર, નીરજે જણાવ્‍યું કે, ‘કરવા ચોથની શોપિંગ માટે તે પોતાની પત્‍નીને બજારમાં લઈને ગયો હતો. પાછા આવતા રસ્‍તામાં આકાશ પાંડે અને તેના બે સાથી બાઈક પર આવ્‍યા અને તેમણે તેની પત્‍નીને કલ્‍પનાને બાઈક પર બેસાડી અને સાથે લઈને ભાગી ગયા.'

ફરિયાદીએ જણાવ્‍યું કે, ‘પહેલા મારી પત્‍ની કલ્‍પનાની વાતચીત આકાશ સાથે થતી હતી. જેની તેને જાણકારી નહોતી. બાદમાં ફોન જોયો તો બંને વચ્‍ચે વાતચીત થતી હોવાનું જાણવા મળ્‍યું. જો કે કલ્‍પના આકાશને પોતાનો ભાઈ કહેતી હતી.'

યુવકે ફરિયાદમાં જણાવ્‍યું છે કે, ‘આકાશ પાંડે કેટલીય વાર તેના ઘરે આવી ચૂક્‍યો છે. જયારે દિલ્‍હીમાં રહેતો હતો, ત્‍યારે તેના ઘરે આવવા જવાનું થતું હતું. તો વળી કલ્‍પના લગભગ બે મહિના પહેલા પણ દિલ્‍હીમાં આકાશ સાથે જ ભાગી ગઈ હતી. બાદમાં નીરજે ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. ફક્‍ત ૧૫ દિવસમાં તો પત્‍ની આપમેળે પાછી ઘરે આવી ગઈ હતી. ત્‍યાર બાદથી તે આકાશ સાથે છુપાઈને ફોનમાં વાત કરતી હતી.

(9:57 AM IST)