News of Monday, 21st October 2024
અંકલેશ્વરમાંથી ફરી ૨૫૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયું
અંકલેશ્વર GIDCની એક ફેકટરીમાંથી ૧૪.૧૦ લાખનો ડ્રગ્સનો જથ્થો ઝડપાતા ખળભળાટ : સુરત - ભરૂચ પોલીસનું સંયુકત ઓપરેશન : સંચાલક સહિત ત્રણની અટકાયત : ૧૦૦ એમડી ડ્રગ્સ બને એટલો જથ્થો ઝડપાયો : જથ્થો ઝડપાયો : જે ચકાસણી માટે FSLમાં મોકલાયો

અંકલેશ્વર, તા.૨૧: ગુજરાતમાં ડ્રગ્સનો કાળો કારોબાર યથાવત રહ્યો છે. જેમાં ભરૂચ જિલ્લામાં ફરી એકવાર ડ્રગ્સ ઝડપાયુ છે. અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલા અવસર એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. સુરત અને ભરૂચ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં ૨૫૦ કરોડના ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે.
ગુજરાતના દરિયા કિનારેથી અવાર-નવાર ડ્રગ્સ ઝડપી પાડવામાં આવતું હોવાના સમાચાર અવાર-નવાર પ્રાપ્ત થાય છે. પરંતુ હવે ફેક્ટરીમાંથી ડ્રગ્સ પકડાતું થયું છે. અઠવાડિયા પહેલાં જ અંકલેશ્વરની એક ફેક્ટરીમાંથી ૫ હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું. ત્યારે ફરી એકવાર અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી કંપનીમાંથી ૪૨૭ કિલો ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત ૨૫૦ કરોડ હોવાનું અનુમાન છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત અને ભરૂચ પોલીસે એક સંયુક્ત ઓપરેશ પાર પાડીને અંકલેશ્વરની અવસર એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાંથી ૪૨૭ કિલોનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. આટલો મોટો ડ્રગ્સ ઝડપાતા પોલીસબેડામાં હાહાકાશ મચી ગયો છે. પોલીસે કંપની સંચાલક સહિત બે લોકોની ધરપકડ કરી લીધી છે. પોલીસે આ ડ્રગ્સનો જથ્થો તપાસ અર્થે એફએસએલમાં મોકલી આપ્યો છે.
પોલીસ હાલ તપાસ કરી રહી છે. પૂછપરછ દરમિયાન મોટા રેકેટનો પર્દાફાશ થઇ શકે છે. આ ડ્રગ્સ કેવી રીતે અહીં આવ્યું. કોને પહોંચાડવાનું હતું જેવા વગેરે પ્રશ્નોના જવાબ મળી જશે. જોકે અઠવાડિયામાં જ આટલી મોટી માત્રા બીજીવાર ડ્રગ્સ ઝડપાતા લોકોના મોંઢે ચર્ચાઇ રહ્યું છે કે ગુજરાતમાં પોલીસ, એનસીબી, ડીઆરઆઈ સહિત અન્ય કેન્દ્રીય સંસ્થાઓ સરહદી સીમા ઉપરાંત દરિયામાં રાઉન્ડ-ધ-કલોક સર્વેલન્સ, સીસીટીવી કેમેરા સહિત લેટેસ્ટ ટૅક્રોલૉજીથી દેખરેખ રાખી રહી છે તેમ છતાં ગુજરાતમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઠલવાઈ રહ્યું છે. હવે આટલી મોટી માત્રામાં ડ્રગ્સ પકડાતું હોય તો પાછલા બારણે ડ્રગ્સનો કાળો કારોબાર કેટલો મોટો હશે, જે ચિંતાનો વિષય છે. આજે ગુજરાત ડ્રગ્સનું -વેશ દ્વાર જ નહીં, પણ એપી સેન્ટર બન્યું છે જે પોલીસ માટે પણ પકડારરૂપ છે.
રવિવારે (૧૩ ઓક્ટોબર) ભરૂચના અંકલેશ્વરમાં આવકાર ડ્રગ્સ પ્રા. લિમિટેડ કંપનીમાં સર્ચ દરમિયાન પોલીસને ૫૧૮ કિલોગ્રામ કોકેઈન મળી આવ્યું હતું, જેની કિંમત ૫,૦૦૦ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ખાનગી કંપનીમાંથી કોકેઈન મળી આવ્યું હતું. અગાઉ, ૧ ઓક્ટોબરે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે મહિપાલપુરમાં તુષાર ગોયલ નામના વ્યક્તિના વેરહાઉસ પર દરોડો પાડ્યો હતો અને ૫૬૨ કિલોગ્રામ કોકેઈન અને ૪૦ કિલોગ્રામ હાઈડ્રોપોનિક ગાંજાના કન્સાઈનમેન્ટને જપ્ત કર્યો હતો. તપાસ દરમિયાન ૧૦ ઓક્ટોબરે દિલ્હીના રમેશ નગરમાં એક દુકાનમાંથી લગભગ ૨૦૮ કિલોગ્રામ વધારાનું કોકેઈન મળી આવ્યું હતું.
રાજ્યમાંથી હજારો કિલો ડ્રગ્સ પકડાઈ રહ્યું છે ત્યારે ભાજપ સરકાર વાહવાહી લૂંટે છે, પરંતુ પાછલા બારણે કેટલું ડ્રગ્સ વેચાતું હશે તે જનતાને મૂંઝવતો સવાલ છે. આજે ગુજરાત જાણે નશાખોરીનું એપી સેન્ટર બની રહ્યું હોય તેવુ ચિત્ર ઉપસ્યું છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી અમલમાં છે ત્યારે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં ૯૩૬૯૧ કિલો ડ્રગ્સ, ૨૨૨૯ લીટર પ્રવાહી ડ્રગ્સ તથા ૭૩૧૬૩ ડ્રગ્સ પીલ્સ-ઇન્જેક્શન પકડાયા છે. આમ, ગુજરાત ડ્રગ્સ તસ્કરીનું સિલ્ક રૂટ બની રહ્યું છે.
(2:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
