<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st October 2024

હાય હાય... ભગવાનના દરબારમાં પણ આવું ! તિરૂપતિ મંદિરમાં VIP દર્શનની ટિકિટોના કાળાબજાર : ૬૫૦૦૦માં વેંચી

VIP ટિકિટની મૂળ કિંમત ૧૦,૫૦૦ છે જેમાં ૧૦,૦૦૦નું દાન પણ સામેલ

અમરાવતી, તા.૨૧: આંધ્રપ્રદેશના MLC ઝાકિયા ખાનમ પર તિરુપતિના તિરુમાલા મંદિરમાં VIP દર્શન ટિકિટના બ્‍લેક માર્કેટિંગનો આરોપ છે. પોલીસે તેની સામે ગુનો નોંધ્‍યો છે. એવો આરોપ છે કે રૂ. ૧૦,૫૦૦ની મૂળ કિંમતવાળી વીઆઇપી બ્રેક દર્શન ટિકિટો ઝાકિયા ખાનુમ, તેના પીઆરઓ અને અન્‍ય વ્‍યક્‍તિ દ્વારા રૂ.૬૫,૦૦૦માં વેચવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે VIP દર્શન ટિકિટની કિંમતમાં ૧૦,૦૦૦ રૂપિયાનું દાન સામેલ છે.

VIP વ્‍યક્‍તિએ આ દાનની રકમ ચૂકવવાની જરૂર નથી, જેના કારણે ટિકિટની કિંમત ૫૦૦ રૂપિયા થઈ જાય છે. ધારાસભ્‍યો, MLC અને મંત્રીઓને દર મહિને VIP દર્શન ટિકિટનો ક્‍વોટા મળે છે. આ બાબતે સ્‍પષ્ટતા આપતા પૂર્વ મંત્રી અને MLC બોચા સત્‍યનારાયણે કહ્યું કે ઝાકિયા હવે YSRCPમાં નથી. ૨૦૨૪ની સામાન્‍ય ચૂંટણીઓ બાદ એનડીએ સત્તામાં આવ્‍યા બાદ તે ટીડીપીમાં જોડાઈ હતી. સત્‍યનારાયણે પત્રકારોને જણાવ્‍યું હતું કે વાયએસઆરસીપીને એમએલસી સામે દાખલ કરાયેલા કેસ સાથે કોઈ લેવાદેવા નથી.

તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા શ્રીવાણી ટ્રસ્‍ટ દ્વારા એક નવી સ્‍કીમ શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ, તમે રૂ. ૧૦,૦૦૦ કે તેથી વધુનું દાન કરીને VIP બ્રેક દર્શન ટિકિટ મેળવી શકો છો. દાન આપ્‍યા પછી, તમને એક ભલામણ પત્ર મળશે, જે દર્શાવે છે કે તમે ૫૦૦ રૂપિયા ચૂકવી શકો છો અને બીજા જ દિવસે દર્શન કરી શકો છો. ટીટીડીએ આ યોજના હેઠળ ટિકિટ લેનારા લોકોની સંખ્‍યા પરિવારમાંથી ૯ સુધી મર્યાદિત કરી છે. આનો અર્થ એ છે કે તમારે વ્‍યક્‍તિ દીઠ ૧૦,૫૦૦ રૂપિયા ચૂકવવા પડશે અને એક પરિવારના વધુમાં વધુ ૯ લોકો જ આ દર્શનનો લાભ લઈ શકશે

(1:34 PM IST)