<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd October 2024

ગૂગલ લોકેશન જોઈને અડધી રાતે મળવા પહોંચ્‍યો પ્રેમીઃ ભૂલથી પ્રેમિકાની માના રૂમમાં ઘુસી ગયો, બાદમાં બધાએ ધોઈ નાખ્‍યો

મઉ,તા. ૨૨: ઉત્તરપ્રદેશના બલિયાના બાંસડીહ હદ વિસ્‍તારના હુસૈનાબાદ ગામના રહેવાસી તુષાર કુમાર જેની ઉંમર ૨૬ વર્ષ છે. તેને મઉ જિલ્લાના ચિરૈયાકોટના હાફિઝપુરની રહેવાસી સોનમ યાદવ સાથે પ્રેમ થઈ ગયો. બંનેની મુલાકાત સોશિયલ મીડિયા પર થઈ હતી. પ્રેમ થયાને હજુ બે મહિના જ થયા હતા કે યુવતીએ યુવક સાથે મળવાની ઈચ્‍છા વ્‍યક્‍ત કરી. યુવક તેને મળવા માટે તૈયાર થઈ ગયો. પ્રેમિકાએ રાત્રે જ પ્રેમી યુવકને ગુગલ લોકેશન મોકલીને પોતાના ઘરે બોલાવી લીધી. પ્રેમી બલિયાથી મઉ આવીને રાત્રે ૩ વાગ્‍યે પોતાની પ્રેમિકાને મળવા પહોંચ્‍યો. પ્રેમી તેના ઘર પર બીજા માળે ચડી ગયો. પણ તે પોતાની પ્રેમિકાના રૂમમાં ન ગયો અને તેની માતાના રૂમમાં ઘૂસી ગયો.

અજાણ્‍યા યુવકને પોતાના રૂમમાં આવેલો જોઈને પ્રેમિકાની માતા ગભરાઈ ગઈ અને ચીસો પાડવા લાગી. ત્‍યારબાદ તો હડકંપ મચી ગયો. ચીસો સાંભળીને આજુબાજુના પાડોશી પણ આવી ગયા. તમામ લોકોએ યુવકને પકડી પાડ્‍યો અને તેને મારવાનું શરૂ કરી દીધું. માર ખાધા બાદ પ્રેમીએ બે માળ ઉપરથી કૂદકો મારી દીધો. નીચે પડતા જ તેની હાલત ખરાબ થઈ ગઈ.

ગામલોકોએ તેની જાણ ૧૧૨ ડાયલ કરીને પોલીસને આપી દીધી. ઘટનાસ્‍થળ પર પહોંચેલી પોલીસે ઘાયલ યુવકને સામુદાયિક સ્‍વાસ્‍થ્‍ય કેન્‍દ્ર રાણીપુરમાં લઈ જઈને સારવાર કરાવી. સ્‍થાનિક લોકોનું કહેવું છે કે, યુવક ગુગલ લોકેશન દ્વારા અડધી રાત્રે ઘરમાં આવ્‍યો હતો. ભૂલથી તે પ્રેમિકાની જગ્‍યાએ તેની માતાના રૂમમાં જતો રહ્યો. શક્‍ય છે કે ગુગલ લોકેશનના કારણે યુવકના સપના પર પાણી ફરી વળ્‍યા અને પકડાઈ ગયો.

(9:53 AM IST)