<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd October 2024

ઇનવોઇસ મેનેજમેન્‍ટ સિસ્‍ટમ શરૂ કરવાની જાહેરાત તો કરી પરંતુ અમલના ઠેકાણા નથી

એક એકટોબરથી ઇનવોઇસ મેનેજમેન્‍ટ સિસ્‍ટમ શરૂ કરવાની જાહેરાત થઇ હતી

મુંબઇ,તા. ૨૨: એક ઓક્‍ટોબરથી ઈનવોઈસ મેનેજમેન્‍ટ સિસ્‍ટમ શરૂ કરવાની જાહેરાત કરી દેવામાં આવી હતી, પરંતુ હજુ સુધી પોર્ટલ પર તે માટેની સુવિધા જ કાર્યરત કરવામાં આવી નહીં હોવાના લીધે વેપારીઓમાં અસમંજસની સ્‍થિતિ ઊભી થઇ છે.

જીએસટીમાં ૩બી રિટર્ન ભરતી વખતે વેપારીએ વિગતો લખવામાં ભૂલ કરી હોય તો ઈનવોઈસ મેનેજમેન્‍ટ સિસ્‍ટમ દ્વારા તેને પકડી શકાય છે. આ સુવિધા શરૂ કરવામાં આવે તો વેપારીએ કરેલી ભૂલ પકડી શકાય છે, કારણ કે એક મહિના દરમિયાન વેપારીએ જે પણ વસ્‍તુનું વેચાણ કર્યું હશે તેના તમામ ઈનવોઈસ જીએસટી પોર્ટલ પર અપલોડ કરવામાં આવતા હોય છે. આ ઈનવોઈસ વસ્‍તુ ખરીદનાર વેપારીને દેખાશે. તે વેપારી દ્વારા ઈનવોઈસમાં લખવામાં આવેલી રકમ, જીએસટી નંબર, એચએસએન કોડ સહિતની વિગતોનું વેરિફિકેશન કરીને સામેવાળો વેપારી તેને માન્‍ય રાખશે. જો તેમાં કોઈ પણ ભૂલ હોય તો સામેવાળો વેપારી તેને રિજેક્‍ટ એટલે કે રદ કરી દેશે. તેના લીધે વસ્‍તુ વેચનાર વેપારી ફરીથી તપાસ કરીને ઈનવોઈસમાં સુધારા કરીને ફરીથી જીએસટી પોર્ટલ પર અપલોડ કરશે. આ પ્રમાણે સિસ્‍ટમ કાર્યરત રહેવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ તે વાતને ૨૧ દિવસ થવા છતાં જીએસટી પોર્ટલ પર તેની સુવિધા શરૂ કરવામાં આવી નથી. તેના કારણે એવી પણ ચર્ચા વેપારીઓની સાથે સાથે ટેક્‍સ કન્‍સલ્‍ટન્‍ટ અને સીએમાં થઈ રહી છે કે જાહેરાત તો કરી દેવામાં આવે છે. પરંતુ તેનો અમલ ઝડપથી કરવામાં આવતો નથી. તેના કારણે વેપારીઓને તકલીફ પણ પડતી હોય છે. જયારે ટેક્‍સ વસૂલાત કરવાની વાત હોય તો વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં કોઈ કચાશ બાકી રાખતી નથી.

 અત્રે ઉલ્લેખનીય છે કે જીએસટી ભરનારને વ્‍યાજ અને દંડમાંથી મુક્‍તિ આપવાની જાહેરાત કરવામાં આવ્‍યા બાદ તેનું નોટિફિકેશન આવવામાં બે મહિના કરતા વધુ સમય કાઢી નાંખવામાં આવ્‍યો હતો. તે જ પ્રમાણે જાહેરાતના ૨૧ દિવસે પણ અમલવારીના ઠેકાણા નથી.

(9:55 AM IST)