News of Tuesday, 22nd October 2024
BRICS સમિટમાં ભાગ લેવા પીએમ મોદી રશિયા જવા રવાના : પુતિન-જિનપિંગ સાથે કરશે મુલાકાત
ભારતીય સમુદાયના લોકોએ પીએમ મોદીના સ્વાગત માટે ખાસ તૈયારીઓ કરી : બ્રિક્સ સભ્યોના દેશોના સમકક્ષો સાથે કરશે દ્વિપક્ષીય બેઠક : ૧૬મી BRICS મિટની મુખ્ય થીમ ન્યાયસંગત વૈશ્વિક વિકાસ અને સુરક્ષા માટે બહુપક્ષીયવાદને મજબૂત બનાવવો છે : આયોજિત થનારી સમિટ નેતાઓને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે એક મહત્ત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડશે

નવી દિલ્હી, તા.૨૨: એક તરફ, આજે વડાપ્રધાન મોદી રશિયાની અધ્યક્ષતામાં કાઝાનમાં યોજાનારી ૧૬મી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે દિલ્હીથી રશિયાની બે દિવસની મુલાકાતે રવાના થયા છે. આજે રશિયાના પ્રવાસે રવાના થતા પહેલા વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત બ્રિક્સની અંદર ગાઢ સહકારને મહત્વ આપે છે, જે વૈશ્વિક વિકાસ એજન્ડા સાથે સંબંધિત વિવિધ મુદ્દાઓ પર વાતચીત અને ચર્ચા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે. વડાપ્રધાન મોદી ૧૬મી બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા માટે બે દિવસની મુલાકાતે રશિયા જવા રવાના થયા છે. ઓલ ઈન્ડિયા રેડિયો દ્વારા જાહેર કરવામાં આવેલ એક વીડિયો જાહેર કરીને માહિતી આપવામાં આવી છે. દક્ષિણ એશિયામાં ભારતના વધતા કદને ધ્યાનમાં રાખીને પીએમ મોદીની આ મુલાકાત ઘણી મહત્વની બની રહી છે. આ કોન્ફરન્સના પહેલા દિવસે પીએમ મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે પણ મુલાકાત કરશે. પરંતુ, તમામની નજર મોદી-જિનપિંગની મુલાકાત પર ટકેલી છે. કારણ કે આ કોન્ફરન્સ પહેલા ભારત અને ચીન વચ્ચે LAC પર ગલવાન પેટ્રોલિંગને લઈને સમજૂતીઓ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ૨૦૨૦ની ગલવાન અથડામણ બાદ પ્રથમ વખત બંને દેશો પેટ્રોલિંગ પર સહમત થયા છે.
વડાપ્રધાન મોદી રશિયાના કઝાન શહેરમાં બ્રિક્સ સંમેલનમાં ભાગ લેશે. પીએમ મોદીના રશિયા પ્રવાસ દરમિયાન સૌથી વધુ ધ્યાન ભારત અને ચીન પર રહેશે. LAC પર પેટ્રોલિંગને લઈને ભારત અને ચીન વચ્ચે થયેલી સમજૂતી બાદ પીએમ મોદી ચીનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરે તેવી શકયતા વધી ગઈ છે. બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા ઉપરાંત વડાપ્રધાન મોદી અનેક દ્વિપક્ષીય બેઠકો પણ કરશે.
રશિયાની મુલાકાતે જતા પહેલા પીએમ મોદીએ કહ્યું કે ભારત અને રશિયાના સંબંધો વધુ મજબૂત બનશે. તેમણે કહ્યું, આજે હું રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આમંત્રણ પર ૧૬માં બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે કઝાનની બે દિવસની મુલાકાતે જઈ રહ્યો છું. વૈશ્વિક વિકાસ એજન્ડા, સુધારેલ બહુપક્ષીયવાદ, આબોહવા પરિવર્તન, આર્થિક સહયોગ, સ્થિતિસ્થાપક પુરવઠા શળંખલાઓનું નિર્માણ, સાંસ્કળતિક અને લોકોના સંપર્કોને પ્રોત્સાહન આપવાના મુદ્દાઓ પર સંવાદ અને ચર્ચા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે ભારત બ્રિક્સની અંદર નજીકના સહકારને મહત્ત્વ આપે છે ગયા વર્ષે નવા સભ્યોના ઉમેરા સાથે બ્રિક્સના વિસ્તરણે તેના સમાવેશીતા અને વૈશ્વિક સુખાકારીના એજન્ડાને વધુ મજબૂત બનાવ્યો છે.
પીએમ મોદીએ કહ્યું, જુલાઈ ૨૦૨૪માં મોસ્કોમાં આયોજિત વાર્ષિક સમિટના આધારે કઝાનની મારી મુલાકાત ભારત અને રશિયા વચ્ચે વિશેષ અને વિશેષાધિકળત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે. હું અન્ય બ્રિક્સ નેતાઓને પણ મળવા આતુર છું.
બ્રિક્સ સંમેલનમાં પીએમ મોદીની ભાગીદારી અંગે રશિયામાં ભારતીય રાજદૂત વિનય કુમારે કહ્યું કે ભારત બ્રિક્સનો સ્થાપક સભ્ય છે અને બ્રિક્સના માળખામાં આર્થિક સહયોગ માટે પ્રતિબદ્ધ છે. ગ્લોબલ સાઉથ અને અન્ય દેશોમાં બ્રિક્સ સાથે સહયોગ કરવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાયમાં રસ વધી રહ્યો છે.
વિદેશ વિભાગે બ્રિક્સ સંમેલનમાં પીએમ મોદીની ભાગીદારી અને તેના મહત્વના એજન્ડા સંબંધિત માહિતી શેર કરી છે. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે ભારત બ્રિક્સમાં વૈશ્વિક બહુધ્રુવતા અને વૈશ્વિક પડકારોનો સામનો કરવા વિશે વાત કરશે.
મોદી ચીનના શી જિનપિંગ, તુર્કીના રેસેપ તૈયપ એર્દોઆન અને ઈરાનના મસૂદ પેઝેશ્કિયન સહિત વિશ્વના ઘણા નેતાઓને મળવાની શકયતા છે. તે કેટલાક બ્રિક્સ નેતાઓ સાથે દ્વિપક્ષીય મંત્રણા પણ કરી શકે છે. વડાપ્રધાન મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વિપક્ષીય બેઠક કરશે. યુક્રેન યુદ્ધ પર પણ ચર્ચા થઈ શકે છે.
વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સમિટ દરમિયાન દ્વિપક્ષીય બેઠક યોજી શકે છે. જો કે, હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ નથી. ભારતે ૨૦૩૦ સુધીમાં રશિયા સાથે ઼૧૦૦ બિલિયન દ્વિપક્ષીય વેપારનું લક્ષ્ય હાંસલ કરવાનું લક્ષ્ય રાખ્યું છે, જે જુલાઈમાં વડાપ્રધાન મોદીની છેલ્લી મુલાકાત દરમિયાન નક્કી કરવામાં આવ્યું હતું. આ અંગે પણ ચર્ચા થવાની આશા છે.
નોંધનીય છે કે, બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા બ્રિક્સના મુખ્ય સભ્યો છે અને આ જૂથ વૈશ્વિક અર્થવ્યવસ્થાના ચોથા ભાગનું પ્રતિનિધિત્વ કરે છે. વડા પ્રધાને એમ પણ કહ્યું હતું કે ગયા વર્ષે નવા સભ્યોના ઉમેરા સાથે બ્રિક્સના વિસ્તરણથી વૈશ્વિક સુધારણા માટે તેની સર્વસમાવેશકતા અને એજન્ડામાં વધારો થયો.
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
