<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd October 2024

હિઝબુલ્લાહનો ખજાનો મળ્‍યો ! નસરાલ્લાહે બંકરમાં સોનું અને મિલિયન ડોલરની રોકડ છુપાવી હતી

હિઝબોલ્લાહે અલ સાહેલ હોસ્‍પિટલ હેઠળ છુપાયેલ ખજાનો છે : લેબનોનના પુનઃનિર્માણ માટે નાણાંનો ઉપયોગ કરી શકાય છેઃ ઇઝરાયેલ બંકરમાં ૫૦૦ મિલિયન ડોલરથી વધુનું સોનું અને રોકડ છે : ભારતીય રૂપિયામાં તેની કિંમત ૪૧૯૪૫૦૨૫૦૦૦ રૂપિયાની આસપાસ છે

નવી દિલ્‍હી, તા.૧૦: ઈઝરાયેલે હિઝબુલ્લાહને લઈને એક સનસનીખેજ ખુલાસો કર્યો છે. ઇઝરાયેલ આર્મી (IDF)ના મુખ્‍ય પ્રવક્‍તા રીઅર એડમિરલ ડેનિયલ હગારીએ દાવો કર્યો છે કે હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહને માર્યા ગયેલા બંકરમાં ખજાનો ભરેલો છે.

IDF અનુસાર, લેબનોનમાં એક હોસ્‍પિટલની નીચે હિઝબુલ્લાહનું બંકર છે. તેમાં ઼૫૦૦ મિલિયનથી વધુની કિંમતનું સોનું અને રોકડ છે. ભારતીય રૂપિયામાં તેની કિંમત લગભગ ૪૧૯૪,૫૦,૨૫,૦૦૦ રૂપિયા છે. આ બંકર ડાઉનટાઉન બેરૂતના મધ્‍યમાં અલ સાહેલ હોસ્‍પિટલની નીચે સ્‍થિત છે.

હિઝબુલ્લાહના નાણાકીય લક્ષ્યોને નિશાન બનાવવામાં આવ્‍યા હતા

IDF એ દાવો કર્યો હતો કે ઇઝરાયેલની વાયુસેનાએ હિઝબુલ્લાહના નાણાકીય લક્ષ્યો પર ચોક્કસ હુમલા કર્યા હતા. અમારું નિશાન એક ગુપ્ત જગ્‍યા પર હતું. હિઝબુલ્લાએ હોસ્‍પિટલની નીચે ખજાનો છુપાવ્‍યો છે. આ નાણાંનો ઉપયોગ લેબનોનના પુનઃનિર્માણ માટે કરી શકાય છે.

IDFના દાવા પર હિઝબુલ્લા તરફથી પણ જવાબ આવ્‍યો. લેબનીઝ ધારાસભ્‍ય ફાદી અલામેહે ઈઝરાયેલના આ આરોપોને પાયાવિહોણા ગણાવ્‍યા છે. અલામેહે કહ્યું કે દુનિયાએ આવીને જોવું જોઈએ કે અહીં માત્ર એક હોસ્‍પિટલ છે. હોસ્‍પિટલમાં ઓપરેટિંગ રૂમ અને દર્દીઓ છે.

થોડા દિવસો પહેલા લેબનોનની રાજધાની બેરૂતમાં હિઝબુલ્લાહના હેડક્‍વાર્ટર પર હવાઈ હુમલો કરવામાં આવ્‍યો હતો. હવાઈ હુમલામાં હસન નસરાલ્લાહ સહિત છ લોકોના મોત થયા હતા. હસન નસરાલ્લાહની પુત્રી ઝૈનબ નસરાલ્લાએ પણ પોતાનો જીવ ગુમાવ્‍યો હતો.

સિનવારના મોત પર હિઝબુલ્લાએ ઈઝરાયેલને ધમકી આપી હતી

હમાસ ઉપરાંત ઈઝરાયેલ પણ હિઝબુલ્લાહ સામે લડી રહ્યું છે. દક્ષિણ લેબનોનમાં ઇઝરાયેલની સૈન્‍ય કાર્યવાહી ચાલુ છે. સાથે જ હિઝબુલ્લાહ પણ જવાબી કાર્યવાહી કરી રહ્યું છે. થોડા દિવસો પહેલા હમાસના નેતા યાહ્યા સિનવારના મોત બાદ હિઝબુલ્લાએ ઈઝરાયેલને નવી ધમકી આપી હતી.હિઝબુલ્લાએ કહ્યું કે તે ઇઝરાયેલ સામેના યુદ્ધના નવા અને વધુ આક્રમક તબક્કા તરફ આગળ વધી રહ્યું છે. દરમિયાન ઈરાને કહ્યું છે કે યાહ્યા સિનવારના મળત્‍યુ બાદ પ્રતિકારની ભાવના મજબૂત થશે.

(11:44 AM IST)