<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd October 2024

દેશભરની અનેક CRPF શાળાઓને ઈ-મેલ દ્વારા બોમ્‍બની ધમકીઓ મળી

સુરક્ષા એજન્‍સીઓ એલર્ટઃ દિલ્‍હી સહિતની અનેક શાળાઓ સામેલ

નવી દિલ્‍હી, તા.૨૨: દિલ્‍હીની બે અને હૈદરાબાદની એક સહિત દેશભરની અનેક CRPF શાળાઓને ઈ-મેલ દ્વારા બોમ્‍બની ધમકીઓ મળી છે. આ ઘટના દિલ્‍હીના રોહિણી વિસ્‍તારમાં CRPF સ્‍કૂલની દિવાલમાં થયેલા બ્‍લાસ્‍ટના બે દિવસ બાદ બની છે. ઉપરાંત, છેલ્લા એક અઠવાડિયામાં, અનેક ભારતીય એરલાઇન્‍સને ૧૦૦ થી વધુ ધમકીઓ મળી છે. મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર, આ ઈમેલ સ્‍કૂલ મેનેજમેન્‍ટને મોકલવામાં આવ્‍યા હતા.

ઈમેલ મોકલનારએ દાવો કર્યો છે કે સવારે ૧૧ વાગ્‍યાની આસપાસ તમામ સીઆરપીએફ સ્‍કૂલોમાં બ્‍લાસ્‍ટ થશે. -ેષકે આ ધમકીને સસ્‍પેન્‍ડેડ ડીએમકે નેતા ઝફર સાદિકની ધરપકડ સાથે જોડી છે. પહેલા NCB અને પછી ED દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. તેણે એવો પણ દાવો કર્યો હતો કે સાદિકની ધરપકડથી તમિલનાડુ પોલીસમાં આંતરિક ઝઘડો થયો છે. દિલ્‍હી પોલીસના જણાવ્‍યા અનુસાર, તમિલનાડુની CRPF સ્‍કૂલને સૌથી પહેલા ધમકી મળી હતી. આ પછી દેશની તમામ શાળાઓને ધમકીઓ મળી છે. જોકે, પોલીસે આ ધમકીઓને નકલી ગણાવી છે.

પોલીસે જણાવ્‍યું કે સ્‍કૂલ મેનેજમેન્‍ટને ઈમેલ દ્વારા બોમ્‍બની આ ધમકીઓ મળી હતી. નોંધનીય છે કે આ ધમકીઓ દિલ્‍હીના રોહિણી સ્‍થિત CRPF સ્‍કૂલની દિવાલ પાસે બોમ્‍બ વિસ્‍ફોટના એક દિવસ બાદ મળી હતી. બોમ્‍બ વિસ્‍ફોટમાં કોઈ જાનહાની થઈ ન હતી, પરંતુ આસપાસની દુકાનો અને વાહનોના કાચ તૂટી ગયા હતા. પોલીસ આ બોમ્‍બની ધમકીઓની તપાસ કરી રહી છે અને હાઈ એલર્ટ પર છે.

દિલ્‍હીમાં CRPF સ્‍કૂલ પાસે થયેલા બોમ્‍બ બ્‍લાસ્‍ટની દિલ્‍હી પોલીસ ખાલિસ્‍તાન એંગલથી તપાસ કરી રહી છે. વાસ્‍તવમાં, સોશિયલ મીડિયા પર શેર કરાયેલ એક પોસ્‍ટમાં દાવો કરવામાં આવ્‍યો છે કે CRPFસ્‍કૂલ પાસે બોમ્‍બ બ્‍લાસ્‍ટ ભારતીય એજન્‍ટો દ્વારા ખાલિસ્‍તાન સમર્થકોને નિશાન બનાવવાના જવાબમાં કરવામાં આવ્‍યો હતો. સીસીટીવી કેમેરા ચેક કર્યા બાદ પોલીસને એક શકમંદ પણ મળી આવ્‍યો છે, જેની પોલીસ દ્વારા શોધ કરવામાં આવી રહી છે.

(3:11 PM IST)