News of Wednesday, 23rd October 2024
ચક્રવાતી તોફાન 'દાના' બંગાળની ખાડીમાં ઝડપથી આગળ વધ્યું :દરિયાકાંઠાના રાજ્યોને એલર્ટ કરાયા
વાવાઝોડું બંગાળના સાગર દ્વીપ અને ઓડિશાના પુરીની વચ્ચેથી પસાર થશે: લેન્ડફોલ સમયે, તેની મહત્તમ ઝડપ 120 કિલોમીટર સુધી પહોંચી શકે: નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, કોસ્ટ ગાર્ડ અને તમામ સંબંધિત સરકારી એજન્સીઓને હાઈ એલર્ટ પર: શાળાઓ બન્ધ

નવી દિલ્હી :ચક્રવાતી તોફાન 'દાના'ના કારણે બંગાળ અને ઓડિશામાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને તે દિવાળી પહેલા આ વિસ્તારોમાં તબાહી મચાવી શકે છે. ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે ચક્રવાતી તોફાન 'દાના' બંગાળની ખાડીમાં ઝડપથી વધી રહ્યું છે અને આગામી બે દિવસમાં જમીન પર ત્રાટકી શકે છે. 24 ઓક્ટોબરની રાતથી 25 ઓક્ટોબરની સવારની વચ્ચે આ વાવાઝોડું બંગાળના સાગર દ્વીપ અને ઓડિશાના પુરીની વચ્ચેથી પસાર થશે.
લેન્ડફોલ સમયે, તેની મહત્તમ ઝડપ 120 કિલોમીટર સુધી પહોંચી શકે છે. જો કે લેન્ડફોલનું સાચું સ્થળ આજે જાણી શકાશે. ચક્રવાતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, કોસ્ટ ગાર્ડ અને તમામ સંબંધિત સરકારી એજન્સીઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા અને જાનમાલના નુકસાનને ઘટાડવા માટે, દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવાની ઝુંબેશ પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે.
ઓડિશા અને બંગાળના દરિયાકાંઠાના જિલ્લાઓમાં, વહીવટીતંત્રે રાહત કેન્દ્રો તરીકે શાળાઓ અને સમુદાયની ઇમારતો તૈયાર કરી છે. માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે અને જે લોકો પહેલાથી જ દરિયામાં છે તેમને પાછા બોલાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સરકારી એજન્સીઓએ લોકોને શાંત રહેવા અને વહીવટીતંત્ર દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકાનું પાલન કરવાની અપીલ કરી છે. આગામી થોડા દિવસોમાં વીજળી, પાણી અને આવશ્યક સેવાઓ સુરક્ષિત રીતે જાળવવાની યોજના પણ બનાવવામાં આવી છે. 'દાના' વાવાઝોડાને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં હાઈવે અને રેલ્વે સેવાઓ થોડા સમય માટે પ્રભાવિત થઈ શકે છે.
વિશેષ રાહત કમિશનર ડીકે સિંહે શાળા અને સામૂહિક શિક્ષણ વિભાગને સાવચેતીના પગલા તરીકે 23 થી 25 ઓક્ટોબર સુધી સંભવિત રૂપે અસરગ્રસ્ત 14 જિલ્લાઓમાં શાળાઓ બંધ કરવા જણાવ્યું છે. ગંજમ, પુરી, જગતસિંહપુર, કેન્દ્રપારા, ભદ્રક, બાલાસોર, મયુરભંજ, કેઓંઝર, ઢેંકનાલ, જાજપુર, અંગુલ, ખોરધા, નયાગઢ અને કટક જિલ્લામાં શાળાઓ બંધ રહેશે. દિવાળી પહેલા આ ચક્રવાતના આગમનથી લોકોમાં ચિંતા વધી છે, પરંતુ સરકારી એજન્સીઓની તત્પરતાથી આ મુશ્કેલ પરિસ્થિતિનો સફળતાપૂર્વક સામનો કરવામાં આવશે તેવી અપેક્ષા છે.
બંગાળની ખાડીમાં બનેલું ચક્રવાતી તોફાન 'દાના' ખૂબ જ ઝડપી ગતિએ દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. જો કે આ તોફાન 25 ઓક્ટોબરે પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકવાની સંભાવના છે, પરંતુ આ બંને રાજ્યોમાં તણાવ પહેલાથી જ વધી ગયો છે. ભારતીય હવામાન વિભાગે અનુમાન લગાવ્યું છે કે આ તોફાન 24 ઓક્ટોબરની રાત્રે ઓડિશાના પુરી અને પશ્ચિમ બંગાળના સાગર દ્વીપ વચ્ચે ત્રાટકી શકે છે.
IMD દ્વારા જારી કરવામાં આવેલા એલર્ટ અનુસાર, આ ચક્રવાતને કારણે 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે, જેનાથી દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે નુકસાન થઈ શકે છે. IMDના આ એલર્ટને ધ્યાનમાં રાખીને ઓડિશા અને પશ્ચિમ બંગાળના ઘણા જિલ્લાઓમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. 23 થી 26 ઓક્ટોબર વચ્ચે કુલ 197 ટ્રેનો રદ કરવામાં આવી હતી.
(2:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
