<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd October 2024

દિલ્‍હી હાઈકોર્ટમાં અજીબોગરીબ અરજી : પતિએ પત્‍નીના લિંગ ટેસ્‍ટની કરી માંગણી

આ વ્‍યક્‍તિને શંકા છે કે, તેની પત્‍ની ટ્રાન્‍સજેન્‍ડર છે અને લગ્ન પહેલા આ હકીકત તેનાથી છુપાવવામાં આવી હતી

નવી દિલ્‍હી, તા.૨૩: દિલ્‍હી હાઈકોર્ટમાં એક અજીબોગરીબ અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં વ્‍યક્‍તિએ પોતાની પત્‍નીના મેડિકલ ચેકઅપની માંગણી કરવા અરજી કરી છે. આ વ્‍યક્‍તિને શંકા છે કે, તેની પત્‍ની ટ્રાન્‍સજેન્‍ડર છે અને લગ્ન પહેલા આ હકીકત તેનાથી છુપાવવામાં આવી હતી.

પોતાની અરજીમાં તેણે કહ્યું છે કે આ કારણે મને માત્ર માનસિક આઘાત જ નથી થયો પરંતુ મારી સામે અનેક ખોટા કાયદાકીય પગલાં પણ લેવામાં આવ્‍યા છે. અને કયારેય સંતાનની પ્રાપ્તી નહીં થાય અને પરિવારને વધારી શકશે નહીં. આ વ્‍યક્‍તિએ અરજી કરીને તેની પત્‍નીના લિંગનું પરીક્ષણ કેન્‍દ્ર સરકારની હોસ્‍પિટલમાં કરાવવા માટે વિનંતી કરી છે. અરજીકર્તાએ દવો કર્યો છે કે, લગ્ન પહેલા તેની ભાવિ પત્‍ની ટ્રાન્‍સજેન્‍ડર હોવાની હકીકત તેમનાથી છુપાવવામાં આવી હતી. આ કપટ અને છેતરપિંડીથી તેને માનસિક આઘાત લાગ્‍યો છે, આવી સ્‍થિતિમાં તેમના લગ્ન અધૂરા અને ગેરકાયદેસર છે.

અરજીકર્તાના વકીલો અભિષેક કુમાર ચૌધરી અને જિતેન્‍દ્ર કુમાર તિવારીએ દલીલ કરી હતી કે માહિતી છુપાવવાને કારણે યુવક વિરુદ્ધ ઘણી ખોટી કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે. ઘરેલુ હિંસા અને દહેજ કાયદા હેઠળ પણ આરોપો લગાવવામાં આવ્‍યા છે. આ અરજીમાં બંધારણના અનુચ્‍છેદ ૨૧ને ટાંકીને જીવન અને ગૌરવના મૂળભૂત અધિકારો વચ્‍ચે સંતુલન જાળવવાના મહત્‍વ પર ભાર મૂકવામાં આવ્‍યો છે કે લગ્નમાં બંને પક્ષો નિષ્‍પક્ષતા અને પારદર્શિતાના હકદાર છે.

અરજીમાં કહેવામાં આવ્‍યું છે કે, લિંગ ઓળખ ખૂબ જ અંગત બાબત છે, પરંતુ લગ્નના કિસ્‍સામાં તે પતિ-પત્‍ની બંનેના અધિકારોને અસર કરે છે. પતિએ દલીલ કરી હતી કે તેની પત્‍નીને ખાસ કરીને ભરણપોષણ માટે અથવા મહિલાઓની સુરક્ષા માટે બનાવેલા કાયદાઓ હેઠળ આરોપ લગાવવાનો અધિકાર નથી, કારણ કે તે આ કાયદાઓ હેઠળસ્ત્રી તરીકે લાયક નથી. આ ઉપરાંત અરજીમાં કહેવામાં આવ્‍યું છે કે, હું મારી પત્‍નીની તબીબી તપાસનો ખર્ચ ઉઠાવવા તૈયાર છું અને જો જો જરૂર પડે તો તે પોતાની મેડિકલ તપાસ કરાવવા માટે પણ તૈયાર છે. આ યુવકે અગાઉ ટ્રાયલ કોર્ટમાં પણ અરજી કરી હતી અને તેની પત્‍નીનું લિંગ નક્કી કરવા માટે મેડિકલ બોર્ડની રચના કરવાની માંગ કરી હતી, જો કે, ટ્રાયલ કોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી.

(3:26 PM IST)