<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th October 2024

અમેરિકાએ ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયોને પરત મોકલ્યા: ચાર્ટર્ડ વિમાનથી વ્યવસ્થા કરી

આ કાર્યવાહી કરવા માટે ભારત સરકારનો સહયોગ લીધો અને ચાર્ટર વિમાન 22 ઓક્ટોબરના રોજ ભારત મોકલવામાં આવ્યું

અમેરિકાએ પોતાને ત્યાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીય નાગરિકોને પરત મોકલ્યા છે. ખાસ વાત એ છે કે આ માટે એક ચાર્ટર્ડ પ્લેન ભાડેથી લેવામાં આવ્યું હતું. હોમલેન્ડ સિક્યોરિટી વિભાગની માહિતી પ્રમાણે આ કાર્યવાહી કરવા માટે તેણે ભારત સરકારનો સહયોગ લીધો છે અને ચાર્ટર વિમાન 22 ઓક્ટોબરના રોજ ભારત મોકલવામાં આવ્યું હતું.

એક અધિકારીએ વધુમાં માહિતી આપતા કહ્યું કે સંયુક્ત રાજ્ય અમેરિકામાં કાયદાનું પાલન કર્યાં વગર વસવાટ કરી રહેલા લોકોને પરત મોકલવામાં આવ્યા છે અને અહીં કરેવા ઈચ્છતા હોય તો કાયદા-નિયમોનું પાલન કરવું જરૂરી છે.

અમેરિકા નાગરિકતા કાયદાને લઈ ખૂબ જ કડક છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં સુરક્ષાની દ્રષ્ટિએ બોર્ડર સિક્યોરિટીને ખૂબ જ મજબૂત કરી છે. હોમલેન્ડ સિક્યોરિટી વિભાગના એક નિવેદન પ્રમાણે નાણાકીય વર્ષ 2024માં 1,60,000 કરતાં વધારે લોકોને પરત મોકલવામાં આવ્યા છે. તેમાં ભારત સહિત વિશ્વના 145 દેશનો સમાવેશ થાય છે. આ માટે અમેરિકાએ 495થી વધારે આંતરરાષ્ટ્રીય ઉડ્ડાનોનું સંચાલન કર્યું હતું.

છેલ્લા એક વર્ષમાં હોમલેન્ડ સુરક્ષા વિભાગે વિશ્વભરના વિવિધ દેશોના નાગરિકોને પરત મોકલ્યા છે. તેમાં કોલંબિયા, ઈક્વાડોર, પેરુ, મિસ્ર, ઈજિપ્ત, મોરિટાનિયા, સેનેગલ, ઉઝબેકિસ્તાન, ચીન અને ભારતનો સમાવેશ થાય છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વિભાગ સમગ્ર વિશ્વમાં વિદેશી સરકારો સાથે નિયમિત રીતે સંપર્કમાં રહે છે,જેથી કોઈ ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહેતા લોકો સામે કાર્યવાહી કરી શકાય.

(11:48 PM IST)