<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th October 2024

મહારાષ્‍ટ્ર અને ઝારખંડ ચૂંટણી પહેલા થશે ઇવીએમની અગ્નિ પરિક્ષા

ઇવીએમ પર કોઇ નવા આરોપો ના લાગે તે માટે ચુંટણી પંચ સતર્ક

નવી દિલ્‍હી તા. ર૮: હરિયાણા પછી મહારાષ્‍ટ્ર અને ઝારખંડની વિધાનસભા ચુંટણીમાં ઇવીએમ પર કોઇ પ્રકારના નવા આક્ષેપો ના લાગે તે અંગે ચુંટણી પંચ સતર્ક છે અને બન્‍ને રાજયોની ચુંટણી પહેલા હરિયાણા વિધાનસભા ચુંટણી દરમ્‍યાન ઇવીએમ પર લગાવાયેલા આક્ષેપો પરથી પણ પડદો ઉઠવાની તૈયારી છે. તેને લઇને બધી તપાસ લગભગ પુરી થઇ ગઇ છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે આ સપ્‍તાહમાં ચૂંટણીપંચ ઇવીએમ પર લાગેલા આક્ષેપો અંગે પોતાનો તથ્‍યાત્‍મક જવાબ પણ આપી શકે છે. જો કે અત્‍યાર સુધી ઇવીએમ પરના આક્ષેપો બાબતે પંચ એટલું સક્રિય નહોતું દેખાતું પણ છેલ્લી કેટલીક ચુંટણીઓથી તે ઇવીએમ અને પોતાના પર લાગતા આરોપો અથવા તો દુષ્‍પ્રચાર વિરૂધ્‍ધ કડક અને સક્રિય છે.

આ જ કારણ છે કે હરિયાણા વિધાનસભા ચુંટણીના પરિણામો આવ્‍યા પછી કોંગ્રેસે ર૦ મત વિસ્‍તારના ઇવીએમ પર તેમની બેટરીના ઉપયોગ અંગે જેવા સવાલ ઉઠાવ્‍યા કે તરત જ તેનો જવાબ આપ્‍યો એટલું જ નહીં તેની વિસ્‍તૃત તપાસ કરાવવાના આદેશો પણ આપ્‍યા.

સુત્રો અનુસાર, હવે આ તપાસ પુરી થઇ ગઇ છે. આ તપાસમાં નિષ્‍ણાંતોની પણ મદદ લેવાઇ છે જેની ટેકનીકલ રૂપે પણ આક્ષેપોનો જવાબ આપી શકાય. ચુંટણી પંચ સાથે સંકળાયેલા અધિકારીઓ અનુસાર, ઇવીએમ પર લગાવાયેલા આરોપોનો કોંગ્રેસ પક્ષને જવાબ આપવામાં આવશે એટલું જ નહીં પણ તેને ચુંટણી પંચો પોતાના સૌથી વધારે પૂછાતા સવાલોની યાદીમાં પણ સામેલ કરશે.

જેતથી, ઇવીએમ પર ઉઠાવાયેલા કોંગ્રેસ પક્ષના આક્ષેપોથી જેમના પણ મનમાં શંકા ઉત્‍પન્‍ન થઇ હોય તેઓ પણ આ જવાબોથી પોતાની શંકાને દૂર કરી લે. ચુંટણી પંચના અધિકારીઓ અનુસાર, હરિયાણા વિધાનસભા ચુંટણી દરમ્‍યાન ઇવીએમ પર જે રીતે બેટરીના ઉપયોગ ના આધાર પર આક્ષેપો થયા હતા તે સાવ નવો આક્ષેપ હતો. ચુંટણી પંચનું માનીએ તો આ ટ્રેન્‍ડ પર આગામી ચુંટણીમાં પણ વધુ આક્ષેપો થઇ શકે છે. એટલે તે બહુ સતર્ક છે.

હરિયાણા વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસે ઇવીએમમાં છેડછાડનો આક્ષેપ કર્યો હતો. આ આક્ષેપ ઇવીએમની બેટરીના ઉપયોગના આધારે લગાવાયો હતો, જે મતદાન થઇ ગયા પછી પણ ૯૯ ટકા ચાર્જ બતાવતી હતી. કોંગ્રેસનો આક્ષેપ હતો કે ઉપયોગ પછી પણ ઇવીએમની બેટરી ૯૯ ટકા કેવી રીતે રહી શકે. તેણે ર૦ મત વિસ્‍તારોમાં આવી સ્‍થિતિ મળ્‍યાની ફરિયાદ થઇ હતી.

(4:28 PM IST)