<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th October 2024

ઓહોહો... ૧ શેરનો ભાવ રૂા. ૨,૩૬,૨૫૦

શેરબજારનો સૌથી મોંઘો શેરઃ મંગળવારે ૧ શેરમાં રૂા. ૭૫૨૨૭નો ઉછાળો

મુંબઇ,તા. ૩૦: કોઈનો શેર એક જ દિવસમાં રૂા. ૭૫,૨૨૭ ઊછળે તેવું તમને કોઈ કહે તો તમે માનો? પહેલા તો કહેતા ભી દિવાના, સુનતા ભી દિવાના જેવું લાગે. પરંતુ મંગળવારે એલસીડ ઇન્‍વેસ્‍ટમેન્‍ટ્‍સ નામની બીએસઈમાં લિસ્‍ટેડ એક કંપનીના શેરમાં હકીક્‍તમાં આટલો મોટો ઊછાળો આવ્‍યો હતો. આ વાંચ્‍યા પછી બીજો પ્રશ્ન એ થાય કે શેરનો ભાવ શું હશે તો જણાવી દઈએ કે રૂા. ૨,૩૬,૨૫૦! આ ભાવ સાથે ભારતીય શેરબજારનો સૌથી મોંધો શેર બન્‍યો હતો અને અગાઉ શેરબજારમાં જે સૌથી મોંધો ગણાતો એમઆરએફના રૂા. ૧,૨૨,૯૧૭ કરતાં લગભગ રૂા.૧૪ લાખ વધુ કહી શકાય એ સ્‍તરે બંધ હતો. આ કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂા. ૪,૭૨૫ કરોડનું હતું, જેની સામે એમઆરએફનું એમકેપ રૂા. ૫૧,૯૮૬ કરોડ હતું, જે ૧૦ ગણું ઓછું ગણાય. ઈન્‍વેસ્‍ટમેન્‍ટ કેટેગરીમાં રહેલી કંપની મુંબઈ સ્‍થિત રજીસ્‍ટ્રર્ડ છે.

શેરબજારના જાણકાર વર્ગમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, કંપનીમાં સ્‍પેશ્‍યિલ કોલ ઓક્‍શન હેઠળ પ્રાઈસ ડિસ્‍કવરી હાથ ધરવામાં આવી હતી, જેને પગલે અગાઉ શેરનો ભાવ રૂા. ૩.૫૩ વાળો રૂા. ૨.૨૫ લાખના સ્‍તરે ખુલ્‍યા બાદ નીચામાં રૂા. ૨,૧૩,૮૦૦ થઈને બંધ રૂા. ૨,૩૬,૨૫૦ બંધ રહેતાં બીએસઈડેટા અનુસાર આગલા બંધ રૂા. ૧,૬૧,૦૨૩ સામે રૂા. ૭૫,૨૨૭ એટલે કે ૪૬.૭ ટકા ઊછળીને બંધ રહ્યો હતો. જો, શેરના ભાવમાં રૂા. ૩.૫૩ સામે ઊછાળો જોવામાં આવે તો ૬૬,૯૨,૫૩૫ ટકા થાય. કંપનીના શેરો ટ્રેડ ટુ ટ્રેડ સેગમેન્‍ટ હેઠળ છે અને તેમાં કુલ ટ્રેડિંગ સંખ્‍યા માત્ર ૨૪૧ શેરોની નોંધાઈ હતી. બીએસઈમાં કંપની અંગે છેલ્લી નોટીસ ૨૦૧૩માં આપવામાં આવી હતી.

પ્રાપ્ત ડેટા અનુસાર કંપનીની જુન ૨૦૨૪ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રેવેન્‍યૂ રૂા. ૧૧૩.૮૦ કરોડની હતી, જે માર્ચ ૨૦૨૪ના અંતે માત્ર રૂા. ૧૪.૧૧ કરોડ હતી. જયારે જુન ૨૦૨૪ના અંતે ચોખ્‍ખો નફો ઊછળીને રૂા. ૮૭.૧૬ કરોડનો નોંધાયો હતો, જે આગલા ત્રિમાસિક ગાળામાં એટલે કે માર્ચ ૨૦૨૪ના અંતે રૂા. ૯.૫૬ કરોડ હતો. આમ જુન ૨૦૨૪ના અંતે અર્નિંગ પર શેર (ઈપીએસ) વધીને રૂા. ૪,૩૫૭.૭૨ની થઈ હતી, જે ૩ મહિના અગાઉ રૂા. ૪૭૮.૧૧ની હતી. કંપનીએ સપ્‍ટેમ્‍બર ૨૦૨૪ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના પરિણામ હજી જાહેર કર્યા નથી. (૨૨.૨)

રૂા. એક લાખના રૂા. ૬૭૦ કરોડ

થોડા મહિના પહેલા જે શેરની વેલ્‍યૂના રૂા. એક લાખ મળતા હતા, તેની શેરબજારના સાડા પાંચ કલાકના ટ્રેડિંગમાં રૂા. ૬૭૦ કરોડ થઈ ગઈ હતી. એક સમયે શેરનો ભાવ ઊંચામાં રૂા. ૪.૫૮ લાખ બોલાયો હતો પણ આ ભાવ ક્‍વોટ થયો નહોતો એમ જાણવા મળે છે અને ડિસ્‍કવર પ્રાઇસ રૂા. ૨.૨૫ લાખની રહી હતી. આ શેરની અચાનક વેલ્‍યૂમાં આવેલા ઊછાળા પાછળ સેબીનો પરિપત્ર રહ્યો છે. જૂન ૨૦૨૪ના સેબીના પરિપત્રમાં ઇન્‍વેસ્‍ટમેન્‍ટ કંપનીઓ (ICs) અને ઇન્‍વેસ્‍ટમેન્‍ટ હોલ્‍ડિંગ કંપનીઓ (HCs) ની કિંમત શોધને સુધારવા માટે એક નવી પદ્ધતિની દરખાસ્‍ત કરવામાં આવી હતી. સેબીએ નોંધ્‍યું છે કે ઘણા IC અને HC તેમની બુક વેલ્‍યુથી નોંધપાત્ર રીતે નીચે વેપાર કરી રહ્યા હતા. તરલતા, વાજબી કિંમતની શોધ અને આવી કંપનીઓના શેરોમાં રોકાણકારોના એકંદર રસને સુધારવામાં મદદ કરવા માટે, SEBIએ આ શેરો માટે કોઈ પ્રાઇસ બેન્‍ડ્‍સ વિના વિશેષ કોલ હરાજી માટેનું માળખું રજૂ કર્યું હતું.

(9:53 AM IST)