News of Wednesday, 30th October 2024
વડોદરામાં રોડ શો અને કેટલાંક લોકાર્પણ કાર્યક્રમ બાદ ડાયમંડ કિંગના પુત્રના લગ્નમાં પીએમ મોદીની હાજરી
લાઠી ખાતે આયોજિત લગ્નપ્રસંગમાં ઉપસ્થિત રહી વડાપ્રધાન મોદીએ નવદંપતીને આશીર્વાદ આપ્યા: સવજીભાઈએ પોસ્ટ શેર કરી કહ્યું- આ ઘડી સદાય અમારા હ્દયમાં વસેલી રહેશે

અમદાવાદ :પ્રધાનમંત્રી મોદી ફરી બે દિવસની ગુજરાત મુલાકાતે આવી રહ્યાં છે, અને દિવાળીની સાથે સાથે કેવડિયા ખાતે એકતા દિવસની ઉજવણી કરશે. આ પહેલા વાઘ બારસના દિવસે પીએમ ગુજરાત પ્રવાસે હતા. સ્પેનના વડાપ્રધાન સાંચેઝ સાથે વડોદરામાં રોડ શો અને કેટલાંક લોકાર્પણ કાર્યક્રમ બાદ પીએમ મોદી અમરેલી પહોંચ્યા હતા. જ્યાં તેમણે અનેક વિકાસકાર્યોના લોકાર્પણ કર્યા. આ વ્યસ્તતા વચ્ચે સમય કાઢી વડાપ્રધાન મોદીએ ડાયમંડ કિંગ અને દાનવીર સવજીભાઈ ધોળકિયાના પુત્રના લગ્નપ્રસંગમાં પણ હાજરી હતી
લાઠી ખાતે આયોજિત લગ્નપ્રસંગમાં ઉપસ્થિત રહી વડાપ્રધાન મોદીએ નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા. તેમજ ધોળકિયા પરિવારના લોકો સાથે મુલાકાત પણ કરી હતી.
આ અંગેની પોસ્ટ સવજીભાઈ ધોળકિયાએ સોશિયલ મીડિયામાં શેર કરી છે. અને તેમણે કઈ રીતે ભારત માતા સરોવરના ઉદ્ઘાટન સાથે લગ્નનું આયોજન ગોઠવ્યું તે અંગેની માહિતી શેર કરી છે. સાથે જ કેટલાંક ફોટા પણ શેર કર્યાં છે.
આ લગ્ન સમારંભમાં હાજર જાણીતા રામકથાકાર મોરારીબાપુ અને રમેશભાઈ ઓઝા સાથે પણ વડાપ્રધાન મોદીએ ટૂંકી મુલાકાત કરી હતી.
હાલમાં જ આ બીજો પ્રસંગ છે જ્યારે વડાપ્રધાન મોદી બીજા એવા ગુજરાત ઉદ્યોગપતિના પુત્રના લગ્ન સમારંભમાં ઉપસ્થિત રહ્યાં હતા. આ પહેલા PM મોદી મુકેશ અંબાણીના નાના પુત્રના લગ્નમાં પણ નવદંપતીને આશીર્વાદ આપવા પહોંચ્યા હતા.
સવજીભાઈના આંગણે આ રુડા પ્રસંગમાં કેન્દ્રીય જળ મંત્રી અને પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના લોકો પણ ઉપસ્થિત રહ્યાં હતા.
વડાપ્રધાન મોદી બે દિવસ પહેલા ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. PM મોદીએ અમરેલી જિલ્લામાં લાઠી અને દુઘાળામાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા અને 4800 કરોડથી વધુના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા હતા. દુધાળા ગામે પીએમ મોદીએ ભારતમાતા સરોવરનું લોકાર્પણ કર્યું ત્યાર બાદ તેમણે તેમના સંબોધનમાં ઘણી મહત્વની વાતો કરી હતી.
(8:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
