તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 31st October 2024
બ્રિટનના કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલા બેંગ્લુરૂમાં યોગ-થેરેપી લઈ રહ્યા છે
રાજયાભિષેક પછી કિંગ ચાર્લ્સ ભારતની યાત્રાએ પહેલીવાર આવ્યા

બેંગલુરુ,તા. ૩૧: બ્રિટનના રાજા ચાર્લ્સ એક અંગત યાત્રા પર ભારતની મુલાકાતે આવ્યા છે. ચાર્લ્સ પત્ની ક્વીન કેમિલાની સાથે બેંગલુરુના મેડિકલ ફેસિલિટિ ‘હોલિસ્ટિક હેલ્થ સેન્ટર' માં રોકાયા છે. ગત વર્ષે છઠ્ઠી મેએ બ્રિટનના રાજા તરીકે રાજયાભિષેક પછી ચાર્લ્સ પહેલીવાર ભારત આવ્યા છે. ત્રણ દિવસની યાત્રા દરમિયાન કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલા યોગ, મેડિટેશન સેશન અને થેરેપી લઈ રહ્યા છે. ચાર્લ્સ અને કેમિલા ૩૦ એકરમાં ફેલાયેલા મેડિકલ ફેસિલિટીમાં ઓર્ગેનિક ફાર્મ અને લોન્ગવોકનો પણ આનંદ લઈ રહ્યા છે. ચાર્લ્સને થેરેપી આપવા માટે સેન્ટરમાં ખાસ ટીમો તૈયાર રાખવામાં આવી છે.સેશન સંપન્ન થયા પછી એ પરત લંડન જતા રહેશે. જોકે, કિંગ ચાર્લ્સ બેંગલુરુના આ હેલ્થકેર સેન્ટરમાં પહેલીવાર આવ્યા નથી, ૨૦૧૯માં પોતાનો ૭૧મો જન્મદિવસ અહીંયા ઉજવ્યો હતો.
અત્યાર સુધી ચાર્લ્સ નવ વાર આ સેન્ટરમાં આવી ચુક્યા છે. બેંગુલરુની મેડિકલ ફેસિલિટી ચલાવી રહેલા ડો.આઈસેક મથાઈને કિંગ ચાર્લ્સે પોતાના રાજયાભિષેક સમારોહમાં આમંત્રિત કર્યા હતા. આ ઉપરાંત, તેમના ભાઈ અને બ્રિટનના પ્રિન્સ એન્ડ્રયૂ પણ ભારતીય યોગી પાસેથી ઇલાજ કરાવી ચુક્યા છે.ભારતીય યોગીએ કેટલાક વર્ષો સુધી એન્ડ્રયૂને મંત્રો, મસાજ અને મેડિટેશનની થેરેપી આપી હતી. ૨૦૨૨માં એન્ડ્રયૂને રૂપિયા ૩૨ લાખની ફીનું બિલ કિંગ ચાર્લ્સને મોકલ્યું હતું, પરંતુ તેમણે પૈસા ચૂકવવાનો ઈનકાર કરી દીધો હતો.
(9:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
