<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st October 2024

ફોક્‍સવેગનના ત્રણ પ્‍લાન્‍ટ બંધ થશે : જર્મનીમાં પણ આર્થિક સંકટ શરૂ ?

ફોક્‍સવેગનની મુખ્‍ય બ્રાન્‍ડનું પરફોર્મન્‍સ પણ એકદમ નબળું પડયું : નવ મહિનામાં તેનો ઓપરેટિંગ નફો ૨૧ ટકા ઘટયો છે જર્મનીમાં પોતાની ઓછામાં ઓછી ત્રણ ફેક્‍ટરીઓ બંધ કરવાની છે, હજારો લોકોની છટણી કરવાની છે અને બાકીના જે પ્‍લાન્‍ટ છે તેને પણ ડાઉનસાઈઝ કરશે : કંપનીમાં લગભગ ત્રણ લાખ કર્મચારીઓ કામ કરે છે અને હવે મોટા પાયે હડતાલ થાય તેવી શકયતા છે

લંડન, તા.૩૧: જર્મની એ આર્થિક રીતે યુરોપનો સૌથી શક્‍તિશાળી ગણવામાં આવે છે પણ જર્મનીની ઈકોનોમીને કોઈની નજર લાગી ગઈ હોય તેવી સ્‍થિતિ છે. જર્મનીની ટોચની કાર કંપની ફોક્‍સવેગન પોતાના ૮૭ વર્ષના ઈતિહાસમાં પહેલી વખત પોતાના દેશમાં કેટલીક ફેક્‍ટરીઓ બંધ કરવાની છે અને હજારો કર્મચારીઓની છટણી કરવાની છે.ફોક્‍સવેગને બે દિવસ પહેલાં જાહેરાત કરી હતી કે છેલ્લા નવ મહિનામાં તેનો ઓપરેટિંગ નફો ૨૧ ટકા ઘટયો છે અને માત્ર ૧૪ અબજ ડોલરનો નફો નોંધાવ્‍યો છે. ફોક્‍સવેગનની મુખ્‍ય બ્રાન્‍ડનું પરફોર્મન્‍સ પણ એકદમ નબળું પડ્‍યું છે. ચીનમાં ફોક્‍સવેગનની કારની ડિમાન્‍ડ ઘટી જવાના કારણે કુલ વેચાણ પણ ચાર ટકા જેટલું ઘટી ગયું છે.

તાજેતરમાં ત્રીજું ક્‍વાર્ટર પૂરું થયું તેમાં જર્મની મંદીમાં સપડાઈ જાય તેવી પૂરી શકયતા હતી પણ સહેજમાં તે મંદીમાંથી બચી ગયું છે. તેથી હાલ પૂરતી તો રાહત મળી છે પણ આગળનો માર્ગ મુશ્‍કેલ છે. સરકારી ખર્ચ અને હાઉસહોલ્‍ડ સ્‍પેન્‍ડિંગ વધવાના કારણે જુલાઈથી સપ્‍ટેમ્‍બરના ગાળામાં જીડીપીમાં ૦.૨ ટકા વધારો થયો હતો. તેનાથી અગાઉના ત્રણ મહિનામાં ઈકોનોમીનો ગ્રોથ માઈનસ ૦.૩ ટકા હતો, એટલે કે ઈકોનોમી સંકોચાઈ હતી.

કોવિડ રોગચાળો આવ્‍યો ત્‍યાર પછી ગયા વર્ષે પહેલી વખત જર્મની ઈકોનોમીનું સંકોચન થયું હતું. અત્‍યારે પણ આઉટલૂક બહુ પ્રભાવિત કરે તેવું નથી. જર્મનીનું અર્થતંત્ર માંદું પડે તેવી શકયતા છે. ઈન્‍ટરનેશનલ મોનેટરી ફંડ મુજબ આ વર્ષે જર્મનીનો ઈકોનોમિક ગ્રોશ શૂન્‍ય ટકા નોંધાયે તેવી સંભાવના છે તેથી તમામ મોટા અર્થતંત્રોમાં સૌથી નબળો દેખાવ કદાચ જર્મનીનો હશે.

ફોક્‍સવેગન જર્મનીમાં પોતાની ઓછામાં ઓછી ત્રણ ફેક્‍ટરીઓ બંધ કરવાની છે, હજારો લોકોની છટણી કરવાની છે અને બાકીના જે પ્‍લાન્‍ટ છે તેને પણ ડાઉનસાઈઝ કરશે. ફોક્‍સવેગન જર્મનીની સૌથી મોટી કાર ઉત્‍પાદક છે અને તેની સામે હવે બહુ મોટી ચેલેન્‍જિસ છે. કંપની સામે લેબર યુનિયનોએ શિંગડા ભરાવ્‍યા છે, આ કંપનીમાં લગભગ ત્રણ લાખ કર્મચારીઓ કામ કરે છે અને તેમાં હવે આગામી દિવસોમાં મોટા પાયે હડતાલ થાય તેવી શકયતા છે.

ફોક્‍સવેગનની જે સ્‍થિતિ છે તે જર્મનીની ઈકોનોમીનું રિફ્‌લેક્‍શન કરે છે કારણ કે આખું અર્થતંત્ર આવી સ્‍થિતિમાં છે. મંદી આવતા આવતા સહેજમાં રહી ગઈ છે પણ ઈકોનોમિક ગ્રોથના કોઈ સંકેત દેખાતા નથી. ફોક્‍સવેગન હવે લેબર યુનિયન સાથે વાત કરીને કઈ રીતે સોલ્‍યુશન લાવે છે તે જોવાનું રહેશે.

(3:37 PM IST)