<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st October 2024

દર વર્ષની જેમ આ વર્ષે પણ નરેન્દ્રભાઈ મોદીએ ભારતીય જવાનો સાથે દિવાળી પર્વની ઉજવણી કરી : કચ્છમાં સૈનિકોને મીઠું મોઢું કરાવ્યું

વડાપ્રધાન બન્યા બાદ પણ સૈનિકો સાથે દિવાળી ઉજવવાની પરંપરા ચાલુ રાખી : ભારતીય જવાનોને દિપાવલી અને નુતન વર્ષની શુભેચ્છા પાઠવી

ભુજ તા.૩૧ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે એટલે કે 31 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે છે. અહીં તેમણે સરદાર પટેલની પ્રતિમા સમક્ષ દેશની એકતાનો સંદેશો આપ્યો હતો. તેમણે સરહદ પર દેશની સરહદોની રક્ષા કરતા જવાનોનો પણ સંપર્ક કર્યો હતો. પીએમ મોદી ગુજરાતના કચ્છ પહોંચ્યા અને દર વર્ષની જેમ આ વખતે પણ નરેન્દ્રભાઈ મોદીએ સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.
પીએમ નરેન્દ્રભાઈ મોદીએ ભારતીય સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી અને સૈનિકોને મીઠાઈ પીરસી હતી.પીએમ મોદી માટે આ મુલાકાત ખાસ છે, કારણ કે વડાપ્રધાન બન્યા બાદ આ પહેલીવાર છે જ્યારે તેઓ ગુજરાતમાં સૈનિકો સાથે દિવાળી ઉજવશે. અગાઉ પીએમ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેમણે ગુજરાતના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.

કેવડિયા ખાતે લોખંડી પુરુષ સરદાર સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ વડાપ્રધાન મોદી કચ્છ પહોંચ્યા છે, જ્યાં તેઓ સૈનિકો સાથે સમય વિતાવશે અને તેમને દિવાળીની શુભકામનાઓ પાઠવશે. તેમની આ મુલાકાતને રાષ્ટ્રીય એકતા અને સૈનિકોના સન્માનના પ્રતીક તરીકે જોવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે, દિવાળીના અવસર પર પીએમ મોદી આ પહેલા પણ ઘણી વખત સૈનિકો સાથે જોવા મળ્યા છે. પીએમ ગયા વર્ષે (2023) હિમાચલ પ્રદેશ પહોંચ્યા હતા.

રક્ષા મંત્રી રાજનાથ સિંહ દિવાળીના તહેવારની ઉજવણી કરવા આજે અરુણાચલ પ્રદેશના તવાંગ પહોંચશે. ત્યાં તેઓ ભારતીય સેનાના જવાનો સાથે દિવાળી મનાવશે. તમને જણાવી દઈએ કે, આ પહેલા કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી બુધવારે સાંજે આસામના તેજપુર પહોંચ્યા હતા. અહીં તેમણે મેઘના સ્ટેડિયમમાં સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી અને તેમની સાથે ડિનર પણ લીધું.

(4:01 PM IST)