<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd November 2024

બલરામપુરમાં સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ ગાડી તળાવમાં ખાબકીઃ એક સાથે ૮ લોકો મોત મુખમાં ધકેલાયાઃ ૧ વ્‍યકિત ઘાયલ

મૃતકમાં એક મહિલા અને એક બાળકી સહિત છ લોકોએ જીવ ગુમાવ્‍યો હતોઃ બલરામપુર જિલ્લાના લરીમા ગામના રહેવાસીઓ ગાડીમાં પડોશી સૂરજપુર જિલ્લામાં જઈ રહ્યા હતા ત્‍યારે બનાવ બનાવા પામ્‍યો હતો

નવી દિલ્‍હીઃ  બલરામપુરમાં એક દુર્ઘટનામાં ગાડી તળાવમાં પડી જતા એક મહિલા અને એક બાળકી સહિત છ લોકોનાં મોત થયા, જયારે એક વ્યક્તિ ઘાયલ થયો છે.
છત્તીસગઢના બલરામપુર જિલ્લામાં શનિવારે એક સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ (SUV) તળાવમાં પડતાં એક મહિલા અને એક બાળકી સહિત છ લોકોનાં મોત થઈ ગયા. જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે બલરામપુર જિલ્લાના રાજપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના બુઢા બગીચા મુખ્ય માર્ગ પર સ્થિત લડુઆ વળાંક પર શનિવારે રાત્રે લગભગ 8:30 વાગ્યે એક સ્કોર્પિયો ગાડી તળાવમાં પડી જતાં એક મહિલા અને એક બાળકી સહિત છ લોકોના મોત થઈ ગયા.
પોલીસે જણાવ્યું કે આ ઘટના ત્યારે બની જ્યારે બલરામપુર જિલ્લાના લરીમા ગામના રહેવાસીઓ ગાડીમાં પડોશી સૂરજપુર જિલ્લામાં જઈ રહ્યા હતા. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે જ્યારે SUV લડુઆ વળાંક પાસે પહોંચી ત્યારે તે અનિયંત્રિત થઈને તળાવમાં પડી ગઈ.
અધિકારીઓએ જણાવ્યું કે ઘટનાની માહિતી મળતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને બચાવ કાર્ય શરૂ કરી દીધું. તેમણે કહ્યું કે વાહનમાં મુસાફરી કરી રહેલા છ લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા, જ્યારે પોલીસે ઘાયલ ડ્રાઈવરને બચાવી લીધો. અધિકારીઓએ જણાવ્યું કે મૃતકોમાં ચાર પુરુષ, એક મહિલા અને એક બાળકીનો સમાવેશ થાય છે. ઘાયલ ડ્રાઈવરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે જેસીબીની મદદથી ગાડીને તળાવમાંથી બહાર કાઢવામાં આવી હતી. મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે.
પોલીસ અને સ્થાનિક લોકોએ જેસીબીની મદદથી તળાવમાં ડૂબેલી ગાડીને બહાર કાઢી હતી. આ પછી મૃતકોને રાજપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર લાવવામાં આવ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે અકસ્માત બાદ ગાડીના દરવાજા લોક થઈ ગયા હતા, જેના કારણે લોકો બહાર નીકળી શક્યા ન હતા. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, તમામ સ્કોર્પિયો સવાર કુસમી વિસ્તારના લરીમાથી સૂરજપુર જઈ રહ્યા હતા. મૃતકોમાં એક જ પરિવારના 4 સભ્યોનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં ડ્રાઈવરને ગંભીર ઈજા પહોંચી છે.

(1:15 PM IST)