<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th November 2024

જમ્મુ કાશ્મીર : બાંદીપોરોમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ : એક આતંકી ઠાર

સર્ચ ઓપરેશન શરૂ : ગોળીબાર ચાલુ

શ્રીનગર તા. ૬ : જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. આ એન્કાઉન્ટર લોલાબના જંગલોમાં થઈ રહ્યું છે. આ અથડામણમાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો છે. બીજી તરફ, અલુસા બાંદીપોરાના જેતસુન જંગલ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં એક આતંકવાદી પણ માર્યો ગયો છે, જયારે સેના અને સીઆરપીએફના બે જવાન ઘાયલ થયા છે. બાંદીપોરા પોલીસ અને ૨૬ આસામ રાઈફલ્સની સંયુકત ટીમ આ ઓપરેશનમાં સામેલ છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે. સ્થાનિક પોલીસ પણ મોરચે ઉભી છે.

સુરક્ષા દળોને ચોંટવાડી વિસ્તારમાં આતંકવાદીઓની શંકાસ્પદ હિલચાલની માહિતી મળી હતી. આ પછી બાંદીપોરા પોલીસ, CRPF અને સેનાની ૨૮ આસામ રાઈફલ્સની સંયુકત ટીમે વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન જંગલમાં હાજર આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. જવાબી કાર્યવાહીમાં એક આતંકવાદી માર્યો ગયો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ફાયરિંગમાં એક આર્મી જવાન અને એક CRPF જવાન ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને ઓપરેશન ચાલુ છે.

આતંકવાદી હુમલાની વધતી જતી ઘટનાઓએ માત્ર સ્થાનિક રહેવાસીઓમાં જ નહીં, પરંતુ પ્રવાસીઓ અને વેપારીઓમાં પણ ભય અને અનિશ્ચિતતાનું વાતાવરણ ઊભું કર્યું છે. આ હુમલાઓનો સામનો કરવા માટે સુરક્ષા દળો દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે, પરંતુ આવી ઘટનાઓ વિસ્તારમાં તણાવનું કારણ બની રહે છે.

(11:52 AM IST)