<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th November 2024

તમે બુલડોઝર વડે રાતોરાત મકાનો તોડી ન શકો : ₹25 લાખનું વળતર તરત આપો : બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટે યુપી સરકારને ફટકાર લગાવી

ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચે અધિકારીઓના વલણને 'દમનકારી' ગણાવ્યું

નવી દિલ્હી - સુપ્રીમ કોર્ટે બુધવારે ઉત્તર પ્રદેશ સરકારને ગેરકાયદેસર રીતે મકાનો તોડી પાડવા બદલ સખત ઠપકો આપ્યો હતો. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચે અધિકારીઓના વલણને 'દમનકારી' ગણાવ્યું હતું. કોર્ટે રાજ્યના વકીલને કડક સૂરમાં કહ્યું કે 'તમે બુલડોઝર વડે રાતોરાત મકાનો તોડી ન શકો.' ખંડપીઠે કહ્યું, 'તમે લોકોના ઘરોને આ રીતે તોડવાનું કેવી રીતે શરૂ કરી શકો છો? આ અરાજકતા છે... કોઈના ઘરમાં ઘૂસીને તેને કોઈ પણ જાણકારી વગર તોડી પાડવી.

SC માં મનોજ ટિબ્રેવાલ આકાશ દ્વારા મોકલવામાં આવેલી ફરિયાદના આધારે 2020માં દાખલ કરાયેલી સુઓમોટો અરજીની સુનાવણી કરી રહ્યા હતા. મહારાજગંજ જિલ્લામાં સ્થિત આકાશનું ઘર 2019માં રસ્તો પહોળો કરવાના નામે તોડી પાડવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવને ગેરકાયદે ડિમોલિશન કાર્યવાહીના કેસની તપાસ કરવા અને અરજદારને 25 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે.

સુપ્રીમ કોર્ટની બેંચમાં CJI ચંદ્રચુડ ઉપરાંત જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા પણ સામેલ હતા. બુધવારે સુનાવણી દરમિયાન, CJIએ ચિંતા વ્યક્ત કરી કે આ કેસમાં કોઈ નોટિસ આપવામાં આવી ન હતી અને ન તો યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું હતું.
બેન્ચે કહ્યું, 'આ સંપૂર્ણપણે મનસ્વી છે! યોગ્ય પ્રક્રિયા ક્યાં અનુસરવામાં આવી હતી? અમારી પાસે એક એફિડેવિટ છે, જેમાં કહેવામાં આવ્યું છે કે કોઈ નોટિસ આપવામાં આવી નથી, તમે માત્ર સ્થળ પર ગયા અને લાઉડસ્પીકર દ્વારા લોકોને જાણ કરી. કોર્ટને કહેવામાં આવ્યું હતું કે અરજદારની સાથે અન્ય 123 બાંધકામો પણ તોડી પાડવામાં આવ્યા હતા.

 

(2:48 PM IST)