News of Thursday, 7th November 2024
PM મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કરીને પાઠવ્યા અભિનંદન
પીએમ મોદી વિશ્વના પહેલા નેતાઓમાંના એક છે જેમની સાથે તેમણે જીત બાદ વાત કરી છે

નવી દિલ્હી, તા.૭: ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકામાં અવિશ્વસનીય જીત બદલ સમગ્ર વિશ્વમાંથી અભિનંદન પાઠવવામાં આવી રહ્યાં છે. આ ક્રમમાં વડાપ્રધાન મોદીએ પણ ટ્રમ્પને પહેલા એક્સ પર પોસ્ટ દ્વારા અને પછી બુધવારે સાંજે ફોન દ્વારા અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ વાતચીત અંગે X પર પોસ્ટ પણ કરી હતી. તેમણે લખ્યું, મારા મિત્ર, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ખૂબ સારી વાતચીત થઈ, તેમને તેમની મહાન જીત પર અભિનંદન આપ્યા. ટેકનોલોજી, સંરક્ષણ, ઉર્જા, અવકાશ અને અન્ય ઘણા ક્ષેત્રોમાં ફરી એકવાર ભારત-યુએસ સંબંધોને મજબૂત કરવા માટે સાથે મળીને આગળ વધીશું.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ દરમિયાન ટ્રમ્પે પીએમને કહ્યું કે આખી દુનિયા મોદીને પ્રેમ કરે છે. ભારત એક અદભૂત દેશ છે અને પીએમ મોદી એક અદભૂત વ્યક્તિ છે. ટ્રમ્પે પીએમ મોદીને ફોન પર કહ્યું કે તેઓ તેમને અને ભારતને તેમના સાચા મિત્રો માને છે. પીએમ મોદી વિશ્વના પહેલા નેતાઓમાંના એક છે જેમની સાથે તેમણે જીત બાદ વાત કરી છે.
અગાઉ, આ પ્રસંગે અભિનંદન આપતા પીએમ મોદીએ લખ્યું, હું મારા મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પને ચૂંટણીમાં તેમની ઐતિહાસિક જીત બદલ હૃદયપૂર્વક અભિનંદન આપું છું. જેમ તમે તમારા પાછલા કાર્યકાળની સફળતાઓને આગળ વધારશો, હું ભારત-અમેરિકાના વ્યાપક વૈશ્વિક સ્તરે આગળ વધવાની રાહ જોઈ રહ્યો છું. અને અમારી વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરીને અમારા સહયોગને નવી ઊંચાઈએ લઈ જવા માટે આતુર છીએ. ચાલો આપણે આપણા લોકોની સુખાકારી માટે અને વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમળદ્ધિને પ્રોત્સાહન આપવા માટે સાથે મળીને કામ કરીએ.
(9:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
