News of Thursday, 7th November 2024
રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસઃ ઘરે ઘરે જઇને થશે સ્તન, સર્વાઇકલ અને મુખના કેન્સરની તપાસ

નવી દિલ્હી તા. ૭: દેશમાં સૌથી વધારે જોવા મળતા ઓરલ, સર્વાઇકલ અને સ્તન કેન્સરની ઓળખ ઘરે ઘરે જઇને કરવામાં આવશે. આશા વર્કરો ઘરે ઘરે જઇને ૩૦ વર્ષથી વધારે વયના દરેક લોકોને તપાસશે. તપાસ દરમ્યાન જો કોઇ શંકા જશે તો તે લોકોને વધુ તપાસ માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મોકલવામાં આવશે. તપાસમાં કેન્સરની પુષ્ટી થયા પછી કેન્સર હોસ્પીટલમાં સંપૂર્ણ ઇલાજ કરવામાં આવશે.
નિષ્ણાંતોનું માનીએ તો આ ત્રણે કેન્સર દેશમાં થનારા કુલ કેસોમાં સૌથી વધારે છે. મહિલાઓમાં થનારા કુલ કેન્સરોમાં પ૦ ટકા કેસ સ્તન અને સર્વાઇકલ કેન્સરના હોય છે. એઇમ્સના ડોકટર બી. આર. આંબેડકર સંસ્થાન રોટરી કેન્સર હોસ્પીટલની ડોકટર પલ્લવી શુકલએ જણાવ્યું કે આ ત્રણે કેન્સરોને રોકવા માટે નેશનલ પ્રોગ્રગ્રામ ફોર પ્રીવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ નોન કોમ્યુનીકેબલ ડીસીઝમાં રાષ્ટ્રીય સ્તરે કાર્યક્રમ ચલાવાઇ રહ્યો છે. તેના માટે દેશભરમાં સાત કેન્દ્રો બનાવાયા છે. તેમાં એઇમ્સ દિલ્હી પણ છે. તેમણે કહ્યું કે આ પ્રોગ્રામ શરૂ થઇ ગયો છે. તેના હેઠળ ઘરે ઘરે જઇને તપાસ થવાની છે. આ ત્રણે કેન્સરોને રોકવા શકય છે. પ્રાથમિક તબકકામાં આ કેન્સર પકડાઇ જાય તો તેની સારવાર ઉપલબ્ધ છે. કેન્સર પાછળનું એક મોટું કારણ તમાકુનો ઉપયોગ અને ધુમ્રપાન છે.
આશા વર્કર કેવી રીતે કરશે તપાસ
સ્તન કેન્સરઃ કલીનીકલ બ્રેસ્ટ એકઝામાનેશન
સર્વાઇકલ કેન્સરઃ વીઆઇએ ટેસ્ટ
ઓરલ કેન્સરઃ ટોર્ચથી મોઢાની તપાસ
સ્તન તપાસ કયારે કરાવવી?
૩૦ વર્ષની ઉંમર પછી દર બે વર્ષે એક વાર
પ૦ વર્ષની ઉંમર પછી દર વર્ષે ડોકટર પાસે તપાસ કરાવવા જોઇએ.
આ છે સૌથી વધુ થતા ૩ કેન્સરો
(૧) સ્તન કેન્સરઃ મહિલાઓમાં સૌથી વધુ થતું કેન્સર જોકે પુરૂષોમાં પણ જોવા મળી શકે છે.
(ર) સર્વાઇકલ કેન્સરઃ સર્વાઇકલ કેન્સર થવાનું મુખ્ય કારણ એચપીવી સંક્રમણ છે. શરૂઆતમાં કોઇ લક્ષણ નથી દેખાતા પણ સમયના સાથે ગુપ્તાંગોમાં અસામાન્ય રકતસ્ત્રાવ, દુખાવો અથવા શૌચક્રિયામાં મુશ્કેલી જણાય છે.
(૩) ઓરલ કેન્સરઃ આ કેન્સર થવાનું મુખ્ય કારણ તમાકુનું સેવન, ધુમ્રપાન દારૂ વગેરે છે. તેનાથી મોઢામાં ચાંદા અથવા સફેદ ડાઘ, દુખાવો, સોજો અવાજમાં ફેરફાર જેવા લક્ષણો થાય છે.
(2:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
