News of Thursday, 7th November 2024
ભારત અદ્ભુત દેશ, મોદી અદ્ભુત વ્યકિતઃ ટ્રમ્પે ભારતને સાચો મિત્ર ગણાવી કર્યા વખાણ
નરેન્દ્રભાઇએ યુએસના પ્રેસીડેન્ટ બનવા બદલ અભિનંદન પાઠવેલ

ન્યુયોર્ક, તા., ૭: ડોનાલ્ડ ટ્રમ્પે યુએસ પ્રેસિડેન્શિયલ ઇલેક્શન ૨૦૨૪માં જંગી જીત મેળવી છે. જીત બાદ ટ્રમ્પને વિશ્વભરના નેતાઓ અને સેલિબ્રિટીઝ તરફથી અભિનંદનના મેસેજ મળી રહ્યા છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના એવા નેતાઓમાં સામેલ છે જેમણે ફોન કરીને ડોનાલ્ડ ટ્રમ્પને તેમની જીત પર અભિનંદન આપ્યા હતા. ફોન પર વાતચીત દરમિયાન અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદી અને ભારતના વખાણ કર્યા હતા.
વડા પ્રધાન મોદીએ ગઈકાલે રાત્રે એકસ પર માહિતી આપી હતી કે તેમણે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરી છે. પીએમ મોદીએ લખ્યું- મારા મિત્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ખૂબ જ સારી વાતચીત થઈ. તેમની મહાન જીત પર તેમને અભિનંદન. ફરી એકવાર ટેક્રોલોજી, સંરક્ષણ, ઉર્જા, અવકાશ અને અન્ય ઘણા ક્ષેત્રોમાં ભારત-અમેરિકા સંબંધોને વધુ મજબૂત કરવા માટે આતુર છીએ. સાથે મળીને કામ કરવા ઉત્સુક છીએ.
એક ચેનલના સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદી સાથેની વાતચીતમાં કહ્યું કે આખી દુનિયા પીએમ મોદીને પ્રેમ કરે છે. ડોનાલ્ડ ટ્રમ્પે પણ ભારતના ખૂબ વખાણ કર્યા હતા. ટ્રમ્પે કહ્યું કે ભારત એક અદ્ભુત દેશ છે અને પીએમ મોદી અદ્ભુત વ્યક્તિ છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીને કહ્યું કે તેઓ તેમને અને ભારતને પોતાના સાચા મિત્ર માને છે. ડોનાલ્ડ ટ્રમ્પે એમ પણ કહ્યું કે પીએમ મોદી એ વિશ્વના નેતાઓમાંના એક છે જેમની સાથે ટ્રમ્પે પ્રમુખ ચૂંટણીમાં જીત બાદ સૌથી પહેલા વાત કરી હતી.
(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
