ઈઝરાયેલી સેનાનો ગાઝાની હોસ્પિટલ પર ભીષણ હુમલો :9 મહિલા સહિત 17 લોકોના મોત
દીર અલ-બલાહ, ગાઝાપટ્ટીમાં વિસ્થાપિત લોકોને આશ્રય આપનાર એક ઘર પર ઈઝરાયેલ દ્વારા ભીષણ હુમલો

નવી દિલ્હી :ગાઝામાં ઈઝરાયેલ તરફથી તાબડતોબ હુમલા થઈ રહ્યા છે. ફરી એક વખત ગાઝાની હોસ્પિટલ પર ઈઝરાયેલ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. પેલેસ્ટાઈન સ્થિત હોસ્પિટલના અધિકારીઓનું કહેવું છે કે ગાઝા પર ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલ હુમલામાં 17 લોકોના મોત થયા છે.
મૃતદેહો મેળવનાર નજીકની હોસ્પિટલના વડાએ આપેલી માહિતી પ્રમાણે દીર અલ-બલાહ, ગાઝાપટ્ટીમાં વિસ્થાપિત લોકોને આશ્રય આપનાર એક ઘર પર ઈઝરાયેલ દ્વારા ભીષણ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ઓછામાં ઓછા 17 લોકોના મોત થયા છે. ગાઝા શહેરના અલ-અહલી હોસ્પિટલના વડા ડો.ફાદેલ નઈમે કહ્યું હતું કે મૃતકોમાં નવ મહિલાનો પણ સમાવેશ થાય છે અને બચાવ કામગીરી ચાલી રહી છે અને મૃતકોની સંખ્યા વધી શકે છે.
ઈઝરાયેલની સેનાએ છેલ્લા એક મહિનાથી જબાલિયા તથા આજુબાજુના શહેરો બેઈત લાહિયા અને બેઈત હનૌનને ઘેરી રાખ્યા છે અને વ્યાપક પ્રમાણમાં તેમને અલગ-થલગ કરી દીધા છે. અહીં ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં જ માનવીય સહાયતા મળી રહી છે. હજારોની સંખ્યામાં લોકો ગાઝા શહેરમાં ભાગી ગયા છે.
મળતી માહિતી પ્રમાણે ગાઝાના સમગ્ર ઉત્તરી ભાગ ઈઝરાયેલના જમીની આક્રમણનો પહેલો લક્ષ્યાંક બન્યો હતો 13 મહિનાના યુદ્ધમાં આ સમગ્ર વિસ્તારનો સર્વનાશ થઈ ગયો છે.
દરમિયાન કતારે ગાઝામાં યુદ્ધ વિરામના પ્રયાસોથી પોતાને અલગ કરી લીધુ છે. આ સાથે કતારે પેસેલ્ટાઈન સંગઠન હમાસને દોહામાં કાર્યાલય બંધ કરવા કહ્યું છે. ગાઝામાં ઈઝરાયેલના બંધકોને મુક્ત નહીં કરવાના હમાસના ઈરાદાથી નારાજ થઈ તથા યુદ્ધ વિરામ અંગે તેના કડક વલણને ધ્યાનમાં લઈ આ પગલું ભર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે હમાસના અધિકારીઓને અહીં વર્ષ 2012થી કતારમાં પોતાની કામગીરી ચલાવવાની મંજૂરી મળી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
