News of Monday, 11th November 2024
અમેરિકન વિઝાનો વેઈટિંગ પિરિયડ વધીને ૫૦૦ દિવસ થઈ ગયો !
વર્ષ ૨૦૨૩માં ભારતીયોના ૧૪ લાખ વિઝા પ્રોસેસ કરવામાં આવ્યા હતા : કોલકાતામાં સૌથી વધારે વેઈટિંગ ચાલે છે : બીજા દેશમાં જઈને થર્ડ પાર્ટી નેશનલ અરજી કરવામાં આવે તો પણ કોઈ ફાયદો નથી : મુંબઈમાં વિઝાની એપોઈન્ટમેન્ટ માટે ૪૨૭ દિવસનું વેઈટિંગ છે

નવી દિલ્હી, તા.૧૧: અમેરિકાના વિઝાને લગતી સમસ્યાઓનો કોઈ અંત નથી આવ્યો અને સમસ્યા વધતી જ જાય છે. તમે પણ વેકેશન માટે અથવા બિઝનેસ માટે અમેરિકા જવાનું વિચારતા હોવ તો કેટલાક શહેરોમાં તો યુએસ કોન્સ્યુલેટમાં વારો જ આવે તેમ નથી. ઉદાહરણ તરીકે કોલકાતાના યુએસ કોન્સ્યુલેટમાં કોઈએ એપોઈન્ટમેન્ટ લેવી હોય તો ૫૦૦ દિવસનું વેઈટિંગ ચાલે છે.
છેલ્લા એક વર્ષમાં વિઝાનો વેઈટ પિરિયડ ઘટાડવા માટે ઘણા પગલાં લેવામાં આવ્યા છે. યુએસ કોન્સ્યુલેટમાં સ્ટાફ વધારવામાં આવ્યો છે અને કેટલીક વખત તો રજાના દિવસે પણ કામ થાય છે. છતાં વેઈટિંગનો પિરિયડ હજુ ઉભો જ છે. અમેરિકન વિઝા માટે વેઈટ પિરિયડ હજુ નોર્મલ નથી થયો.
વર્ષ ૨૦૨૩માં ભારતીયોના ૧૪ લાખ વિઝા પ્રોસેસ કરવામાં આવ્યા હતા જે અત્યાર સુધીની સૌથી ઊંચી સંખ્યા છે. આ દરમિયાન વિઝિટર વિઝાના વેઈટ પિરિયડમાં ૭૫ ટકાનો ઘટાડો થયો છે. ભારતમાં અલગ અલગ અમેરિકન કોન્સ્યુલેટ પર બી૧ અને બી૨ વિઝા માટેનો વેઈટ પિરિયડ અલગ અલગ છે. હાલમાં કોલકાતમાં જેમણે અરજી કરી હોય તેમણે સૌથી વધુ ૫૦૦ દિવસની રાહ જોવી પડે છે. બીજા શહેરોમાં પણ વેઈટિંગ ચાલે છે પણ કોલકાતા જેટલી રાહ જોવી પડતી નથી.
ઉદાહરણ તરીકે ચેન્નાઈમાં અત્યારે ૪૮૬ દિવસનો પ્રોસેસિંગ ટાઈમ ચાલે છે. મુંબઈમાં વિઝાની એપોઈન્ટમેન્ટ માટે ૪૨૭ દિવસનું વેઈટિંગ ચાલે છે, દિલ્હી અને હૈદરાબાદમાં પણ સ્થિતિ સારી નથી. દિલ્હીમાં ૪૩૨ દિવસ લાગી જાય છે જ્યારે હૈદરાબાદમાં ૪૩૫ દિવસ લાગી જાય છે.
એક વાત નોંધવી જરૂરી છે કે ઈન્ટરવ્યૂ વેઈવર વિઝિટર વિઝા માટે એટલો બધો સમય નથી લાગતો. દિલ્હીમાં આવા વિઝિટર વિઝા માટે વેઈટ ટાઈમ ૧૪ દિવસનો છે જ્યારે કોલકાતામાં તે ૧૩ દિવસ છે. તમે થર્ડ કન્ટ્રી નેશનલ વિઝા માટે અરજી કરો તો પણ સ્થિતિ એટલી જ ખરાબ છે જેમાં અબુધાબીમાં ૩૩૨ દિવસનો વેઈટ પિરિયડ ચાલે છે જ્યારે દુબઈમાં આ ગાળો ૨૮૯ દિવસનો છે.
તમારા હોમ કન્ટ્રીના બદલે બીજા દેશમાં જઈને તમે અમે વિઝાની એપ્લિકેશન કરો ત્યારે થર્ડ કન્ટ્રી નેશનલ વિઝા કહેવામાં આવે છે. B1 વિઝાની મદદથી વ્યક્તિ બિઝનેસના હેતુસર અમેરિકા ટ્રાવેલ કરી શકે છે જ્યારે B2 વિઝા ટુરિસ્ટ માટે, પોતાના મિત્રો કે પરિવારોને મળવા જતા લોકો માટે અને મેડિકલ ટ્રીટમેન્ટ અથવા સામાજિક કાર્યક્રમ માટે અમેરિકા જતા લોકો માટે છે. સામાન્ય રીતે આ વિઝાને B1/B2 વિઝા તરીકે એકસાથે ઈશ્યૂ કરવામાં આવે છે. તેનાથી અમેરિકામાં બિઝનેસ અને આનંદપ્રમોદની એક્ટિવિટી બંને એક સાથે કરી શકાય છે.
(3:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
