<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th November 2024

ફ્લાઈંગ સ્ક્વોડનો સપાટો થાણે જિલ્લામાં બિલ્ડરના બંગલો અને વૅનમાંથી રૂ.3.7 કરોડની રોકડ જપ્ત

નવી મુંબઈના નેરુલ વિસ્તારમાં આવેલા બંગલોમાં રેઇડ; ભિવંડીથી કલ્યાણ તરફ જઇ રહેલી કૅશ વૅનને બાપગાંવ ખાતે આંતરી રોકડ જપ્ત કરી

થાણે: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી અગાઉ થાણે જિલ્લાના સત્તાવાળાઓએ બિલ્ડરના બંગલો અને વૅનમાંથી 3.7 કરોડની રોકડ જપ્ત કરી હતી. 

  પોલીસે મળેલી માહિતીને આધારે સોમવારે રાતે નવી મુંબઈના નેરુલ વિસ્તારમાં આવેલા બંગલોમાં રેઇડ પાડી હતી અને 2.5 કરોડની રોકડ જપ્ત કરી હતી. આ નાણાંનો સ્રોત અને તે કોનાં છે તેની તપાસ કરવામાં આવી રહી છે.

દરમિયાન બીજા ઑપરેશનમાં ફ્લાઇંગ સ્કવોડે સોમવારે ભિવંડીથી કલ્યાણ તરફ જઇ રહેલી કૅશ વૅનને બાપગાંવ ખાતે આંતરી હતી.

સત્તાવાળાઓએ વૅનની તલાશી લેતાં તેમાંથી 1.2 કરોડની રોકડ મળી આવી હતી. વૅનમાં હાજર લોકો આ નાણાં અંગે સંતોષકારક પુરાવા આપી શક્યા નહોતા. આથી રોકડ જપ્ત કરવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી 20 નવેમ્બરે યોજાવાની છે અને 22 નવેમ્બરે પરિણામ જાહેર થશે.

(9:41 PM IST)