News of Wednesday, 13th November 2024
છેલ્લા ૫ વર્ષમાં લગ્ન વિચ્છેદ અને છુટા- છેડાના પ્રમાણમાં ૩૫ ટકા જેટલો વધારો
નવી જનરેશનમાં લગ્ન નહી કરવાનું વલણ વધતું જાય છે

નવી દિલ્હી, તા.૧૩: નેશનલ ફેમિલી હેલ્થ સર્વેનાં આંકડા અનુસાર ભારતમાં છેલ્લા ૫ વર્ષમાં પરણીતોમાં છુટા છેડા લેવાના પ્રમાણમાં ૩૫ ટકા જેટલો વધારો થયો છે. છેલ્લા કેટલાક વર્ષોથી સામાજિક સમસ્યાઓ વધતી જાય છે. ખાસ કરીને નવી જનરેશનમાં લગ્ન નહી કરવાનું વલણ વધતું જાય છે. યુવક-યુવતીઓ મોટા થઇ જાય છે પરંતુ લગ્ન અંગે વિચાર કરવાનું કે માતા પિતાને -તિક્રિયા આપવાનું ટાળે છે. સોશિયલ મીડિયામાં આને લઇને ખૂબ ચર્ચા ચાલે છે.
આજના ડિજિટલ યુગમાં અનેક પરિવર્તન આવ્યા છે જેમાં સામાજિક માળખામાં પણ ધરખમ ફેરફારો થયા છે. આજનું યુવાધન કોઇ પણ પ્રકારની રોક ટોક વગરનું બિંદાસ જીવન જીવવા ઇચ્છે છે. નેશનલ સ્ટેટેસ્ટિકસ ઓફિસ યૂથ ઇન ઇન્ડિયા ૨૦૨૨ના રિપોર્ટ અનુસાર ૨૩ ટકા યુવાઓ લગ્ન કરવા ઇચ્છુક ન હતા. યુવાઓ પહેલા પોતાની કારર્કિદીને મહત્વની ગણે છે. લગ્નના લીધે ખૂબ મહેનત કરીને ઉભી કરેલી કારર્કિદી રોળાઇ જવાની ચિંતા સતાવે છે. લગ્નને પોતાની સફળતા માટે અવરોધ રુપ સમજવા લાગ્યા છે. ફાયનાન્સિયલ સ્ટેબિલિટી પર ખૂબ ભાર મુકે છે.
નિષ્ણાતોનું માનવું છે કે એક સમય હતો કે દંપતિઓ મેળ મિલાપ ના હોયતો પણ આજીવન સાથે રહેતા હતા. સંતાનો માટે પણ પોતાનું લગ્ન જીવન ટકાવી રાખતા. આજના યુગમાં છુટા છેડા અને લગ્ન વિચ્છેદ વધી રહયા હોવાથી યુવક કે યુવતીઓ યોગ્ય પાત્રની રાહ જોવામાં ખૂબ સમય પસાર કરે છે. યોગ્ય પાત્ર ના મળે તો કુંવારા રહેવાનું વલણ ધરાવે છે પરંતુ લગ્ન જીવનમાં કોઇ દુખદ ક્ષણોની કલ્પના કરતા ડરે છે. માતા પિતા પણ આધુનિક વિચારધારામાં ઢળીને સંતાનની જીદને પુરી કરવાનું વલણ પસંદ કરે છે.
(9:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
