<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th November 2024

ભ્રામક જાહેરાત મૂકવામાં આવશે તો કોચિંગ સેન્ટરોની ખેર નહીં : કેન્દ્ર સરકારે નવી માર્ગદર્શિકા જાહેર કરી

કોચિંગ સેન્ટરોને 100 ટકા પસંદગી અથવા નોકરીની ગેરંટી જેવા ખોટા દાવાઓ સાથે જાહેરાત કરવાથી રોકવા માટે મોટું પગલું

નવી દિલ્હી :કેન્દ્ર સરકારે કોચિંગ સંસ્થાઓ દ્વારા ભ્રામક જાહેરાતોને રોકવા માટે બુધવારે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલી નવી માર્ગદર્શિકા અનુસાર, કોચિંગ સેન્ટરોને 100 ટકા પસંદગી અથવા નોકરીની ગેરંટી જેવા ખોટા દાવાઓ સાથે જાહેરાત કરવાથી રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.

    સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) એ આવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલા ખોટા દાવા અંગેની અનેક ફરિયાદો બાદ આ નિયમો તૈયાર કર્યા છે. રિપોર્ટ્સ અનુસાર, સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીની નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈન પર ઘણી ફરિયાદો મળી હતી, ત્યારબાદ આ ગાઈડલાઈન બનાવવામાં આવી હતી. 

     ઉપભોક્તા બાબતોના સચિવ નિધિ ખરેએ પત્રકારોને જણાવ્યું હતું કે, 'અમે જોયું છે કે કોચિંગ સેન્ટરો સંભવિત વિદ્યાર્થીઓ પાસેથી જાણી જોઈને માહિતી છુપાવે છે. તેથી, અમે કોચિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને માર્ગદર્શન આપવા માટે માર્ગદર્શિકા લઈને આવ્યા છીએ. તમને જણાવી દઈએ કે, માર્ગદર્શિકા જાહેર થયા બાદથી CCPAએ અત્યાર સુધીમાં 54 નોટિસ જારી કરી છે અને અંદાજે 54.60 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

   કન્ઝ્યુમર અફેર્સ સચિને વધુમાં જણાવ્યું હતું કે સરકાર કોચિંગ સેન્ટરોની વિરુદ્ધ નથી, પરંતુ જાહેરાતોની ગુણવત્તાથી ગ્રાહકના અધિકારોને નુકસાન ન થવું જોઈએ. જણાવ્યું હતું કે કોચિંગ સંસ્થાઓ પસંદગી પછી લેખિત સંમતિ વિના સફળ ઉમેદવારોના નામ અથવા ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરી શકશે નહીં.

   કોચિંગ સેન્ટરોએ અભ્યાસક્રમો, સમયગાળો, ફેકલ્ટી લાયકાત, ફી, રિફંડ પોલિસી, પસંદગી દર અને નોકરીની ગેરંટી સંબંધિત ગેરમાર્ગે દોરતી માહિતી આપવાનું ટાળવું જોઈએ. 'કોચિંગ' શબ્દમાં શૈક્ષણિક સહાય અને ટ્યુશનનો સમાવેશ થાય છે, પરંતુ કાઉન્સેલિંગ અને રમતગમતની પ્રવૃત્તિઓનો સમાવેશ થતો નથી 

  ખરેએ જણાવ્યું હતું કે સિવિલ સર્વિસ પરીક્ષાના ઘણા ઉમેદવારો પોતાની રીતે અભ્યાસ કરીને પ્રારંભિક અને મુખ્ય પરીક્ષાઓ પાસ કરે છે અને માત્ર ઇન્ટરવ્યુ માટે કોચિંગ સંસ્થાઓનું માર્ગદર્શન લે છે. તેમણે ઉમેદવારોને સલાહ આપી કે સફળ ઉમેદવારોએ ખરેખર કયા કોર્સમાં પ્રવેશ લીધો છે તે તપાસો.

(7:16 PM IST)