News of Thursday, 14th November 2024
મહામાનવનું મહાપ્રયાણ ટંકારાના ‘પદ્મશ્રી' દયાળજીભાઇ પરમાર (દયાળમુનિ)નું દુઃખદ અવસાન : ઘેરો શોક
મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ખાતે ચારેય વેદોનું ગુજરાતીમાં અનુવાદ કર્યુ હતું: સાંજે ૪ વાગ્યે અંતિમવિધી

(જયેશ ભટ્ટાસણા, ભાવિન સેજપાલ દ્વારા) ટંકારા, તા. ૧૪ : મોરબી જિલ્લાના ટંકારામાં રહેતા અને ચાર વેદનું ગુજરાતમાં ભાષાંતર કરનાર મહામાનવ પદ્મશ્રી દયાળજીભાઇ પરમાર (દયાળમુનિ)નું આજે બપોરે ટંકારા ખાતે અવસાન થતા ઘેરો શોક છેવાઇ ગયો છે. તેમના પાર્થિદેહને પુષ્પાજંલી અર્પણ કરવા માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમેટી રહ્યા છ. અકિલા પરિવારના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રાએ પણ સ્વ.પદ્મશ્રી દયાળજીભાઇ પરમારને પુષ્પાજંલી સાથે શ્રધ્ધાજંલી અર્પણ કરી હતી.
આજે સાંજે ૪ વાગ્યે તેમના નિવાસ્થાન લક્ષ્મી-નારાયણ સોસાયટી શેરી નં. ૧, પ્રણવ ભવન ખાતે થી તેમની અંતિમયાત્રા નીકળશે અને તેમના પાર્થિદેહને પંચમહાભૂતમાં વિલીન કરાશે.
દયાળજીભાઇ માવજીભાઇ પરમારને (આર્યસમાજ દીક્ષિત મુનિ દયાળ આર્ય નામે પરિચિત) સાડા પાંચ વર્ષ લાગ્યા. ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ અને યજુર્વેદના સંસ્કળતમાંથી ૨૦૩૯૭ મંત્રોનો ગુજરાતીમાં અનુવાદ કરી ૧૬ પુસ્તકો તૈયાર કરવાનું ઉત્તમ ખેડાણ તેમણે કર્યું છે. એટલું જ નહીં આ ઉપરાંત બીજા અનેક પુસ્તકો અને મહર્ષી દયાનંદ સરસ્વતી વિશે તેમજ આયુર્વેદ સાહિત્ય ઉપર વ્યાખ્યાન ચરકસંહિતા, સુશ્રળતસંહિતા, માધવનિદાન પર પણ અનેક પુસ્તકો તૈયાર કર્યા હતા.
વેદોનું ગુજરાતી ભાષાંતર કરનાર મહામાનવ ‘‘પદ્મશ્રી'' દયાળજીભાઈ પરમારની (દયાળ મુની ની) ગંભીર સ્થિતિ હોવાથી ટંકારાથી રાજકોટની સાર્થક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને હોસ્પિટલથી રજા આપીને ટંકારા લઈ જવામાં આવ્યા હતા. ત્યારે બાદ ટંકારા પહોંચતા જ તેઓ પરલોક સીધાવ્યા હતા.
આ અંગે રાજકોટની સાર્થક હોસ્પિટલના ડો. જીવાણીએ અકિલૉ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પદ્મશ્રી દયાજીભાઈ પરમારની ગઈકાલે તબિયત લથડતા તેમને અહીં લાવવામાં આવ્યા હતા અને સારવાર શરૂ કરવામાં આવી હતી તેમનું ઓક્સિજન લેવલ પણ ઘટી ગયું હતું અને ન્યુમોનિયા થઈ ગયો હતો ફેફસામાં પણ પાણી ભરાઈ ગયા હતા તેમ છતાં તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી અને દવા આપવામાં આવેલ હતી ત્યારબાદ આજે સવારે પદ્મશ્રી દયાજીભાઈ પરમારની ઈચ્છા મુજબ તેમને હોસ્પિટલમાંથી રજા આપીને ટંકારા લઈ જવામાં આવ્યા હતા.
(2:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
