તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 15th November 2024
ટમેટા અને ડુંગળી પછી ખાદ્યતેલના ભાવમાં ૮ ટકાનો વધારો
આ વખતે સામાન્ય માણસના રસોડાને ડબલ નહીં પણ ત્રણ ગણો ફટકો પડ્યો : જ્યાં કાંદા અને ટમેટાના ભાવે લોકોને પરેશાન કર્યા છે, ત્યાં જ ખાદ્યતેલના ભાવમાં પણ વધારો થયો : સામાન્ય માણસનું રસોડાનું બજેટ બગડયું

નવી દિલ્હી, તા.૧૫: ડુંગળી, ટામેટા અને લસણ બાદ ખાદ્યતેલમાં પણ સામાન્ય માણસનું રસોડાનું બજેટ ખોરવાઈ ગયું છે. ખાદ્યતેલના ભાવમાં એક મહિનામાં ૮ ટકાનો વધારો થયો છે. આવી સ્થિતિમાં લોકોને માસિક રાશન માટે વધુ બજેટ બનાવવું પડે છે. શાકભાજી પહેલેથી જ મોંઘા છે. ખાદ્ય ફુગાવાના કારણે ઓક્ટોબરમાં છૂટક મોંઘવારી ૧૪ મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે.
ગ્રાહક બાબતોના મંત્રાલયના ડેટા અનુસાર, ૧૪ ઓક્ટોબરે સીંગદાણા તેલની કિંમત ૧૯૩.૫૮ રૂપિયા પ્રતિ લિટર હતી. ગુરુવારે તે એક ટકા વધીને ૧૯૫.૫૯ રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો. સરસવનું તેલ ૨.૫ ટકા મોંઘુ થઈને ૧૬૭ રૂપિયા પ્રતિ લીટર અને વનસ્પતિ તેલ પાંચ ટકા મોંઘુ થઈને ૧૪૨ રૂપિયા પ્રતિ લીટર થયું છે.
સોયા તેલની કિંમત પાંચ ટકા મોંઘી થઈને ૧૪૧ રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. સૂર્યમુખી તેલ પણ પાંચ ટકા વધીને રૂ. ૧૪૦ થી રૂ. ૧૪૭ પ્રતિ લીટર થયું છે. પામ ઓઈલ સૌથી વધુ ૮ ટકા વધીને રૂ. ૧૨૦ થી રૂ. ૧૨૯ પ્રતિ લીટર થયું છે. તેલની સાથે સાથે ચા પણ મોંઘી થઈ ગઈ છે. તેની કિંમત ત્રણ ટકા વધીને રૂ.૨૭૧ પ્રતિ કિલો થઈ ગઈ છે. શાકભાજીના ભાવ ૩૦ થી ૮૦ રૂપિયા પ્રતિ કિલો છે. ડુંગળીનો ભાવ હજુ પણ ૭૦-૮૦ રૂપિયા પ્રતિ કિલો છે, જ્યારે બટાટાનો ભાવ ૩૦ રૂપિયા પ્રતિ કિલો છે.
આ મહિને પણ ડુંગળીના ભાવ ઊંચા રહેશે. ICICI બેંકના રિપોર્ટ અનુસાર નવેમ્બરમાં શાકભાજીના ભાવમાં ચાર ટકાનો ઘટાડો થઈ શકે છે, પરંતુ ડુંગળીના ભાવ ઉંચા જ રહેવાના છે.
શાકભાજીના ભાવ ૫૭ મહિનાના ઊંચા સ્તરેઃ નવેમ્બરમાં શાકભાજીના ભાવમાં ઘટાડો થયો હોવા છતાં, વાર્ષિક ધોરણે ભાવ હજુ પણ ઊંચા છે. ઓક્ટોબરમાં, તેમની કિંમતો ૪૨ ટકા વધીને ૫૭ મહિનામાં સૌથી વધુ છે.
ટમેટાં, બટેટા અને ડુંગળી જેવી જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં થયેલા વધારાને કારણે શાકભાજીના ભાવમાં એક વર્ષમાં ૬૫ ટકાનો વધારો થયો છે. એક વર્ષમાં ટામેટાના ભાવમાં ૧૬૧ ટકાનો વધારો થયો છે. બટાટા ૬૫% અને ડુંગળી ૫૨% મોંઘા થયા છે.(૨૩.૨)
(11:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
