<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th November 2024

વિશ્વભરમાં ડાયાબિટીસના ૮૨.૮ કરોડ દર્દીઓ : જેમાંથી ચોથા ભાગના ભારતીયો

૧૯૯૦થી ડાયાબિટીસનો વૈશ્‍વિક દર લગભગ ૭ ટકાથી વધીને ૧૪ ટકા થયો છે

નવી દિલ્‍હી, તા.૧૫: ૨૦૨૨માં વિશ્વભરમાં ડાયાબિટીસએ ૮૨.૮ કરોડ લોકોને તેનો શિકાર બનાવ્‍યા. આમાંથી ચોથા ભાગના ભારતીયો છે. વર્લ્‍ડ ડાયાબિટીસ ડે પર જારી કરાયેલા લેન્‍સેટ રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્‍યું છે કે ૨૦૨૨માં ભારતમાં લગભગ ૨૧.૨ કરોડ લોકો તેનાથી પીડિત હતા. NCD-RISC અનુસાર, ૧૯૯૦ના આંકડાની સરખામણીમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્‍યામાં ચાર ગણો વધારો થયો છે. જેમાં સૌથી વધુ યુવાનોના કેસમાં વધારો થયો છે.

સમગ્ર વિશ્વમાં ૪૪.૫ કરોડ ૩૦ વર્ષ અને તેથી વધુ વયના યુવાનો છે જેઓ ડાયાબિટીસથી પીડાયા બાદ યોગ્‍ય સારવાર મેળવી શકતા નથી. અભ્‍યાસ મુજબ, ૨૦૨૨ માં, વિશ્વભરમાં ૧૮ વર્ષથી વધુ ઉંમરના લગભગ ૮૨૮ મિલિયન લોકો ટાઇપ ૧ અને ટાઇપ ૨ ડાયાબિટીસથી પીડિત હતા. વર્લ્‍ડ હેલ્‍થ ઓર્ગેનાઈઝેશન (ડબ્‍લ્‍યુએચઓ) એ અગાઉ અનુમાન લગાવ્‍યું હતું કે આશરે ૪૨૨ મિલિયન લોકો ક્રોનિક ટીબીને કારણે સારવાર મેળવી રહ્યાં નથી, આંકડો વધી રહ્યો છે.

અભ્‍યાસમાં જણાવાયું છે કે ૧૯૯૦ થી ડાયાબિટીસનો વૈશ્વિક દર લગભગ ૭ ટકાથી વધીને ૧૪ ટકા થયો છે. ડાયાબિટીસના કેસોમાં સૌથી વધુ વધારો ઓછી અને મધ્‍યમ આવક ધરાવતા દેશોમાં થયો છે.

ભારતમાં ડાયાબિટીસના ૨૧ કરોડથી વધુ દર્દીઓ હોવાના લેન્‍સેટ રિપોર્ટના દાવા પર નિષ્‍ણાતો સવાલ ઉઠાવી રહ્યા છે. વાસ્‍તવમાં, ઈન્‍ડિયન કાઉન્‍સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના તાજેતરના અભ્‍યાસ અનુસાર, ૨૦૨૩માં ભારતમાં માત્ર ૧૦.૧ કરોડ ડાયાબિટીસના દર્દીઓ હશે. ICMRના ડેટા અનુસાર, પ્રી-ડાયાબિટીસના દર્દીઓની સંખ્‍યા ૧૩ કરોડથી વધુ છે.

 

(12:11 PM IST)