News of Saturday, 16th November 2024
હોસ્પિટલમાં ભયાનક આગ : ૧૦ નવજાત શિશુઓનાં મોત
ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઇ મેડિકલ કોલેજની ઘટના : ગઇ મોડી રાત્રે શિશુ વોર્ડમાં શોર્ટ સર્કિટને કારણે આગ : અફડાતફડી : ૩૯ને બચાવી લેવાયાઃ મુખ્યમંત્રી યોગીએ આપ્યા તપાસના આદેશો : સહાયની જાહેરાત : ઘટના સ્થળે કરૂણ દ્રશ્યો : માતા-પરિવારજનોનું હૈયાફાટ રૂદન

ઝાંસી, તા.૧૬: ગઇકાલે રાત્રે ઉત્તર પ્રદેશના ઝાંસીમાં મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજના નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ (NICU) માં લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા ૧૦ બાળકોના મોત થયા હતા. જ્યારે ૧૬ અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. શોર્ટ સર્કિટના કારણે આ અકસ્માત થયો હોવાનું માનવામાં આવે છે. આગના કારણે હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પરિવારજનો અને દર્દીઓ જીવ બચાવવા દોડવા લાગ્યા હતા, પરિણામે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને ૩૯ બાળકોને સુરક્ષિત બહાર કાઢયા હતા. અકસ્માત સમયે એનઆઈસીયુમાં કુલ ૫૪ બાળકો દાખલ કરાયેલા હતા. મૃતકના પરિવારોને ૫ લાખ તથા ઘાયલના સ્વજનોને ૫૦,૦૦૦ની સહાયની જાહેરાત થઇ છે.
ઝાંસીના જિલ્લાઅધિકારી અવિનાશ કુમારે જણાવ્યું કે, આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોઈ શકે છે. આ સમગ્ર મામલાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટનાને ને ‘હૃદયસ્પર્શી' ગણાવી હતી અને ઘાયલોને શ્રેષ્ઠ તબીબી સંભાળ પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો હતો. તેમજ એક્સ પર પોસ્ટ કરી લખ્યું છે કે, ઝાંસી જિલ્લાની મેડિકલ કોલેજના એનઆઈસીયુમાં અકસ્માતમાં બાળકોનું મોત અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક છે. જિલ્લા મેજિસ્ટ્રેટ અને સંબંધિત અધિકારીઓને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા સૂચના આપવામાં આવી છે. હું ભગવાન શ્રી રામને મળત આત્માઓને શાંતિ અને ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની -ાર્થના કરું છું.ૅ મુખ્યમંત્રીએ ૧૨ કલાકની અંદર ડિવિઝનલ કમિશનર અને પોલીસ નાયબ મહાનિરીક્ષક (ડીઆઈજી) પાસેથી વિગતવાર અહેવાલ માંગ્યો છે.
મુખ્યમંત્રીના નિર્દેશ પર ડેપ્યુટી સીએમ બ્રિજેશ પાઠક અને આરોગ્ય સચિવ પાર્થ સારથી સેન શર્મા મોડી રાત્રે ઝાંસી જવા રવાના થયા હતા. જિલ્લા મેજિસ્ટ્રેટ, વરિષ્ઠ પોલીસ અધિક્ષક (SSP) સુધા સિંઘ અને નાયબ પોલીસ મહાનિરીક્ષક (DIG) સહિત ઘણા વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. એસએસપી સુધા સિંહે કહ્યું કે, ઘાયલ ૧૬ બાળકોની સારવાર ચાલી રહી છે અને તેમને બચાવવા માટે દરેક શકય પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તમામ ડોકટરો અને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ છે.
ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠકે ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજના નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ (SNCU વોર્ડ)માં શુક્રવારે ફાટી નીકળેલી ભીષણ આગમાં કેટલાંક નવજાત બાળકોના મળત્યુ અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. તેણે તેને ખૂબ જ દુઃખદ અને હૃદયદ્રાવક ઘટના ગણાવી.
પ્રાથમિક તપાસમાં અકસ્માતનું કારણ શોર્ટ સર્કિટ માનવામાં આવી રહ્યું છે. એસએસપીએ જણાવ્યું હતું કે, ‘આગ કયા સંજોગોમાં કે બેદરકારીના કારણે લાગી તેની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે.' તેમણે એમ પણ જણાવ્યું કે અકસ્માત બાદ કેટલાક માતા-પિતા તેમના બાળકોને ઘરે લઈ ગયા હતા. એનઆઈસીયુમાં દાખલ બાળકોની સ્થિતિની ચકાસણી કરવામાં આવી રહી છે. મેડિકલ કોલેજે કહ્યું કે અકસ્માત સમયે ૫૨ થી ૫૪ બાળકોને એનઆઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી ૧૦ના મોત થયા હતા અને ૧૬ની સારવાર ચાલી રહી છે.
૧૯૬૮માં શરૂ થયેલી આ સરકારી મેડિકલ કોલેજ બુંદેલખંડ પ્રદેશની સૌથી મોટી હોસ્પિટલોમાંની એક છે. ઘટના બાદ રાત્રે ૧ વાગ્યા સુધીમાં NICUમાં બચાવ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ કહ્યું કે, ઘટના સાથે જોડાયેલા તમામ તથ્યોની તપાસ કર્યા બાદ રિપોર્ટ સાર્વજનિક કરવામાં આવશે.(૨૩.૬)
ઝાંસીની હોસ્પિટલમાં ૧ વોર્ડમાં ૭૦ નવજાત શિશુ હતાં : ૧ બેડ પર ૬-૬ બાળકો હતા
૨૫ને જીવતા બચાવનાર દેવદુધે ઘટના વર્ણવી
ઝાંસી, તા.૧૬: યુપીના ઝાંસીમાં મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજના શિશુ (NICU) વોર્ડમાં શુક્રવારે મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. આગની આ ઘટનાએ મેડિકલ કોલેજની વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે. આ ઘટનામાં આગના કારણે ૧૦ બાળકોના મોત થયા હતા. ઘટનાના એક પ્રત્યક્ષદર્શીએ સમગ્ર સત્ય જણાવ્યું. કિરપાલ સિંહ રાજપૂતે જણાવ્યું કે જે વોર્ડમાં આગ લાગી હતી ત્યાં તેમના પૌત્રને દાખલ કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે શોર્ટ સર્કિટના કારણે રાત્રે ૧૦ વાગ્યે અચાનક આગ લાગી હતી.
ક્રિપાલ સિંહ રાજપૂતે જણાવ્યું કે જ્યારે તેઓ વોર્ડમાં પહોંચ્યા ત્યારે એક બેડ પર ૬ બાળકો હતા. સ્થિતિ ભયાનક હતી. તેણે પોતે ૨૦ થી ૨૫ બાળકોને બહાર કાઢયા હતા. તેણે દાવો કર્યો હતો કે ૧૦થી વધુ બાળકો બળીને રાખ થઈ ગયા હતા. એ પણ જણાવ્યું કે તે પોતાના બાળકને જોવા ગયો હતો.
તેણે કહ્યું કે ઘણા બાળકો ખરાબ રીતે દાઝી ગયા હતા. આ સાથે પીડાતા હતા. વોર્ડમાં ૫૪ જેટલા બાળકોને દાખલ કરાયા હતા. આવી સ્થિતિમાં મેડિકલ કોલેજમાં ૧૮ બેડ પર ૫૪ બાળકોની સારવારની ઘટનાએ અહીંની વ્યવસ્થા પર અનેક સવાલો ઉભા કર્યા છે.
ફાયર સેફ્ટીની યોગ્ય વ્યવસ્થાના અભાવે આ ભયાનક સ્થિતિ સર્જાઈ હતી. ઘણા બાળકોને બારીમાંથી બહાર ફેંકી દેવા પડ્યા હતા. ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠકે ઝાંસીની મુલાકાત લીધી છે. તેમણે વિભાગીય, મેજિસ્ટ્રેટ અને રાજ્ય સ્તરે તપાસની વાત કરી છે. તેમણે એમ પણ કહ્યું કે જો કોઈ બેદરકારી દાખવશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પીડિતોને આર્થિક રકમ પણ આપવામાં આવશે.(૨૩.૬)
ઝાંસી અગ્નિકાંડ : જીંદગી માટે મોત સામે ઝઝુમી રહયા છે ૧૬ નવજાત શિશુ
ICU બહાર પ્રાર્થના અને આશા-ઉમ્મીદ સાથે સગાવ્હાલાઓ
ઝાંસી, તા.૧૬: ઝાંસી મેડિકલ કોલેજના બાળકોના વોર્ડમાં આગ ફાટી નીકળ્યા બાદ ઓછામાં ઓછા ૧૦ બાળકોના મોત થયા છે જ્યારે ૧૬ અન્ય ઘાયલ થયા છે અને તેઓ જીવન સામે લડી રહ્યા છે. જિલ્લા અધિકારી અવિનાશ કુમારે જણાવ્યું હતું કે મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજના નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ (NICU) માં શુક્રવારે રાત્રે ૧૦.૪૫ વાગ્યે આગ લાગી હતી,
ડીએમએ કહ્યું કે જે બાળકો એનઆઈસીયુની બહાર હતા તેઓને બચાવી લેવામાં આવ્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ ૧૦ બાળકોના મોતની માહિતી છે. ઓછા ગંભીર દર્દીઓને NICU ના બહારના ભાગમાં દાખલ કરવામાં આવે છે જ્યારે વધુ ગંભીર દર્દીઓને અંદરના ભાગમાં રાખવામાં આવે છે.
વરિષ્ઠ પોલીસ અધિક્ષક (એસએસપી) ઝાંસી સુધા સિંહે જણાવ્યું કે આ ઘટનામાં ઘાયલ અન્ય ૧૬ બાળકોની સારવાર ચાલી રહી છે. ઘટના સમયે એનઆઈસીયુમાં ૫૦થી વધુ બાળકો દાખલ હતા. ઝાંસી પોલીસે સોશિયલ મીડિયા પર એક સંક્ષિપ્ત નિવેદનમાં જણાવ્યું હતું કે ફાયર બ્રિગેડ સ્થળ પર દોડી આવી હતી જ્યારે વરિષ્ઠ જિલ્લા અધિકારીઓ પણ મેડિકલ કોલેજ પહોંચ્યા હતા.
નજીકના મહોબા જિલ્લામાં રહેતા એક દંપતી તેમના નવજાત બાળકના મળત્યુથી આઘાતમાં છે. માતાએ પત્રકારોને જણાવ્યું કે બાળકનો જન્મ ૧૩ નવેમ્બરે સવારે ૮ વાગ્યે થયો હતો. શોકગ્રસ્ત માતાએ જણાવ્યું હતું કે તેના બાળકે આગમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો.
મેડિકલ કોલેજના કથિત દ્રશ્યોમાં ગભરાયેલા દર્દીઓ અને તેમના એટેન્ડન્ટ્સ બહાર દોડી આવતા દર્શાવવામાં આવ્યા હતા જ્યારે કેટલાક પોલીસકર્મીઓ બચાવ અને રાહત પગલાંમાં મદદ કરી રહ્યા હતા.
(10:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
