<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th November 2024

કાશીમાં જોવા મળ્‍યો દેવલોક જેવો નજારો : ૨૦ લાખ દીવાથી ૮૪ ઘાટ ઝગમગ્‍યા

મહાઆરતી આકર્ષણનું કેન્‍દ્રઃ દેવદિવાળીની ધામધૂમથી ઉજવણીઃ અદભૂત આતિશબાજી : સાંસ્‍કૃતિક કાર્યક્રમો : ફૂલોનો શણગાર :શ્રધ્‍ધાળુઓની ભીડ ઉમટી : ચારેકોર હર હર મહાદેવનો નાદ ગુંજ્‍યો

 

કાશી, તા.૧૬: વારાણસીઃ કાર્તિક પૂર્ણિમાના દિવસે બનારસમાં દેવ દિવાળીની શાનદાર ઉજવણી જોવા મળી હતી. જેમ જેમ સાંજ આવતી ગઈ તેમ તેમ ગંગાના કિનારે દીવાઓની અસંખ્‍ય માળા પ્રગટાવવામાં આવી અને એવું લાગતું હતું કે જાણે આખી દુનિયા કાશી પર આવી ગઈ હોય. જેણે પણ આ અદભૂત નજારો જોયો તે તેને જોતો જ રહ્યો. ગંગાના બંને કિનારે ૧૭ લાખ દીવા પ્રગટાવવામાં આવ્‍યા હતા. વાઇસ પ્રેસિડેન્‍ટ જગદીપ ધનખર અને યુપીના સીએમ યોગી આદિત્‍યનાથે વારાણસીના નમો ઘાટ પર દીપ પ્રગટાવીને આ લાઇટ ફેસ્‍ટિવલનું ઉદઘાટન કર્યું. ત્‍યારબાદ તમામ ૮૪ ઘાટો પર લાખો દીવા પ્રગટાવવામાં આવ્‍યા હતા. ઘાટ ઉપરાંત પ્રવાસીઓ ગંગાની ગોદમાંથી આ અદ્ભુત નજારો જોતા જ રહ્યા. આ અદભૂત તમાશો જોનાર દરેક વ્‍યક્‍તિ આ સુંદર ક્ષણને પોતાના મોબાઈલમાં કેદ કરતો જોવા મળ્‍યો હતો.

કાશીમાં દેવ દિવાળીના આ સુંદર દ્રશ્‍યને જોવા માટે બપોરથી જ ઘાટ પર પ્રવાસીઓની ભીડ જામવા લાગી હતી. અસ્‍સી, શિવાલા, કેદારઘાટ, દશાશ્વમેધ, રાજેન્‍દ્ર પ્રસાદ, લલિતા ઘાટ અને અન્‍ય ઘાટ પર ૩ વાગ્‍યે ભારે ભીડ જોવા મળી હતી.

કાશીના દેવ દિવાળી પર પ્રકાશના તહેવારની સાથે સાથે માતા ગંગાની ભવ્‍ય મહા આરતી પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્‍દ્ર બની હતી. દશાશ્વમેધ ઘાટ ખાતે ગંગોત્રી સેવા સમિતિ અને ગંગા સેવા નિધિના ૨૧ બટુકો અને ૪૨ કન્‍યાઓએ માતા ગંગાની આરતી કરી હતી. આસી ઘાટ ખાતે જય મા સેવા સમિતિ દ્વારા મહા આરતીનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં હજારો લોકોએ ભાગ લીધો હતો.

(12:19 PM IST)