News of Saturday, 16th November 2024
ભગવાનજીભાઇ દુમાદીયા અને ઉમેશભાઇ ભટ્ટના હૃદય બેસી જતાં મૃત્યુ
ઘરે બેભાન થયા બાદ ચોટીલાના પ્રોૈઢે રાજકોટ સિવિલમાં, ગાંધીગ્રામના પ્રોૈઢે ખાનગી હોસ્પિટલમાં દમ તોડયોઃ પરિવારજનોમાં ગમગીની

રાજકોટ તા. ૧૬: હૃદય રોગના હુમલાથી વધુ બે મૃત્યુ થયા છે. ચોટીલાના પ્રોૈઢ વહેલી સવારે ઘરે ઢળી પડતાં રાજકોટ ખસેડાયા હતાં. પરંતુ દમ તોડી દીધો હતો. બીજા બનાવમાં ગાંધીગ્રામમાં રહેતાં પ્રોૈઢનું પણ હાર્ટએટેકથી મૃત્યુ થયું હતું.
જાણવા મળ્યા મુજબ ચોટીલા ચામુંડા ટાઉનશીપમાં રહેતાં ભગવાનજીભાઇ લાખાભાઇ દુમાદીયા (ઉ.વ.૫૨) વહેલી સવારે પાંચેક વાગ્યે ઘરે બેભાન થઇ જતાં ચોટીલા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃત્યુ પામનાર ખેત મજૂરી કરતાં હતાં અને ત્રણ ભાઇ તથા બે બહેનમાં મોટા હતાં. સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે.
બીજા બનાવમાં રાજકોટ ગાંધીગ્રામ ૧૫૦ રીંગ રોડ યસ કોમ્પલેક્ષ પાસે બ્લોક નં. ૩માં રહેતાં ઉમેશભાઇ નવીનચંદ્ર ભટ્ટ (ઉ.વ.૫૪) ઘરે ઢળી પડયા બાદ બેભાન હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ મૃત્યુ થયું હતું. હાર્ટએટેક આવી ગયાની શક્યતા જણાવાઇ હતી. ગાંધીગ્રામના પીએસઆઇ પી. બી. વારોતરીયા અને ઉમેશભાઇએ કાર્યવાહી કરી હતી.
બેભાન હાલતમાં સંજયભાઇ અને ધર્મેશભાઇના મૃત્યુ
અન્ય બે ઘટનામાં બેભાન હાલતમાં બે મૃત્યુ થયા હતાં. કોઠારીયા રોડ ખોખડદળ પાસે વેલનાથમાં રહેતાં સંજયભાઇ પરષોત્તમભાઇ અઘોલા (ઉ.વ.૩૮) રાતે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તે ત્રણ ભાઇમાં નાનો હતો અને છુટક કામ કરતો હતો.
જ્યારે કોઠારીયા રોડ હાપલીયા પાર્ક બ્લુ સ્કાય બિલ્ડીંગમાં રહેતો ધર્મેશભાઇ દિનેશભાઇ દલાલ (ઉ.વ.૩૯)ને કિડનીની બિમારી હોઇ રાજકોટ સિવિલથી અમદાવાદ અને ત્યાંથી ફરી રાજકોટ સિવિલમાં ખસેડાયેલ. પરંતુ અહિ રાતે મૃત્યુ થયું હતું. તે બે બહેનના ઍકના ઍક ભાઇ હતાં. સંતાનમાં ઍક પુત્ર છે. બંને બનાવમાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, તોફિકભાઇ જુણાચે આજીડેમ પોલીસને જાણ કરી હતી.
(2:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
