News of Saturday, 16th November 2024
મહાકુંભ ૨૦૨૫માં AI અને ચેટબોટ જેવી અત્યાધુનિક ટેકનોલોજીનો કરાશે ઉપયોગ : શ્રદ્ધાળુઓને વિશ્વસ્તરીય સુવિધાઓ મળશે
પહેલીવાર મહાકુંભ માટે વિકસિત કરવામાં આવી રહ્યું છે : ‘કુંભ સહાયક' નામક ચેટબોટ : ભાવીકોલ ૧૦થી વધુ ભાષાઓમાં લખી-બોલીને માહિતી મેળવી શકશે

લખનઉ, તા.૧૬: મહાકુંભ ૨૦૨૫ દેશની વિરાસત અને વિકાસના વિઝનનું સૌથી મોટું ઉદાહરણ બની રહ્યો છે. એક બાજુ મહાકુંભ વિશ્વની પ્રાચીનતમ સનાતન પરંપરાઓનો વાહક છે, તો બીજી બાજુ તે આધુનિક ટેકનોલોજી સાથે જોડાઇને વિકાસનું પ્રમાણ પણ બની રહ્યો છે. આનું પ્રત્યક્ષ ઉદાહરણ છે આગામી વર્ષે યોજાનારો મહાકુંભ, જે AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) અને ચેટબોટ જેવી અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગથી શ્રદ્ધાળુઓને વિશ્વસ્તરીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે.
મહાકુંભ ૨૦૨૫માં પહેલી વખત AI જનરેટિવ ચેટબોટ 'Kumbh Sah'AI'yak' (કુંભ સહાયક) વિકસિત કરવામાં આવી રહ્યું છે, જે ભાષિણી એપની મદદથી ગુજરાતી સહિત દસથી વધુ ભાષાઓમાં લખીને બોલીને શ્રદ્ધાળુઓને મહાકુંભ સાથે સંકળાયેલી તમામ માહિતી ઉપલબ્ધ કરાવશે. આ ચેટબોટ ગૂગલ નેવિગેશન, ઇન્ટરેક્ટિવ કન્વર્ઝેશન તેમજ વ્યક્તિગત GIFની સુવિધાઓથી સજ્જ હશે.
એડિશનલ ફેર ઓફિસર વિવેક ચતુર્વેદીએ જણાવ્યું કે મહાકુંભમાં પહેલીવાર ‘કુંભ સહાયક' નામક ચેટબોટ વિકસિત કરવામાં આવી રહ્યું છે, જે વિશ્વની અત્યાધુનિક ટેકનોલોજી જનરેટિવ AI આધારિત છે. આ ચેટબોટ મહાકુંભ ૨૦૨૫ એપ અથવા વ્હોટ્સએપ દ્વારા સંચાલિત થશે. મહાકુંભ દરમિયાન આ ચેટબોટ તમારા વ્યક્તિગત માર્ગદર્શક તરીકે કાર્ય કરશે.
કુંભ સહાયક ચેટબોટ ગૂગલ નેવિગેશનની સુવિધા પણ પ્રદાન કરશે, જેના માધ્યમથી મહાકુંભ વિસ્તારમાં સેક્ટર, અખાડા, કલ્પવાસના ટેન્ટ, તાાનઘાટના રસ્તાઓનું નેવિગેશન પણ મળી શકશે. આ ચેટબોટ મહાકુંભ વિસ્તાર ઉપરાંત પ્રયાગરાજ શહેરના મુખ્ય દાર્શનિક સ્થળો, મંદિરો, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડના રસ્તાઓ પણ બતાવશે. ઉપરાંત, તે મહાકુંભમાં થનારા વિવિધ આયોજનોની જાણકારી પણ સમય-સમય પર આપતું રહેશે.
ચેટબોટ સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત ટુર-ટ્રાવેલ યાત્રા પેકેજ અને હોટલો તેમજ હોમસ્ટેના નામ અને સરનામાની પણ જાણકારી આપશે. આમ, કુંભ સહાયક ચેટબોટ મહાકુંભ દરમિયાન તમારા વ્યક્તિગત માર્ગદર્શક તરીકે કાર્ય કરશે. વ્યક્તિગત GIF દ્વારા તે તમારી સાથે વાતચીત પણ કરશે. આ ચેટબોટ દેશના વિવિધ ખૂણેથી આવતા અને વિવિધ ભાષાઓ બોલતા નાગરિકો તેમજ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને પણ વિશેષ સુવિધા પૂરી પાડશે. આમ, આ ચેટબોટ સીએમ યોગીના સરળ અને સુરક્ષિત મહાકુંભના લક્ષ્યને સાકાર કરવામાં સહાય સાબિત થશે.
(3:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
