News of Sunday, 17th November 2024
મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા હવે નાગપુરમાંથી 14 કરોડનું સોનું પકડાયુઃ ગુજરાતના લોજિસ્ટિક્સમાં લઈ જવાતું હતું
મતદાન પૂર્વે ચૂંટણીપંચની ફ્લાઈંગ સ્ક્વોડની મોટી કાર્યવાહીઃ ગઈકાલે મુંબઈમાંથી 80 કરોડની ચાંદી ઝડપાઈ હતી

નાગપુર : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સમગ્ર રાજ્યમાં પોલીસ અને તપાસ એજન્સીઓ એલર્ટ પર છે. ચૂંટણી આચારસંહિતા લાગુ થયા બાદ રોકડ, સોનું અને અન્ય સંપત્તિના પરિવહન પર નજર રાખવામાં આવી રહી છે. આ સંદર્ભે મુંબઈમાં 80 કરોડની ચાંદી બાદ હવે નાગપુરમાં 14 કરોડથી વધુની કિંમતનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે 20 નવેમ્બરે મતદાન થવાનું છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને તપાસ એજન્સીઓ અને પોલીસ રાજ્યમાં થઈ રહેલી ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી રહી છે.
સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, એક અધિકારીએ જણાવ્યું હતું કે જ્વેલરી અને બિસ્કિટના રૂપમાં સોનું ગુજરાત સ્થિત કંપની સિક્વલ લોજિસ્ટિક્સ દ્વારા પરિવહન કરવામાં આવી રહ્યું હતું. ટીમ રસ્તામાં ચેકિંગ કરી રહી હતી ત્યારે વાહન પકડાયું હતું. આ શિપમેન્ટ ગુરુવારે ફ્લાઇટ દ્વારા નાગપુર પહોંચ્યું, ત્યારબાદ તેને અમરાવતી મોકલવામાં આવી રહ્યું હતું.
અધિકારીએ જણાવ્યું કે અંબાઝારી તળાવથી વાડી તરફ જતી વખતે વાહન અટકાવવામાં આવ્યું હતું. સોનું કબજે કરી અંબાઝરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યું હતું. જ્યારે તેની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે સિક્વલ લોજિસ્ટિક્સ પાસે ચૂંટણીના વાતાવરણમાં આટલી મોટી માત્રામાં સોનું લઈ જવા માટે ચૂંટણી પંચની પરવાનગી નથી.
નાગપુરમાં ફ્લાઈંગ સ્ક્વોડની ટીમે જે સોનું જપ્ત કર્યું હતું તે જ્વેલરી અને બિસ્કિટના રૂપમાં હતું. સોનાનું આ કન્સાઈનમેન્ટ ફ્લાઈટ દ્વારા નાગપુર પહોંચ્યું હતું. આ સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રમાં 15 ઓક્ટોબરથી આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. 20મી નવેમ્બરે મતદાન બાદ 23મી નવેમ્બરે વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થશે.
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
