<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th November 2024

અમિતભાઇ મણિપુર હિંસાને કારણે મહારાષ્‍ટ્રમાં ચૂંટણી પ્રચાર અધુરો છોડી દિલ્‍હી પહોંચ્‍યા

આજની તેમની તમામ જાહેર સભાઓ –બેઠકો રદ્દઃ સ્‍મૃતિ ઇરાની અને શિવરાજસિંહ હવે ર-ર જાહેરસભમા સંબોધશે

મુંબઇઃ  કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતભાઇ શાહે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 માટે આજે (17 નવેમ્બર 2024) યોજાનારી તેમની જાહેર સભાઓ અને બેઠકો રદ કરી છે. તેમણે તમામ બેઠકો રદ કરી અને નાગપુર છોડી દીધું. ગઢચિરોલી, વર્ધા અને નાગપુર જિલ્લામાં કાટોલ અને સાવનેરમાં તેમની ચારેય બેઠકો રદ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મણિપુરમાં બનેલી ઘટનાને કારણે  શાહનો કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે.

આ પહેલા અમિતભાઇ  શાહ આજની ચાર બેઠકો માટે જ નાગપુર પહોંચ્યા હતા. તે નાગપુરની રેડિસન બ્લુ હોટલમાં રોકાયા હતા. તેઓ આજે સવારે 11 વાગ્યે જાહેર સભા માટે ગઢચિરોલી જવા રવાના થવાના હતા, પરંતુ અચાનક જ તેમની મુલાકાત રદ કરવામાં આવી હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

સૂત્રોનું માનીએ તો મણિપુરની ઘટનાને કારણે અમિતભાઇ શાહ અચાનક જ પોતાના તમામ રાજકીય કાર્યક્રમો રદ કરીને દિલ્હી પરત ફર્યા છે. તેમની ગેરહાજરીમાં સ્મૃતિ ઈરાની અને શિવરાજ સિંહ ચૌહાણની એક જ જગ્યાએ અને એક જ સમયે રેલી થશે અને આ બંને નેતાઓ જનતાને સંબોધશે. અમિત શાહની ચાર બેઠકોમાંથી 2 સ્મૃતિ ઈરાની અને 2 બેઠક શિવરાજ સિંહ ચૌહાણ કરશે.

(2:23 PM IST)