<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th November 2024

રાહુલ ગાંધી બાદ હવે શરદ પવારની બેગની તપાસ થતા એમવીએ નેતાઓએ ફરી વખત ઉઠાવ્યા સવાલ

શરદ પવાર સોલાપુરના કરમાલામાં ચૂંટણી રેલીમાં ભાગ લેવા જ્યારે બારામતી હેલિપેડ પર પહોંચ્યા ત્યારે તેમની બેગની ચકાસણી થઇ

મુંબઈઃ ૨૦ નવેમ્બરે મહારાષ્ટ્રમાં યોજાઈ રહેલી વિધાનસભા ચૂંટણીમાં અનેક મુદ્દાઓની સાથે આ વખતે બેગની તપાસનો મુદ્દો પણ જોરશોરથી ગાજી રહ્યો છે. ઉદ્ધવ ઠાકરે દ્વારા બેગ તપાસના મુદ્દાને પહેલા ઉછાળવામાં આવ્યા બાદ સત્તાપક્ષ અને વિપક્ષના અનેક નેતાઓની બેગ તપાસના સમાચારો સામે આવ્યા છે.

આ મામલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી પણ બાકાત રહ્યા નથી અને હવે મહારાષ્ટ્રના રાજકારણના ખેલાડી શરદ પવારની બેગ તપાસનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. શરદ પવારના સહયોગીએ જણાવ્યું કે શરદ પવાર સોલાપુરના કરમાલામાં ચૂંટણી રેલીમાં ભાગ લેવાના હતા. જ્યારે તેઓ બારામતી હેલિપેડ પર પહોંચ્યા ત્યારે તેમની બેગની ચકાસણી કરવામાં આવી હતી. શોધખોળ બાદ પવાર સાહેબ હેલિકોપ્ટરમાં બેસીને રેલી માટે રવાના થયા.

બીજી તરફ શનિવારે અમરાવતી જિલ્લામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની બેગની પણ તલાશી લેવામાં આવી હતી, જેના કારણે આવી કાર્યવાહી પર વધુ સવાલો ઉઠી રહ્યા છે. રાજ્યના પૂર્વ મંત્રી અને ટેઓસાના કોંગ્રેસના ધારાસભ્ય યશોમતી ઠાકુરે ચૂંટણી અધિકારીઓની કાર્યવાહી પર સવાલો ઉઠાવ્યા છે.

તેમણે પૂછ્યું હતું કે શું વડા પ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી શાહ કે મુખ્યમંત્રી એકનાથ શિંદેની બેગની તપાસ કરવામાં આવી રહી છે ખરી? ઉદ્ધવ ઠાકરે પણ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર વીડિયો શેર કરીને આવો સવાલ પહેલા ઉઠાવી ચુક્યા છે.


 

(10:06 PM IST)