<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th November 2024

જામનગર રોડ હોટેલમાં ધમાલઃ ડે. મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા (ટીકુભા) અને અને સન્‍નીપાજી વચ્‍ચે ઝપાઝપીઃ હોટેલમાં તોડફોડઃ ઘરમેળે સમાધાન

ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજાને આંગળીમાં ઇજાઃ અમદાવાદમાં શસ્ત્ર ક્રિયાઃ શહેરભરમાં ચકચાર :સન્‍નીપાજી ઉર્ફ અમનવીરસિંઘે પોલીસમાં નિવેદન લખાવ્‍યું-ત્રણ જણા જમવા આવ્‍યા હોઇ તેનું બીલ નહિ લેવા વિજય ગઢવીનો ફોન આવેલોઃ પણ બીલ લેવાઇ ગયુ હતું: પછી નરેન્‍દ્રસિંહ જાડેજા-ટીકુભાએ ફોન કરી કહેલુ કે-હું તારી હોટલે આવુ છુ, હોટલ બંધ કરાવવી છેઃ પછી નરેન્‍દ્રસિંહ, રવિરાજસિંહ સહિતનાએ આવી ઝઘડો કર્યોઃ ઝપાઝપી થઇ, ઢીકાપાટુ માર્યાઃ ૧૦૦ નંબરમાં કોઇએ જાણ કરતાં ગાડી આવતાં હું પોલીસ સ્‍ટેશને આવ્‍યોઃ સામેવાળા મારા મિત્ર હોઇ સમાધાનની વાત થઇ ગઇ છે, કોઇ ફરિયાદ કરવી નથીઃ મને મિત્ર લેવા આવતા હોઇ મરજીથી પોલીસ સ્‍ટેશને રોકાયો છું : શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ પણ ઘટનામાં કોઈ મોટો ઇસ્‍યુ નહીં હોવાનું અને માત્ર આંગળીમાં ઇજા હોઈ અમદાવાદ લઈ ગયાનું જણાવ્‍યું: નરેન્‍દ્રસિંહના પરિવારજનોએ પણ મોટી ઘટના નહિ હોવાનું જણાવેલ છે

રાજકોટ તા. ૧૮: ભાજપના અગ્રણી અને ડેપ્‍યુટી મેયર શ્રી નરેન્‍દ્રસિંહ જાડેજા (ટીકુભા) અને તેમના ભાઈ શ્રી રવિરાજસિંહ જાડેજા ઉપર જામનગર રોડ પર હુમલો થયાના સમાચારો સોશિયલ મીડિયામાં વહેતા થતાં શહેરભરમાં ચકચાર જાગી છે. મોડી રાત્રે ઘટના બની હોવાની ચર્ચા વચ્‍ચે સન્ની પાજીએ હુમલો કર્યાની પણ વાતો વહેતી થઈ છે, જો કે પોલીસમાં આ મામલે ગુનો દાખલ થયો નથી. પણ પોલીસ કન્‍ટ્રોલ રૂમમાં સન્‍ની પાજી તરફથી જ માથાકુટનો ફોન આવ્‍યો હોઇ પોલીસે તપાસ કરી હતી. સન્‍ની પાજીને પણ નિવેદન માટે બોલાવાયાનું આધારભુત સુત્રોએ કહ્યું હતું. જો કે તેમના તરફથી પણ કોઇ ફરિયાદ નોંધાવાઇ નથી.

જાણવા મળ્‍યા મુજબ ડેપ્‍યુટી મેયરના ભાઈ રવિરાજસિંહના કહેવા મુજબ આ પ્રકારની કોઈ ઘટના બની નથી અમે  કોઈ ફરિયાદ નોંધાવી નથી, આ બાબતે અમે ઓફિશીયલ રદિયો આપીએ છીએ. જો કે ઘટના બાબતે શહેરમાં ખૂબ ચર્ચા જાગી છે. સારવાર માટે બંને ભાઈઓને અમદાવાદ ઝાયડસ લઈ ગયાના અને આંગળી ઉપર સામાન્‍ય શષાક્રિયા કર્યાના અહેવાલો પણ સોશિયલ મીડિયામાંપ પ્રસારિત થયા છે;

શહેર ભાજપ પ્રમુખ શ્રી મુકેશ દોશીએ પણ ઘટનામાં કોઈ મોટો ઇસ્‍યુ નહીં હોવાનું અને માત્ર આંગળીમાં ઇજા હોઈ અમદાવાદ લઈ ગયાનું પણ ચર્ચાઈ રહ્યું હોવાનું જણાવ્‍યું હતું.  આ ઘટનાના અહેવાલો સોશિયલ મીડિયામાં પ્રસારિત થતા સમગ્ર ઘટના ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે.

સન્‍નીપાજીએ પોલીસમાં કરાવેલી નોંધની વિગતો

દરમિયાન પોલીસ સ્‍ટશનમાં થયેલી પ્રાથમિક નોંધની વિગતો જોઇએ તો તે આ મુજબ છે-પ્રો પીએસઆઇ ટી. ડી. જાડેજાએ લેખીત રિપોર્ટ આપી જણાવ્‍યું છે કે રાતે અમારી ઇન્‍વેસ્‍ટીગેશન સ્‍ટાફમાં નોકરી હોઇ જેથી રાતે ૧૨:૨૫ કલાકે પીસીઆર નં. ૧૭ના ઇન્‍ચાર્જ કોન્‍સ. મોન્‍ટુભાઇ એક કોલ લાવેલ, જેમાં લાલજીભાઇએ કોલ કરેલ કે જામનગર રોડ સન્‍ની પાજીના ઢાબા ખાતે અમુક માણસો ઝઘડો કરે છે. જેથી પીસીઆર વેનમાં અમનવીરસિંઘ ઉર્ફ સન્‍નીપાજી તેજેન્‍દ્રસિંઘ ખેતાન (ઉ.વ.૩૨-રહે. રેલ્‍વે સ્‍ટેશન પાસે ગુરૂદ્વારા નજીક)ને તેઓ પોલીસ સ્‍ટેશને લાવ્‍યા હોવાની વિગતો મને જણાવી હતી.

સન્‍નીપાજી ઉર્ફ અમનવીરસિંઘે જણાવેલ કે તા. ૧૭/૧૧ના રાતે અગિયારેક વાગ્‍યે  હું મારી સન્‍ની પાજીદા ઢાબા નામની હોટેલ ખાતે હતો, હોટેલ ચાલુ હતી ત્‍યારે ત્રણ વ્‍યક્‍તિ જમવા આવ્‍યા હતાં. તેનું બીલ અમારી હોટેલમાં લીધુ હોઇ વિજયભાઇ ગઢવીનો ફોન આવેલ અને મને કહેલુ કે આ ત્રણ વ્‍યક્‍તિનું બીલ લેવાનું નથી. બાદ મેં તેને કહેલુ કે ત્રણેય લોકો બીલ દઇને જતા રહ્યા છે. આ દરમિયાન મને નરેન્‍દ્રસિંહ ઉર્ફ ટીકુભા જાડેજાનો ફોન આવેલો અને મને ફોનમાં કહેલુ કે હું તારી હોટલે આવુ છું, હોટેલ બંધ કરાવી દેવી છે. તેવી વાત કરી હતી. બાદમાં થોડીવાર પછી નરેન્‍દ્રસિંહ ઉર્ફ ટીકુભા જાડેજા, રવિરાજસિંહ, હરદિપસિંહ ટીન્‍કુભા જાડેજા, વિશ્વરાજસિંહ ઉર્ફ કાનો, વિજયભાઇ ગઢવી અને અજાણ્‍યા માણસો મારી હોટેલે આવેલા અને અમારે સામ સામે ઝપાઝપી થઇ હતી. તેઓ બોલાચાલી કરવા લાગેલા અને ઢીકાપાટુ મારવા લાગેલા, મારી હોટેલમાં તોડફોડ પણ કરી હોઇ અને કોઇએ ૧૦૦ નંબર ઉપર ફોન કરતાં પોલીસની ગાડી આવી હતી. તેમાં હું અહિ પોલીસ સ્‍ટેશને આવ્‍યો છું. અમારે સામ સામે ઝપાઝપી થતાં મને શરીરે, માથાના ભાગે મુંઢ ઇજા થઇ છે. હાલ જે બાબતે મારે કોઇ ડોક્‍ટરી સારવારની જરૂર નથી કે લેવા માંગતો નથી. આ સામાવાળા મારા મિત્ર થતાં હોઇ અને અમારે સમાધાનની વાત થઇ ગઇ હોઇ જેથી આ બનાવ બાબતે મારે કોઇ પોલીસ ફરિયાદ કરવી નથી. મને મારા મિત્ર લેવા આવતા હોઇ જેથી મારી મરજીથી પોલીસ સ્‍ટેશને રોકાયો છું.

 તેવું નિવેદન અમનવીરસિંઘ ઉર્ફ સન્‍નીપાજીએ પોલીસ સ્‍ટેશનમાં નોંધાવ્‍યું હોઇ તેની નોંધ કરવામાં આવી હતી. પીઆઇ કે. જે. કરપડાએ પણ આ મામલે કોઇ ફરિયાદ નહિ નોંધાયાનું કહ્યું હતું.

(3:04 PM IST)