<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th November 2024

મુંબઈના ૧૨૦ કરોડ રૂપિયાના પેન્‍ટહાઉસના માલિકે બોલીવુડના ખરીદદારોને રિજેક્‍ટ કર્યા

પેન્‍ટહાઉસ ખરીદવા માગતા લોકોની પસંદગી કરવા માટે માત્ર રૂપિયા હોવા જરૂરી નથી, પેન્‍ટહાઉસ ખરીદવામાં રસ દાખવનારી વ્‍યક્‍તિ એક સારા પરિવારની હોય અને તેનું સોશ્‍યલ સ્‍ટેટસ પણ સારૂ હોવું જરૂરી છે

મુંબઇ, તા.૧૮: દક્ષિણ મુંબઈના પૉશ વિસ્‍તાર લોઅર પરેલમાં આવેલા વન અવિઘ્‍ન પાર્કના ૬૦મા માળે ૧૬,૦૦૦ ચોરસ ફીટનું છ બેડરૂમનું પેન્‍ટહાઉસ વન અવિઘ્‍ન પાર્ક બનાવનારા નિશાંત અગ્રવાલે ૧૨૦ કરોડ રૂપિયામાં વેચવા કાઢયું છે. ગ્‍લાસ-વૉલ્‍ડ એલિવેટર, રૂફટૉપ પૂલ, જિમ્‍નૅશ્‍યમ અને આઠ કારના ર્પાકિંગની સુવિધાવાળું આ પેન્‍ટહાઉસ ખરીદવા માટે બૉલીવુડ સહિતની કેટલીક સેલિબ્રિટીએ રસ દાખવ્‍યો છે, પણ પેન્‍ટહાઉસના માલિકની આકરી શરતને લીધે સોદો ન થઈ રહ્યો હોવાનું જાણવા મળ્‍યું હતું.

એક રિપોર્ટ મુજબ પેન્‍ટહાઉસના માલિક નિશાંત અગ્રવાલનું માનવું છે કે પેન્‍ટહાઉસ ખરીદવા માગતા લોકોની પસંદગી કરવા માટે માત્ર રૂપિયા હોવા જરૂરી નથી, પેન્‍ટહાઉસ ખરીદવામાં રસ દાખવનારી વ્‍યક્‍તિ એક સારા પરિવારની હોય અને તેનું સોશ્‍યલ સ્‍ટેટસ પણ સારું હોવું જરૂરી છે. પેન્‍ટહાઉસ ખરીદનારનો પરિવાર પાડોશીઓમાં હળીમળી શકે એવો અને તેમનામાં રૂપિયાનો ઘમંડ ન હોવો જોઈએ. બૉલીવુડ સાથે સંકળાયેલી અનેક હાઈ પ્રોફાઇલ સેલિબ્રિટીએ અ પેન્‍ટહાઉસ ખરીદવાની ઇચ્‍છા વ્‍યક્‍ત કરી છે, પણ પેન્‍ટહાઉસના માલિકની શરતો આ લોકો પૂરી નથી કરી શકતા. પેન્‍ટહાઉસને ખરીદવા કોઈ યોગ્‍ય વ્‍યક્‍તિ નહીં મળે તો તેના માલિક પેન્‍ટહાઉસ મહિને ૪૦ લાખ રૂપિયાના ભાડેથી આપવાનો વિચાર કરી રહ્યા છે. પેન્‍ટહાઉસ ભાડેથી લેનારાઓ માટે પણ શરતો જ રહેશે.

(2:41 PM IST)